સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાહબુદ્દીન રાઠોડ/આરસમાં કંડારાયેલ શિલ્પ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રેવાને તીરે વસેલા રળિયામણા રાજેસર ગામનો એ રહેવાસી હતો. નાનકડું ગામ, ગામનો ચોરો, ચોરા પાસે ઘેઘૂર લીમડાનું ઝાડ. ગામનાં ખોરડાં, ઠાકર મંદિર, શેરિયું, નદીનો કિનારો—બધું હૈયામાં વસી જાય તેવું હતું. આ જુવાનને વૃદ્ધ માતા હતી. મોટો ભાઈ હતો. વહાલસોયી બહેન હતી અને જેને હૈયું આપી ચૂક્યો હતો તેવી કાળી તોફાની આંખોવાળી પ્રિયતમા પણ હતી. નાનો હતો ત્યારથી પરાક્રમી પિતાનાં ધિંગાણાંની વાતો એ સાંભળતો. ખાનદાનની વીરતાના પ્રતીક જેવી ખીંટીએ ટીંગાતી તલવારને એ ટગરટગર જોઈ રહેતો. પછી એ યુવાન બન્યો. ભુજાઓમાં બળ આવ્યું. પિતાના વારસાની વહેંચણીનો અવસર આવીને ઊભો ત્યારે આ જુવાને ન મોલાત માંગી, ન સંપત્તિ. એણે માંગી માત્ર તલવાર. એમાં એક દી ગામને પાદર ધ્રુબાંગ ધ્રુબાંગ ઢોલ મંડ્યો ધબકવા અને નગારે દાંડિયું પડી. શત્રુનાં સૈન્ય આવી રહ્યાનો સંદેશો મળ્યો અને ઘેરઘેરથી જુવાનો હથિયાર બાંધીને નીકળી પડ્યા. એમાં આ જુવાન પણ હતો... મેઘાણી શતાબ્દી નિમિત્તે યોજાયેલ ડાયરામાં અભેસિંહ રાઠોડના ધીરગંભીર અવાજમાં ‘સૂના સમદરની પાળે’ રજૂ થયું અને હું સ્મૃતિપટ પર એક પછી એક ચિત્રો જોવા લાગ્યો. પ્રથમ સમાચાર આવ્યા હશે દુશ્મનોના, બૂંગિયો સાંભળીને ગામને પાદર રણઘેલુડા ભેગા થયા હશે. માતાએ એમને વિદાય આપી હશે. બહેનોએ વિજયનાં તિલક કર્યાં હશે. ગામને પાદરથી જુવાનો વિદાય થયા હશે, ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં હશે? કથાગીતમાં ન હોય તેવી કડીયું કલ્પનામાં ગૂંથાવા લાગી. ભલે મેઘાણીભાઈએ ‘બિન્જન ઓન ધ ર્હાઇન’ નામના અંગ્રેજી બૅલેડ (કથાગીત) પરથી પ્રેરણા લઈ એ લખ્યું, પણ શ્વેત આરસપહાણમાં કંડારાયેલ શિલ્પકૃતિ જેવું આ અણમોલ કથાગીત છે. એનું વાતાવરણ, ભાષા, તળપદા શબ્દો અને ભાવોની અભિવ્યકિત એવાં ઉત્કૃષ્ટ છે કે એ એક સ્વતંત્ર કૃતિ જ જણાય. જુવાન સમરાંગણમાં સિધાવ્યો. ભારે ધિંગાણું થયું. એ વીરતાથી લડ્યો, આખરે ધરતી પર ઢળી પડ્યો. સૂના સમદરની પાળે, સમરાંગણના મૃતદેહો વચ્ચે, પોતાના ભેરુબંધને જુવાન અંતિમ સંદેશો પાઠવે છે. એના જખમોમાંથી લોહી વહી રહ્યું છે, શ્વાસ રૂંધાવા લાગ્યો છે. અંતિમ ઘડીએ એને યાદ આવે છે રેવાનો કિનારો, રાજેસર ગામ અને લીલુડો લીમડો. એ લીમડા હેઠે ગામના લોકો ભેગા થશે અને રણઘેલુડાના સમાચાર પૂછશે ત્યારે ભેરુ, તું પ્રથમ મારી માડીને કહેજે:

માંડીને વાતડી કે’જે,
રે માંડીને વાતડી કે’જે,
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે
સૂના સમદરની પાળે.

