સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/જીવનમાં વ્યવસ્થિતતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તમને નિશાળે મોકલવામાં આવે છે, કસરત કરવાનું કહેવામાં આવે છે (શરીર અને મન બંનેની), તે શું તમે ધારો છો કે તમને હેરાન કરવા માટે કરવામાં આવે છે? ના, તમારે માટે આ વસ્તુઓ જરૂરની છે. પોતાના વ્યક્તિત્વના ઘડતરમાં માણસને જે જે અનુભવોની જરૂર રહે છે તે બધા અનુભવો માણસે કોઈની પણ મદદ વિના જો કેવળ પોતાની મેળે જ મેળવવાના રહે, તો તો પછી તમે અસ્તિત્વમાં આવવાનું કાર્ય શરૂ કરો તે પહેલાં જ તમારું મૃત્યુ થઈ જાય. અને એટલા માટે જ આપણા જીવનમાં આપણે બીજાના અનુભવોનો ઉપયોગ કરી લેવાનો રહે છે. સેંકડો અને હજારો વર્ષોથી માણસજાતિ પોતાના આ અનુભવોનો સંચય કરી રહેલી છે. અને જે લોકો પાસે આ અનુભવો હોય છે તે તમને કહેતા રહે છે કે, તમારે ઝપથી આગળ વધવું હોય, જે વસ્તુને શીખતાં સેંકડો વર્ષો લાગ્યાં છે તે તમારે થોડાંક વરસોમાં જ જો શીખવી હોય, તો પછી આ કરો, તે કરો, આ રીતે કરો, તે રીતે કરો, વાંચન કરો, અભ્યાસ કરો. અને એમ તમે એક વાર તમારા રસ્તે ચડી જશો તો પછી, તમારામાં જો પ્રતિભાની શક્તિ હશે તો તમે વિકાસની તમારી પોતાની પદ્ધતિ પણ શોધી લઈ શકશો. પણ શરૂઆતમાં તો તમારે કેવી રીતે પોતાના પગ પર ઊભા રહેવું, કેવી રીતે ચાલવું એ શીખવાનું જ રહે છે. પોતાની મેળે જ બધું કરવું એ કોઈ સહેલી વાત નથી. એટલા માટે તો માણસને કેળવણીની જરૂર રહે છે. કેટલાંક બાળકો ઘણાં અવ્યવસ્થિત હોય છે. વસ્તુઓને સુઘડ રીતે કેમ રાખવી એ તેમને આવડતું નથી હોતું. વસ્તુઓ સાચવવી કેવી રીતે, એ પણ એમને આવડતું નથી. તેઓ વસ્તુઓને ખોઈ નાખે છે યા તો બગાડી મૂકે છે. કેટલાંક બાળકો પોતાનાં કપડાં ઉતારીને ગમે તેમ, આડાં-અવળાં ફેંકી દે છે, અથવા પોતાનું કામ કરી લીધા પછી પોતાનાં પુસ્તકો, કાગળ-પેન્સિલ કે ખડિયો— કલમ પોતે ક્યાં મૂકી દે છે તેનો તેમને ખ્યાલ પણ નથી રહેતો. ફરી પાછું જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે આ બધાંને શોધવાં કે ભેગાં કરવાં એ ભારે કામ થઈ પડે છે. આ બધું એટલું જ બતાવે છે કે બાળકની પ્રકૃતિમાં કશી શિસ્ત નથી, એના માનસમાં કોઈ પદ્ધતિ નથી. આવું બાળક માત્રા બાહ્ય રીતે નહિ પણ એની અંદરમાં પણ અવ્યવસ્થિત હોય છે. કેટલાક માણસો તો સ્થૂલ વસ્તુઓ પ્રત્યે, પોતાને