સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ભારતીય સંસ્કૃતિની દેણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દુનિયામાં સામાન્ય રીતે એમ જોવા મળે છે કે જ્યારે કોઈ દેશ પરાધીન બને છે, ત્યારે મોટે ભાગે તે દેશના લોકો કાં તો બિલકુલ દબાઈ જાય છે, ચૂં કે ચાં નથી કરતા અથવા પછી કોઈ ને કોઈ રીતે, ક્યાંક ને ક્યાંક કાંઈ ને કાંઈ બળવો કરતા રહે છે. પરંતુ ભારતમાં જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું, ત્યારે એક ત્રીજી જ પ્રક્રિયા અહીં ઊભી થઈ. આ ગુલામીકાળમાં અહીં જે મહાપુરુષો પેદા થયા, તેમણે ન દબાઈ જવાનું પસંદ કર્યું કે ન શસ્ત્ર લઈને લડવાનું. એમણે તો આત્મસંશોધન કરવાનું શરૂ કર્યું. એમણે વિચાર્યું કે જ્યારે આટલી મોટી સંસ્કૃતિવાળો આટલો વિશાળ દેશ પરાધીન થઈ ગયો, તો તેનાં કારણો વિશે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આપણી અંદર જે દોષ હોય, ન્યૂનતા હોય, તેનું નિરીક્ષણ, પરીક્ષણ, સંશોેધન અને નિરાકરણ કરવું જોઈએ. આ રીતે આપણે ત્યાં આત્મશુદ્ધિ શરૂ થઈ ગઈ. આપણા લોકો પરાધીનતાથી ન તો દીન-હીન બન્યા, ન ક્ષોભના માર્યા એમણે નાના-નાના બળવામાં પોતાની શક્તિ ખર્ચી નાખી. તેઓ તો આંતરિક સંશોધનમાં લાગી ગયા. આના પહેલા પ્રવક્તા રાજા રામમોહન રાય બન્યા. એમણે કહ્યું કે, કેમ નિદ્રામાં પડ્યા છો? આજે સમાજમાં કેટલી બધી બૂરાઈઓ પેસી ગઈ છે, ધર્મમાં કેટલી બધી જડતા પેસી ગઈ છે! ઉપનિષદનો ધર્મ કેટલો ઉજ્જ્વળ હતો! તેથી આજે ધર્મમાં સુધારા કરવા પડશે. સમાજમાં સુધારા કરવા પડશે. એમણે સતીની પ્રથા સામે અવાજ ઉઠાવ્યો. ભારતીય સંસ્કૃતિમાં તો સ્ત્રીને કેટલું બધું ઉચ્ચ સ્થાન અપાયું છે! તેણે સ્ત્રીને માટે ‘મહિલા’ શબ્દ પ્રયોજ્યો. તેની બરાબરીનો શબ્દ બહારની કોઈ ભાષામાં મને નથી મળ્યો. મહિલા એટલે સ્ત્રી તો ખરી જ, પણ મહિલા એટલે મહાન અને ભારતીય સંસ્કૃતિએ માતૃશક્તિને મુખ્ય સ્થાન આપ્યું છે. મહારાષ્ટ્રમાં ન્યાયમૂર્તિ રાનડે થઈ ગયા. એમણે કહ્યું કે આ દેશ પરાધીન થયો છે, તેની પાછળ વિધિનો સંકેત છે. ભારતને ધક્કો લાગે તેની જરૂર છે અને યુરોપની સંસ્કૃતિ આજે ધક્કો દઈ રહી છે તે સારું જ છે. જે જડતા આવી ગઈ છે, એ તેને લીધે ચાલી જશે. આ પરાધીનતાના અગ્નિથી ભારત તપશે અને શુદ્ધ થશે. પુરાણા ગુણો ઉજ્જ્વળ થઈને બહાર આવશે, દોષો ઓછા થશે, અને પશ્ચિમની સંસ્કૃતિના કેટલાક ગુણ પણ આપણામાં આવશે. બંને સંસ્કૃતિઓનો સંગમ થશે અને બંનેનાં સુફળ ભારતને મળશે. આવું રાનડે સમજાવતા. અને થયું પણ તેવું જ. શ્રી અરવિંદ આખી પશ્ચિમની સંસ્કૃતિને પી ગયા. વિજ્ઞાન, સાહિત્ય, કાવ્ય, રાજનીતિ, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન બધાંમાં પ્રવીણ થઈ ગયા. પરંતુ એમણે શું કર્યું? ‘ઉપનિષદો’નું અધ્યયન કર્યું, ‘વેદ’ ઉપર ભાષ્ય લખ્યું, ‘ગીતા’ પર ચિંતન કર્યું, અને એક નવું યોગશાસ્ત્ર દુનિયાને દીધું. આ રીતે એમણે ભારતીય સંસ્કૃતિને વધુ ઉજ્જ્વળ બનાવી. બે સંસ્કૃતિઓના સંગમથી પરિપક્વ ફળ નિર્માણ થયું. સર્વધર્મ-સમન્વય અને સર્વ ઉપાસનાઓના સમન્વયની જે એક નવી દૃષ્ટિ ભારતમાં આવી, તેનો ઉદ્ગમ રામકૃષ્ણ પરમહંસથી થયેલો ગણાશે. એમણે વિભિન્ન ધર્મોની ઉપાસનાઓનું અધ્યયન કર્યું તથા પોતાના જીવનમાં એ બધી ઉપાસનાનો સમન્વય કર્યો. આમ, રામકૃષ્ણે દુનિયાને સંદેશ આપ્યો કે દુનિયામાં જેટલાયે ધર્મો છે, તે બધા એક જ પરમેશ્વર તરફ લઈ જનારા જુદા જુદા માર્ગ છે. એટલે એમની વચ્ચે કોઈ વિરોધ નથી. કોઈક મુકામે જવું હોય, તો ત્યાં પહોંચવા માટે એક જ નહીં, અનેક રસ્તા હોય છે, એવી જ રીતે ભગવાન સુધી પહોંચવા માટે પણ અનેક રસ્તા છે. માટે અમારા ગુરુએ જે શીખવ્યું, એ જ એકમાત્ર સાચો રસ્તો છે અને બીજા બધા રસ્તા ખોટા છે, એવો આગ્રહ રાખવો સાવ ખોટો છે. આપણે બધા એક જ મુકામે પહોંચવા માટેના જુદા જુદા રસ્તાના યાત્રીઓ છીએ. મહાત્મા ગાંધી દ્વારા પણ બે સંસ્કૃતિઓના સંગમનું મધુર ફળ નિર્માણ થયું. ગાંધીજી એક વિરલ મહાપુરુષ હતા. પુરાતન પરંપરાનું ફળ અને નૂતન પરંપરાનું બીજ આપણને એમનામાં મળ્યું. ભૂતકાળમાં મહાપુરુષોએ આપણને જે કાંઈ આપ્યું, તેનો સાર આપણે ગાંધીજીમાં પામ્યા અને ભવિષ્યમાં આવનારા મહાપુરુષોનાં બીજ પણ ગાંધીજીમાં પામ્યા. પાછલા પ્રયત્નોનું ફળ મળ્યું અને આગલી આશાઓનું બીજ મળ્યું. ભારત ફરી જાગી ગયું, અને તેણે આટલું બધું પ્રદાન કર્યું. આ એક બહુ મોટી વાત છે. આ કાળમાં રાજા રામમોહન રાય, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, સ્વામી દયાનંદ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, લોકમાન્ય તિલક, રવીન્દ્રનાથ ઠાકુર, મહાત્મા ગાંધી આદિ અસંખ્ય ઉચ્ચ કોટિના સ્વતંત્ર વિચારક ભારતમાં થયા. એમણે વિચારમાં સંશોધન કર્યું અને દુનિયાના વિચારોમાં વૃદ્ધિ કરવામાં પોતાનું યોગદાન આપ્યું. પરાધીન દેશ પાસે આવી અપેક્ષા બિલકુલ નથી રખાતી કે તેનામાં આવી સ્વતંત્ર બુદ્ધિ હોઈ શકે કે તે દુનિયાના સામૂહિક વિચારમાં આવી રીતે યોગદાન આપે, પરંતુ આપણે ત્યાં આવું થયું. આધુનિક જમાનામાં ભારતીય સંસ્કૃતિની દુનિયાને આ દેણ છે. [‘ભારતીય સંસ્કૃતિ’ પુસ્તક : ૨૦૦૩]