સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદક/એક જ બીજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે હિંદુસ્તાન પાછા આવ્યા ૧૯૧૫ના આરંભમાં. પોતાના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેને ત્યારે તેમણે વચન આપેલું કે તે હિંદમાં ફરીને દેશની સ્થિતિ જાતે નિહાળશે, પણ એક વરસ સુધી કોઈ પ્રકારની ચળવળમાં ભાગ નહીં લે અને ભાષણ પણ નહીં કરે. બિહારના ચંપારણ વિસ્તારના હજારો ખેડૂતોને જે દુખ પડતાં હતાં તેનું બયાન એ ખેડૂતોના કેટલાક આગેવાન પાસેથી ૧૯૧૬માં ગાંધીજીએ સાંભળ્યું. પણ પોતાના રિવાજ પ્રમાણે એમણે જવાબ દીધો કે, “જાતે જોેયા વિના આ વિષય ઉપર હું કંઈ અભિપ્રાય ન આપી શકું… પણ મારા ભ્રમણમાં હું ચંપારણને પણ લઈશ ને એક-બે દિવસ આપીશ.” એ વચન અનુસાર ખેડૂતોની હાલતની તપાસ કરવા ૧૯૧૭ની શરૂઆતમાં ગાંધીજી ચંપારણ ગયા. “આવ્યા હતા મળવા અને બેસાડ્યા દળવા”, એવી હાલત ત્યાં ગાંધીજીની થઈ. બિહારની સરકારે તેમને તપાસ કરતાં અટકાવ્યા, અને તેની સામે ગાંધીજીએ સવિનય કાનૂનભંગ કર્યો. એમને કે કોઈને પણ કલ્પના નહોતી એવી રીતે ચંપારણમાં સત્યાગ્રહનો પહેલવહેલો પદાર્થપાઠ આખા હિન્દુસ્તાનને મળ્યો. અહિંસા અને સત્યના એ મોટા પ્રયોગ વિશે ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’માં વીસેક પાનાનું બયાન આપ્યું છે અને તેની વધારે વિગતો બાબુ રાજેન્દ્ર પ્રસાદના એ લડતના ઇતિહાસમાંથી વાચકને મળી શકે, એમ જણાવ્યું છે. રાજેન્દ્રબાબુના હિન્દી પુસ્તકનો કરીમભાઈ વોરાએ કરેલો અનુવાદ ‘બાપુને પગલે પગલે’ નામે નવજીવન પ્રકાશન મંદિર તરફથી બહાર પડેલો. તેમાંથી ચંપારણની લડત વિશેનું તેમનું બયાન થોડું સંપાદિત કરીને અહીં રજૂ કરીએ છીએ. સાથે સાથે ‘સત્યના પ્રયોગો’માંથી ચંપારણની લડત વિશેના કેટલાક અંશો ગાંધીજીના શબ્દોમાં યથાસ્થાને અહીં ઉમેરેલા છે. રાજેન્દ્રબાબુના લખાણથી તેને અલગ પાડવા માટે ગાંધીજીનું લખાણ જરા વાંકા અક્ષરોમાં અહીં છાપ્યું છે. રાજેન્દ્રબાબુએ કહ્યું છે તેમ “એ થોડા દિવસોમાં ગાંધીજીએ ચંપારણમાં જે કર્યું, તેનો જ વિસ્તાર આગળ જતાં તેમણે અસહકારની ચળવળ મારફત આખા દેશમાં કર્યો. ચંપારણમાં તેમણે પીપળાનું એક બીજ રોપ્યું — જે ત્યારે કોઈની નજરે પણ ન પડ્યું. પણ સમય જતાં એ બીજ અંકુરિત થઈને એક વિશાળ વૃક્ષ બન્યું. તેની છાયામાં આપણા દેશે વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવી.” ચંપારણની લડત પછી આજે ઘણા દાયકા વીતી ગયા છે. દેખીતી રીતે દેશમાંથી વિદેશી શાસનનો અંત આવ્યાને દાયકાઓ થઈ ગયા છે. પણ સામ્રાજ્યવાદે આજે નવો લેબાશ ધારણ કર્યો છે અને સાગરપારથી અનેક દેશોને પોતાની આથિર્ક નાગચૂડમાં એ ભીંસી રહેલ છે. તેની સામે, અને એ વિદેશી સામ્રાજ્યવાદીઓના હાથા સમા આંતરિક રાજકીય-આથિર્ક બળો સામે, શોષણ અને અન્યાય સામે, હજી પણ પ્રજાએ લડતો આપતાં જ રહેવું પડશે. એવી લડતને અંતે બકરું કાઢતાં ઊંટ ન પેસી જાય તે માટેની તકેદારી રાખીને પ્રજાને જાગ્રત કરવી પડશે. અહિંસક લડત અને લોક-કેળવણીના બેવડા મોરચે કામ કરીને જેણે સફળતા મેળવવાની છે એવી આજની નવી પેઢીને ચંપારણની લડતના બયાનમાંથી ભરપૂર પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તેમ છે.