કદાચ મહાપુરુષ માની લઈને, તિરસ્કાર પણ ધરાવતા હોય છે. પરંતુ શ્રીઅરવિંદ કહે છે કે જે લોકો વસ્તુઓની સંભાળ રાખી શકતા નથી તેઓ એ વસ્તુઓને રાખવાને લાયક જ હોતા નથી. એવા લોકોને વસ્તુઓ માગવાનો હક જ નથી. અને હું કહું છું કે આવી મનોદશા પાછળ એક રીતનો ઉગ્ર અહંકાર જ હોય છે, એક ઘણો જ મોટો આંતરિક ગોટાળો હોય છે. કેટલાક લોકોના ઓરડા જોશો તો બહુ સ્વચ્છ અને સુઘડ દેખાતા હોય છે. પણ તેમનું કબાટ ખોલીને જોશો, ટેબલનું ખાનું ઉઘાડશો તો ત્યાં તમને એક સમરાંગણ જેવું નજરે પડશે. અંદર જોશો તો બધું ભેળસેળ પડેલું હશે. આવા લોકોનું મગજ પણ એવી જ હાલતમાં હોય છે. તેમના કબાટમાં વસ્તુઓ પડેલી હોય છે તેવી જ રીતે તેમના નાનકડા મગજમાં પણ વિચારો સેળભેળ પડેલા હોય છે. આ લોકોએ પોતાના વિચારોને વ્યવસ્થિત કરેલા હોતા નથી, બરાબર ગોઠવેલા નથી હોતા. આ વસ્તુને તમે એક પાકા નિયમ તરીકે સમજી લેજો. મેં એક પણ માણસ એવો જોયો નથી કે જે પોતાની વસ્તુઓને ગમેતેમ પડી રહેવા દેતો હોય અને છતાં તેનું મગજ બુદ્ધિપૂર્વક કામ કરતું રહેતું હોય. એવી વ્યક્તિના મગજમાં વસ્તુઓની પેઠે વિચારો પણ ગમેતેમ આડાઅવળા પડેલા હોય છે. કશા પણ મેળ વિનાના, એકબીજાથી તદ્દન વિરુદ્ધના એવા વિચારો તેના મગજમાં એક જાળું બનીને પડેલા હોય છે. પણ હું તમને એક વ્યક્તિની વાત કહીશ. એ વ્યક્તિ પુસ્તકો અને કાગળોના ઢગલાની વચ્ચે જ રહેલી હતી. તમે એમના ખંડમાં દાખલ થાઓ તો તમને જ્યાં જુઓ ત્યાં પુસ્તકોના અને કાગળોના ગંજ પર ગંજ ખડકાયેલા દેખાય. પણ તમે જો ભૂલેચૂકે એમાંથી એક પણ ચીજને આઘીપાછી કરી, તો તમારું આવી જ બન્યું સમજવું! એ વાતની એમને બરાબર ખબર પડી જવાની અને એ તરત જ પૂછવાના કે એમના કાગળોને કોણે હાથ અડાડયો છે. એમના ઓરડામાં કેટલીયે ચીજો રહેતી. અને તમે અંદર દાખલ થાઓ તો કેવી રીતે ચાલવું એ પણ સમજાય નહિ. પણ એ ઓરડામાંની દરેક ચીજનું — નોટબુકો, પત્રો, કાગળો, એમ દરેકનું — પોતાનું ચોક્કસ સ્થાન હતું. બધું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું રહેતું. એમાં તમે કોઈ પણ ફેરફાર કરો તો તેની તેમને ખબર પડી જ જાય. આ વ્યક્તિ તે શ્રીઅરવિંદ હતા. અર્થાત્, સુવ્યવસ્થા એટલે દરિદ્રતા એમ તમારે કદી સમજવાનું નથી. તમારી પાસે થોડીએક વસ્તુઓ હોય, દસ— બાર પુસ્તકો અને થોડી અમથી ચીજો હોય, તો તો તમે સહેલાઈથી એ બધું વ્યવસ્થિત રાખી શકો છો. પણ આપણું લક્ષ્ય તો એ છે કે તમારી પાસે ઘણી ઘણી વસ્તુઓ હોય અને તેમાં તમે એક પદ્ધતિસરની, બુદ્ધિપૂર્વક એક સજ્ઞાન રીતની વ્યવસ્થા ઊભી કરી હોય. અને એ માટે એક વ્યવસ્થાશક્તિની જરૂર રહે છે. આ શક્તિ દરેક જણમાં હોવી જોઈએ, દરેક જણે મેળવવી જોઈએ. બેશક તમે શારીરિક રીતે અશક્ત હો, તમે બીમાર હો અથવા તો અપંગ થઈ ગયા હો અને તમારામાં પૂરતી શક્તિ ન હોય તો એ જુદી વાત છે. પણ એમાં પણ પાછી અમુક હદ તો હોય જ છે. મેં એવા માંદા માણસો પણ જોયા છે કે જે તમને કહેશે કે “પેલું ખાનું ખોલો તો જરા એમાં ડાબી બાજુએ કે જમણી બાજુએ કે પછી તળિયાના ભાગમાં અમુક અમુક ચીજ તમને મળશે.” એ લોકો પોતે હાલીચાલી શકતા નહોતા, વસ્તુઓની લે-મૂક કરી શકતા નહોતા, પણ તે ક્યાં રહેલી છે તે બરાબર જાણતા હતા. આવા દાખલાઓ બાદ કરીએ તો પણ આપણો આદર્શ તો વ્યવસ્થા માટેનો, સંગઠન અને સુયોજન માટેનો જ હોય. દા.ત. તમે એક લાઇબ્રેરી લો. ત્યાં હજારો હજારો પુસ્તકો હોય છે. પણ તે બધાં જ ગોઠવેલાં, વર્ગીકરણ કરેલાં, ચોપડામાં નોંધાયેલાં હોય છે. પુસ્તકનું તમે માત્રા નામ જ બોલો અને થોડીક જ મિનિટમાં એ આવીને તમારા હાથમાં પડે છે. તમારી પ્રવૃત્તિને તમારે આ રીતે જ વ્યવસ્થિત કરવી જોઈએ. તમારે તમારી પ્રવૃત્તિ કાળજીપૂર્વક પસંદ કરવી જોઈએ. તમારાથી થઈ શકે તેટલું જ કામ માથે લેવું જોઈએ અને તેને બરાબર પાર પાડવું જોઈએ. ઘણી વાર તમે વધુ પડતું કામ માથે લઈ લો છો અને એ કામમાં ઘણી વસ્તુઓ નકામી પણ હોય છે. એ નકામી વસ્તુઓને તમે કાઢી નાખી શકો છો યા તો ઠીક ઠીક ઓછી કરી શકો છો. કામ કરવામાં આપણો જે વખત જાય છે તેને ઘટાડવાની પણ એક રીત છે. એ રીત છે તમારી એકાગ્રતામાં વધારો કરતા રહેવાનો. એ માટે પ્રથમ તો તમે તમારા મનને શાંત પાડી દો. અને એ શાંત અવસ્થામાં એકાગ્ર બનતા જાઓ. આવી રીતે કામ કરતાં, પહેલાં જે વસ્તુમાં સામાન્ય રીતે એક આખો કલાક ચાલ્યો જતો હતો તે હવે તમે તેથી ચોથા ભાગમાં કરી શકશો. અને એ રીતે તમારો ખૂબ ખૂબ વખત બચી જશે. આમાં એક બીજી વસ્તુ પણ છે. એક કામ પૂરું કર્યા પછી હંમેશાં તરત જ બીજું કામ ન ઉપાડતા, કામ પૂરું કરીને થોડો આરામ કરી લો. એમાંથી કામ કરતી વેળા તંગ બની ગયેલાં તમારાં સર્વ અંગોને આસાએશ મળશે, એમાં એક નવી શક્તિ પુરાશે અને પછી પાછા તમે એકાગ્રતાનો બીજો હપ્તો શરૂ કરી શકશો. [‘શ્રીઅરવિંદ કર્મધારા’ માસિક : ૧૯૭૫]