સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/પી જવાનું હોય છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.
જીવવું છે ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન!
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.
ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.
જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.
કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.
ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.
એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.
[‘આચમન’ પુસ્તક]