સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/સુવ્યવસ્થા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણસે જગતમાં જે સુવ્યવસ્થા ઊભી કરી છે, તથા એને સર્વત્ર સુવ્યવસ્થા જડી આવી છે, તે એને માટે ઘણા ગૌરવની વાત છે. ખગોળશાસ્ત્રી આંખ ઉઠાવીને તારાઓનું અવલોકન કરે છે અને આકાશનો એક નકશો બનાવે છે. તે આકાશી ગોળાઓના નિયમિત ભ્રમણનો અભ્યાસ કરે છે, સૂર્યની આસપાસ થતી રહેતી ગ્રહોની ગતિને તે ગણે છે. વળી જે ક્ષણે ચંદ્ર પૃથ્વી અને સૂર્યના બિંબ વચ્ચે થઈને પસાર થતો હોય છે ત્યારે આપણે જેને ગ્રહણ થતું કહીએ છીએ તે વિશે એ આપણને અગાઉથી ખબર આપતો રહે છે. ખગોળવિદ્યાનું આખુંયે શાસ્ત્ર આમ સુવ્યવસ્થાના સિદ્ધાંત ઉપર મંડાયેલું છે. એ જ રીતે ગણિતશાસ્ત્ર પણ એક સુવ્યવસ્થાનું શાસ્ત્ર છે. એક નાનું બાળક પણ તે ખરા ક્રમ પ્રમાણે આંકડા ગણે છે ત્યારે આનંદ અનુભવે છે. પોતાનાં આંગળાં કે લખોટા ગણતાં ગણતાં એને એકદમ ખબર પડી જાય છે કે એક, પાંચ, ત્રણ, દસ... એમ બોલવાનો કશો અર્થ નથી. એ તો એક, બે, ત્રણ, ચાર.. એમ જ ગણે છે. અને આખું ગણિતશાસ્ત્ર અહીંથી જ આરંભ પામે છે. વળી સંગીત જેવા આનંદદાયક શાસ્ત્રમાં પણ જો સુવ્યવસ્થા ન હોય તો એની કેવી સ્થિતિ થાય? સંગીતના એક સપ્તકમાં સાત સ્વર હોય છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આ સ્વરોને તમે વારાફરતી વગાડો તો જ તેમાંથી સરસ પરિણામ આવે. સ્વરોને તમે અમુક ક્રમમાં વગાડો તો જ બધા મળીને એક સંવાદમય રાગ ઉત્પન્ન કરે. આમ આખુંય સંગીતશાસ્ત્ર સુવ્યવસ્થાના સિદ્ધાંત ઉપર મંડાયેલું છે. અને આ પ્રમાણે, માણસે શોધેલાં બીજાં શાસ્ત્રો તથા બધી કળાઓના પાયામાં સુવ્યવસ્થાનું તત્ત્વ આવી રહેલું છે. પણ તો આ સુવ્યવસ્થા આ રીતે બધી જ બાબતોમાં એક સરખી રીતે અનિવાર્ય છે, એવું નથી? તમે કોઈ મકાનમાં જાવ અને ત્યાં જો બધું ફર્નિચર તેમજ નાનીમોટી શોભાની ચીજો આડીઅવળી, ખૂણેખાંચરે પડેલી દેખાય, એમના પર ધૂળના થર જામી ગયેલા દેખાય, તો તમે બોલી ઊઠશો કે, “અરે, આ તે કેટલી બધી અવ્યવસ્થા, કેટલી બધી અસ્વચ્છતા!” કેમ કે અસ્વચ્છતા એ પણ અવ્યવસ્થાનું જ એક રૂપ છે. જગતમાં ધૂળને માટે પણ સ્થાન છે જ, પણ એ સ્થાન તે ફર્નિચર ઉપર તો નહિ જ. આ જ રીતે શાહીનું સ્થાન તે ખડિયામાં છે—નહિ કે તમારાં આંગળાં પર કે શેતરંજી ઉપર. પ્રત્યેક વસ્તુ એના પોતાના સ્થાનમાં હોય છે ત્યારે જ બધું સુઘડ અને સ્વચ્છ લાગે છે. તમારી નિશાળ માટેની ચોપડીઓ, તમારાં કપડાં, તમારાં રમકડાં—એ બધાંને માટે પોતપોતાનું એક બરાબર સ્થાન હોવું જોઈએ અને બીજી કોઈ વસ્તુ એ સ્થાન માટે હક કરતી ન આવવી જોઈએ. નહિતર પછી તમારે ત્યાં એક નાનકડું કુરુક્ષેત્ર જ મચી જશે. તમારાં પુસ્તકો ફાટી જશે, તમારાં કપડાં મેલાં થઈ જશે. એ બધા શંભુમેળામાંથી પછી તમારે જોઈતી વસ્તુ શોધવા નીકળવું પડશે, બધું વ્યવસ્થિત કરવું હશે તો તમે હેરાન હેરાન થઈ જશો. પણ જો એ બધું વ્યવસ્થિત રીતે રાખેલું હશે તો પછી સહેલાઈથી તમને દરેક વસ્તુ મળી આવશે. મનુષ્યનું આખુંયે જીવન અને તેની તમામ પ્રવૃત્તિઓ, કોઈ પણ દેશની સંપત્તિ અને સમૃદ્ધિ—એ બધાંનો આધાર પણ આ સુવ્યવસ્થાના તત્ત્વ ઉપર જ રહેલો છે. એટલે જ દેશની સરકારનું એક મુખ્ય કામ તે દેશની અંદર સુવ્યવસ્થા જાળવવી, એ રહેતું હોય છે. એક રાજા કે પ્રમુખથી માંડીને અદનામાં અદના પોલીસના માણસ સુધી દરેક જણે પોતાનું કામ ઉત્તમ રીતે અદા કરવાનું રહે છે. અને સાથે સાથે દેશના નાગરિકોએ, પછી એ ગમે તે પ્રવૃત્તિ કરતા હોય તો પણ, સુવ્યવસ્થા જાળવવાના આ કાર્યમાં પોતાનો ફાળો આપવાનો છે. આ રીતે દરેક વ્યકિત પોતાના દેશને સમૃદ્ધ અને બળવાન બનાવવામાં મદદ કરી શકે છે. કોઈ પણ બાબતમાં એક સહેજ પણ અવ્યવસ્થા ઊભી થાય તો તેનાં કેવાં ગંભીર પરિણામો આવી શકે, તેનો તમે જરા વિચાર તો કરી જુઓ. એક રેલવેનું જ તંત્ર લો. જગતના બધા દેશોમાં અસંખ્ય ટ્રેનો ચાલતી હોય છે. એ બધી કશો ગોટાળો ન થાય એ રીતે મિનિટે મિનિટ ચોક્કસ સમયે ઊપડતી રહે અને વખતસર પોતાના સ્થાને પહોંચતી રહે એ માટે રેલવેના બધા માણસોએ, ફાટકના ચોકીદારોએ, ડ્રાઇવરોએ, સાંધાવાળાઓએ ખૂબ જ નિયમિત રીતે અને ચોકસાઈથી પોતપોતાનું કામ કરવાનું રહે છે. જો કોઈ અકસ્માતને કારણે કે બેદરકારીને લીધે એકાદ ક્ષણ માટે પણ જો આ બધી વ્યવસ્થામાં ભંગ પડે, તો તેમાંથી કેવાં ભયંકર પરિણામો આવીને ઊભાં રહે! જગતમાં જે સુવ્યવસ્થા આવી રહેલી છે, જે નિયમિતતાથી બધું ચાલી રહેલું છે, એ જો એકાએક અટકી પડે તો બધે કેવી દુર્દશા ઊભી થાય એનો પણ તમે જરા વિચાર કરી જુઓ. કોઈ પણ વસ્તુ જ્યારે વ્યવસ્થિત રીતની બની જાય છે ત્યારે એમાં પછી કેટલી બધી શકિત ઉત્પન્ન થાય છે! જે યંત્રનાં બધાં અંગો, એના ખાંચા, લિવર વગેરે વ્યવસ્થિત રીતે અને ચોકસાઈપૂર્વક કામ કરતાં હોય છે, તે જ સૌથી વધુ શકિતશાળી યંત્ર હોય છે ને? અને એ યંત્રમાં એક નાનામાં નાનો સ્ક્રૂ પણ પોતાની જગા બરાબર સાચવી રાખતો હોય છે, તો તે એ યંત્રનાં મોટામાં મોટાં ચક્ર જેટલો જ કામનો હોય છે. આવી જ રીતે, એક નાનું બાળક પણ જો પોતાનું કામ કાળજીપૂર્વક કરતું રહે, તો તે શાળાની અંદર તેમ જ ઘરમાં—આ વિશાળ જગતમાં એનું જે આ નાનું જગત છે તેમાં—ઉપયોગી ભાગ ભજવતું રહે છે. કેટલીક વાર, શરૂશરૂમાં આપણને વ્યવસ્થિત બનવાનું કામ મુશ્કેલ લાગે છે. પણ જગતમાં કોઈ પણ વસ્તુ આપણને પ્રયત્ન કર્યા વિના મળતી નથી. જેમ કે તરવું કે હલેસાં મારવાં, એ કામ સહેલું નથી; પણ ધીરે ધીરે આપણને એ બધું આવડી જાય છે. એવી જ રીતે અમુક વખત પછી આપણને બધી વસ્તુઓ મુશ્કેલી વિના વ્યવસ્થિત રીતે કરતાં આવડી જાય છે. અને પછી તો આપણે કોઈ પણ રીતની અવ્યવસ્થા જોઈએ છીએ ત્યારે આપણને વધુ ને વધુ દુ:ખ થાય છે, અકળામણ થાય છે. તમે પહેલી વાર ચાલતાં શીખ્યા હશો ત્યારે કેટલીયે વાર પડી ગયા હશો. તમે ગબડી પડ્યા હશો, તમને વાગ્યું હશે, તમે રડ્યા હશો. પણ હવે તમારે ચાલવા માટે વિચાર પણ કરવો પડતો નથી, હવે તો તમે ચપળતાથી દોડી પણ શકો છો. અને આમ જુઓ તો, તમે આ જે ચાલવાની કે દોડવાની ક્રિયા કરો છો તે બીજું કાંઈ જ નથી—એ તો તમારા જ્ઞાનતંતુઓ, તમારા સ્નાયુઓ અને અવયવો વ્યવસ્થિત રીતે કામ કરતા હોય છે તેનું જ એક ઉત્તમ દૃષ્ટાંત છે. આમ, છેવટે જતાં વ્યવસ્થિત રીતે કામ કરવું એ તમારે માટે એક સહજ ટેવરૂપ બની જાય છે. (અનુ. સુન્દરમ્)