જુવાન જાણે છે, જુવાનજોધ દીકરાના મોતના સમાચાર સાંભળી માડીનું હૈયું ભાંગી પડશે. એટલે તો એ સીધા સમાચાર આપવાને બદલે ખાંડાના ખેલની, વેરીની વાટ રોકીને લડનારની વીરતાની અને ઘોડલે ઘૂમતો ભાણ પણ જે જોતો રહ્યો એવા જુદ્ધની વાત કરે છે. આરતી ટાણા સુધી ચાલેલા યુદ્ધમાં લાખેણા વીરોની સો સો લોથો સૂતી ત્યારે હવે જુવાન પોતાની વાત ધીરેથી કહે છે:

માડી! હું તો રાનપંખીડું
રે માડી! હું વેરાન-પંખીડું:
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો’તો જીવ તોફાની રે
સૂના સમદરની પાળે.

માડીને એ આશ્વાસન આપે છે: ભાઈ મોટેરો તને પાળશે. ત્યાં તો વહાલસોયી બહેનની યાદ આવે છે. પોતાના વીરવિહોણી વારને એ બેની જ્યારે ભાળશે ત્યારે માથડાં ઢાંકી ધ્રુસકે ધ્રુસકે રોશે. બહેનની કલ્પના કરતાં જુવાનનું હૈયું ભરાઈ આવે છે. એ બહેનને હિંમત આપે છે:

જાેજે, બેની! હામ નો ભાંગે,
રે જોજે, બેની! વેદના જાગે.
તુંયે રણબંકડા કેરી બેન: ફુલાતી રાખજે છાતી રે!
સૂના સમદરની પાળે.

મોતનો ઓછાયો જીવતર માથે જ્યારે ઊતરી રહ્યો છે ત્યારે જુવાનને બહેનનો જીવનસાથી, તેનાં લગ્ન, તેના સુખી સંસારની ચિંતા થાય છે. ભાઈ કહે છે:

બેની! કોઈ સોબતી મારો,
રે બેની! કોઈ સોબતી મારો
માંગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે
સૂના સમદરની પાળે.

મારો કોઈ સોબતી તારો હાથ માગે અને જો તારું મન કોળે તો ઝંખવાઈશ મા. ભાઈના નામે તારા હૈયાને જોડજે. છેલ્લો સંદેશો યુવાનને આપવો છે તેની પ્રિયતમાને. રેવાને તીરે ચાંદની રાતમાં એની કૂણી કૂણી આંગળિયુંમાં આંકડા ભીડી, જીવતર હારે જીવવાના કોલ એકબીજાને આપ્યા હતા, સુખી સંસારનાં સોણલાં જોયાં હતાં. એવી પ્રિયતમાને સંદેશો આપવો છે. પણ એની કાંઈ ઓળખ? કાંઈ એંધાણ?

બંધુ મારા! એક છે બીજી,
રે બંધુ મારા! એક છે બીજી:
તોફાની આંખ બે કાળી: ઓળખી લેજે એ જ એંધાણે રે
સૂના સમદરની પાળે.

તોફાની બે કાળી આંખની એંધાણીએ પ્રિયતમાને ઓળખી લેવાનું જુવાન કહે છે. પણ બીજી કોઈ ઓળખ ખરી? હાં ભેરુ, એનું દિલ મસ્તાનું છે:

બંધુ! એનું દિલ મસ્તાનું,
રે બેલી! એનું દિલ મસ્તાનું;
મસ્તાના ફૂલ-હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાવું રે
સૂના સમદરની પાળે.

જીવતરની અંતિમ ક્ષણોમાં તેને મિલનની અંતિમ પળો યાદ આવે છે. રેવાને કિનારે આથમતો દિવસ, મિલનની છેલ્લી આઠમની રાત... જુવાન બધું યાદ કરે છે:

રેવા ઘેરાં ગીત ગાતી’તી,
રે રેવા ઘેરાં ગીત ગાતી’તી.
ગાતાં’તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે
સૂના સમદરની પાળે.

હવે જુવાનનો સંદેશ અટકે છે. એની જીભ ટૂંપાવા લાગે છે. આંખડીના દીવા ઓલવાતા જાય છે. એ બોલતો થંભી જાય છે.

સાથી એની આગળ ઝૂકે,
રે સાથી એનું શિર લ્યે ઊચે;
બુઝાણો પ્રાણ-તિખારો, વીર કોડાળો જાય વિસામે રે
સૂના સમદરની પાળે.

[‘લાખ રૂપિયાની વાત’ પુસ્તક: ૧૯૯૭]