સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરદ ઠાકર/‘બાંઝ ઔરત’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


“ક્યા તકલીફ હૈ?” “સા’બ, યે મેરી બેટી હૈ, મંગલા. શાદી કો એક સાલ હો ગયા, લેકિન અભી તક બચ્ચા નહીં હુઆ.” મારી નજર સામે બેઠેલી મંગળા ઉપર પડી. હજુ તો એ પોતે જ બાળક જેવડી લાગતી હતી. દૂબળી-પાતળી, બીધેલી હરણી જેવી, જાણે ‘ઘર-ઘર’ રમતાં રમતાં આ છોકરી ઘરગૃહસ્થીમાં જઈ પડી હોય. સાથે એની મા આવી હતી. ભણેલી-ગણેલી બહેનો લગ્ન કર્યા પછી એક-બે વર્ષ સુધી સંતાન ન જન્મે એ માટે શું કરવું એની સલાહ પૂછવા આવતી હોય છે, ત્યારે મંગળા સત્તર વર્ષની હશે ત્યારે પરણી ગઈ હશે ને અઢારમે વરસે એને ખોળાના ખૂંદનારની તરસ જાગી હતી. મેં મારી ફરજ બજાવી. મંગળાનો કેસ કાઢ્યો. વિગતો ટપકાવી. પછી એને ‘એકઝામિનેશન ટેબલ’ ઉપર લીધી. પછી એ મા-દીકરીને સમજાવવા બેઠો. “મારી દૃષ્ટિએ મંગળાને સારવારની જરૂર જ નથી. હજી તો એનાં લગ્નને માંડ એક વર્ષ પૂરું થયું છે. થોડી ધીરજ રાખો.” નહીં સા’બ! અગર બચ્ચા નહીં હુઆ, તો ઉસકા ઘરવાલા ઉસકો વાપસ ભેજ દેગા.” “એમ તે કંઈ હોતું હશે? બાળક તો સારવાર પછી પણ કદાચ ન થાય. એમાં સ્ત્રીનો શો વાંક?” “વો હમ કુછ નહીં જાને, સા’બ! બસ, તુમ ઇલાજ કરો.” “સારું! મંગળાના વરને બોલાવો. પહેલાં એની લેબોરેટરીમાં તપાસ કરવી પડશે.” મંગળાની માના ચહેરા ઉપર નિરાશાની શ્યામલ છાયા ઢળી ગઈ. “જમાઈ કી બાત જાને દો, સા’બ! વો ખરાબ આદમી હૈ. લડકી કો બહુત મારતા હૈ. ઉસકી તો બસ એક હી બાત હૈ: યા મુઝે બચ્ચા દો, વરના તુમ ચલી જાઓ. સા’બ, આપ જમાઈ કી બાત છોડ કર મંગલા કી દવા શુરૂ કર દો.” મેં એમ જ ગોળીઓ ઉતારી આપી. શારીરિક સંબંધ માટેની તારીખો અને બીજી કેટલીક શિખામણો આપીને મેં એને વિદાય કરી. એક મહિના પછી આકોલાથી ફોન આવ્યો: સારવારનું કંઈ પરિણામ આવ્યું ન હતું. ગઈ કાલે રાત્રે એના વરે એને ધરવ થઈ જાય એ હદે મારી હતી. જો એક-બે મહિનામાં કોઈ સારા સમાચાર નહીં મળે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી દીધી હતી. હું આટલે દૂર બેઠાં બેઠાં શું કરી શકું? “મંગલા, જો ગોલિયાં મૈંને લિખી થીં, વો ફિરસે શુરૂ કર દો. ઔર ઇસ મહિનેમેં બારહ, ચૌદહ, સોલહ ઔર અઠારવીં તારીખ કો...” ફરી પાછી એ જ વૈજ્ઞાનિક સમજણ અને શિખામણ. બધું સાંભળી લીધા પછી એ ત્રસ્ત અબળાએ ફોન મૂકી દીધો. એના પતિથી ગુપ્ત રીતે બિચારી એસ.ટી.ડી. બૂથમાં આવીને મારી સાથે વાત કરતી હતી. અને એક કમભાગી દિવસે એના ધણીએ બાપડીને મારી-મારીને લોથ જેવી કરી નાખી, “નિકલ જા, સા... ઘરમેં સે. તેરે જૈસી બાંઝ ઔરત કો ઘરમેં રખને સે ક્યા ફાયદા?” મંગલા રડતી-વલખતી અમદાવાદ આવી. બીજે દિવસે મા એને લઈને મારી પાસે આવી. મેં સારવાર આપતાં પહેલાં એને ફરી એક વાર તપાસી લીધી. પછી હર્ષવિષાદ અને કરુણાના મિશ્ર ભાવો સાથે નિદાન જાહેર કર્યું, “મંગલા, તુમ મા બનનેવાલી હો.” અને એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. એની માની આંખોમાં ચમક હતી, “સા’બ, અબ જમાઈ મેરી બેટી કો વાપસ બુલા લેગા.” [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]