સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/શૈશવનો ચહેરો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રેડિયો પરથી જૂનાં ગીતો સંભળાય છે ને ક્યારેક મનને આનંદથી ભરી ભરી મૂકે છે. “બચપનકે દિન ભી ક્યા દિન થે...” એ ગીત તે વખતે નૂતને ફિલ્મ ‘સુજાતા’માં ગાયેલું. અત્યારે તે સાંભળીને લાગે છે કે એ જાણે મારા મનની જ વાત કહે છે. શૈશવના એ દિવસો કેટલા સુંદર હતા! એ નિર્દોષ શૈશવનો ચહેરો આજે યાદ આવે છે, અને સાથે હીંચકા પર ઝૂલતી નૂતનની મુગ્ધતા પણ! એ ગાય છે : “છોટી છોટી ખુશિયાં થી, છોટે છોટે થે ગમ!” એ દિવસોમાં ક્યાં મોટા મહેલ બાંધવાનાં અરમાન હતાં કે મોટા અફસર થવાનાં સ્વપ્નો હતાં! સુખ તો નાની નાની બાબતોનું હતું — રંગબેરંગી છીપલાંઓ અને બિલ્લીછાપ સિગારેટનાં ખાલી ખોખાં ભેગાં કરવામાં! અને દુઃખ પણ ક્યાં મોટું આવી પડવાનું હતું? રેતી પરથી ધોવાઈ ગયેલો કિલ્લો કે ભેરુએ નહીં દીધેલો દાવ! પરંતુ એ સુખ આજે પણ યાદ આવે છે, અને એ નાનાં નાનાં દુઃખ કેવાં ભુલાઈ ગયાં છે!