સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાન્તનુ લ. કિરલોસ્કર/“પણ જોજો હો...!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


[પ્રામાણિકતા અને તનતોડ પરિશ્રમનાં સનાતન ભારતીય મૂલ્યોની સાથે આધુનિક યંત્રવિદ્યાનો વિરલ સમન્વય કરનાર ભારતના એક આગેવાન ઉદ્યોગપતિ શાન્તનુ લ. કિરલોસ્કરે જુવાનીમાં અમેરિકા જઈ વિખ્યાત એમ. આઈ. ટી. સંસ્થામાં ઇજનેરીનો અભ્યાસ કરેલો. મહારાષ્ટ્રમાં પિતાના નાનકડા કારખાનામાં એ ૧૯૨૬માં જોડાયા અને અવિરત પુરુષાર્થને પ્રતાપે દેશભરમાં સન્માનિત ઉદ્યોગપતિ બન્યા. એકાણું વરસની વયે, ૧૯૯૪માં એમનું અવસાન થયું. ત્યારે કિરલોસ્કર જૂથના ઉદ્યોગો તરફથી કેટલાંક દૈનિક છાપાંમાં અરધાં પાનાં ભરીને જાહેરાતો આપવામાં આવેલી, તેમાં કિરલોસ્કર દાદાનો નીચેનો સંદેશો રજૂ થયેલો:] મને ખબર છે કે તમને તો એક ફક્કડ બહાનું મળી જવાનું—પણ જોજો હો! મારું મરણ થાય ને હું અહીં આંટો મારવા ન આવ્યો હોઉં, એટલા ખાતર તે દિવસે કામ બંધ રાખતા નહીં. અને હા, ગમગીન ચહેરાઓ લઈ લઈને ફરશો નહિ ને લાંબાંલચ ભાષણો કરતા નહિ—હું તો એવું એકાદુંયે ભાષણ સાંભળવા જેટલું બેસી શકું જ નહિ. એના કરતાં તો, અહં, તમે મને એકાદ મોટું કોમ્પ્રેસર કે ડીઝલ એન્જિન જ બનાવી આપોને! અમેરિકા કે ફ્રાંસથી કોઈ મોટો નિકાસ-ઓર્ડર મેળવી લાવો ને! એક સાવ નવા, ક્રાંતિકારી સુપર કમ્પ્યૂટરની રચના કરી આપોને! તમને ઠીક પડે તે કરો—તમે દરજી હો, તો ગામના તમારા લત્તામાં સારામાં સારું પેન્ટ સીવનારા તમે હો એવું હું ઇચ્છું; અથવા હોટલના વેઇટર હો, તો એવી અફલાતૂન સર્વિસ આપો કે તમારે ત્યાં ઘરાકોની ભીડ જામ્યા કરે. તમારે મને અંજલિ આપવી છે ને? ખુદાને ખાતર મારું કોઈ બાવલું બનાવશો નહિ. બસ, સરસ કામ કરતા રહો. આજે ને હરહંમેશ. એમ કરતાં કરતાં આપણે એક સરસ મજાનો મુલક ઊભો કરી દઈશું. વફાદારી તો એક રોગચાળો છે. હમણાંનાં વરસોમાં ભારતમાં એ બહુ ફેલાયો છે. લોકો જ્યારે મને વફાદાર રહેવાની વાત કરે ત્યારે હું કહેતો હોઉં છું કે, મારે તો તમારી કે બીજા કોઈનીયે વફાદારી જોઈતી નથી—મારાં પોતરાંઓની પણ નહિ. કાલ સવારે હું ભ્રષ્ટાચારી બની ગયો, તો શું તમે મને વફાદાર રહેવાના? હું મરી જઈશ ત્યારે શું કરશો? તમારી વફાદારી ક્યાંક બીજે લઈ જશો? જેની કિંમત હોય એવી એકમાત્ર વફાદારી તો છે મૂલ્યો માટેની વફાદારી. કારણ, ફિલસૂફો ભલે ચાહે તે કહે પણ, અમુક મૂલ્યો કદી પણ બદલાતાં નથી. જેમ કે—ઉત્તમતા અથવા બુદ્ધિની ખડતલતા, ગતિશીલતા, ઇમાનદારી, કલ્પનાશકિત કે વિનોદવૃત્તિ.