સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શકુંતલા નેને/તમારો ભગવાન : મારો ભગવાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



તમારો ભગવાન : મારો ભગવાન
તમારો ભગવાન બહેરો થયો છે?
લાઉડ-સ્પીકર વગર
નથી સાંભળતો તમારી વાતને?
મારો ભગવાન તો
સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ;
સાંભળે મારા શ્વાસોચ્છ્વાસની વ્યથાને.

ઈશ્વર તમારો આંધળો થયો છે?
એને દેખાડવા તમારે
જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા?
મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને,
કોડિયાનું અજવાળું પણ ન હોય તોયે
દેખે છે મારી દુનિયાની દુર્દશાને!

તમારો કનૈયો કાન ફાડે તેવા અવાજમાં
નાચે છે ડિસ્કો-દાંડિયા?
મારો કાનો તો હજી
એ જ મધુરી વાંસળી વગાડે છે,
નચાવે છે મને
એના સુરીલા સંગીતમાં.

ચૂપ થઈ જાવ ઘડીભર,
બંધ કરો લાઉડ-સ્પીકરો,
બુઝાવી દો હજારો વોલ્ટના દીવાઓ —
તો તમને પણ સંભળાશે
અને દેખાશે એની રાસલીલા,
સંભળાશે દરેક પંખીના ટહુકામાં એની વાંસળી,
દેખાશે દરેક તારાના તેજમાં
એની આંખોનો પ્રકાશ અને તમારી પ્રજ્ઞાજ્યોત પણ પ્રજળી ઊઠશે.