સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/વિપર્યય

From Ekatra Foundation
Jump to navigation Jump to search



પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે:
‘આ પુત્ર મને સાચવશે ખરો?’
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.
આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી—
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી.
આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી.
આજે એ ઊઘમાંથી ઝબકી ઝબકીને જાગી ઊઠે છે—
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો?
હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.