સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/થાક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કહેવાય છે કે વધુ પડતું કામ કરીએ એટલે થાક લાગે. અને પછી થાકનો ઇલાજ આરામ કરવો, એટલે કે કાંઈ જ ન કરવું. પરંતુ ખરી વાત એ છે કે તમારું કામ તમે કુશળતાથી કરતા હો, તો તમને થાક સહેલાઈથી લાગતો નથી. તમારા કામમાં જો તમને રસ હશે, તો ઘણા લાંબા સમય સુધી તમે વિના થાક્યે કામ કરી શકશો. એટલે કામનો થાક ઉતારવાનો મુખ્ય ઇલાજ એ છે કે તમને રસ પડે એવું બીજું કોઈ કામ હાથમાં લેવું. કામ સદંતર બંધ કરી દઈને પ્રમાદમાં સરી પડવું, એ કાંઈ થાક ઉતારવાનો સાચો ઇલાજ નથી. જે કામ તમે આનંદથી અને શાંતિથી કરી શકો છો, તે તમારે માટે એક ટોનિક જેવું બની રહે છે, એ તમારો સક્રિય આરામ હોય છે. પણ જે કામ કરવામાં તમને રસ નહીં હોય, કોઈ ફરજરૂપે કે વેઠની રીતે તમે એ કરતા હશો, તો તેવું કામ તમને થોડી વારમાં જ થકવી નાખશે. એટલે થાકનો ખરો ઇલાજ એ છે કે પોતાના કામમાં ખરેખર રસ લેતાં રહેવું.