સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/બેકારના?

From Ekatra Wiki
Jump to navigation Jump to search



હરિ,
તને લાચારીનો રોટલો પીરસવામાં આવે
તો તું શું કરે?
જમે—પાછો ઠેલે?
તને આમંત્રણ આપવામાં આવે
ને પછી
મોં સામે ફટાક કરી
બંધ કરવામાં આવે જો દ્વાર
તો
તારાં નયન શું કરે?
ભભૂકી ઊઠે?—રડી પડે?
માર્ગમાં
નિર્દોષ ભાવે કોઈ સળગતો પ્રશ્ન પૂછી બેસે
‘ક્યાં છો હમણાં?’
તો તું શું કહે? જમીન શોધે?
દસથી છ કામ પર ગયાનો ડોળ કરી
સાંજે પાછો ફરે ઘરે
અને રીટા ત્યારે પૂછે:
‘પપ્પા’ શું લાવ્યા?
ત્યારે
તું મૂઠી ખોલે કે બંધ કરે?
રાત્રે
પથારીમાં કણસતાં-કણસતાં
પડખું બદલતાં
કોઈ ઘેનભર્યા સ્વરે પૂછે:
‘તમને ઊઘ નથી આવતી?’
તો
તું સૂવાનો ઢોંગ કરે?
હરિ, તું શું કરે?