સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સાને ગુરુજી/ગુરુભક્તિ
ભારતીય સંસ્કૃતિમાં ગુરુભક્તિ એ એક અત્યંત મધુર એવું કાવ્ય છે.
ગુરુ પોતાનું સર્વ જ્ઞાન શિષ્યને આપી દે છે. રામકૃષ્ણ પરમહંસે એક દિવસ વિવેકાનંદને કહ્યું : “આજે હું તને મારું સર્વસ્વ આપી દઉં છું. મારી સર્વ સાધના હું તારામાં ઠાલવી દઉં છું.” એ ક્ષણ કેટલી દિવ્ય હશે! પોતે મેળવેલું સર્વકાંઈ શિષ્યને અર્પણ કરી દઈને જ ગુરુ અમર બને છે.
ગુરુએ આપેલું જ્ઞાન વધુ નિર્દોષ બનાવવું, એનું નામ ગુરુપૂજા. ગુરુના વિચારોમાં કાંઈ ભૂલ શિષ્યને જણાઈ, તો એ તે છુપાવશે નહિ. ગુરુની આંધળી ભક્તિ સાચા ગુરુને ગમતી નથી. નમ્રપણે પણ નિર્ભયપણે જ્ઞાનની ઉપાસના કર્યે જવી, એમાં જ ગુરુભક્તિ છે. આપણને પ્રિય અને પૂજ્ય એવા કુટુંબના મોવડી મરણ પામે, તો આપણને દુઃખ થાય છે. પરંતુ તે મૃતદેહને આલિંગન દઈને આપણે કાંઈ બેસી રહેવાના છીએ? તે પ્રિય પણ મૃત માનવીના શબને અગ્નિદાહ દેવો પડે છે. તે જ પ્રમાણે પૂર્વજોના મૃત વિચાર અને રીતરિવાજને આપણે નમ્રભાવે દાટી દઈએ, તેમાં જ પૂર્વજોની પૂજા છે.
પૂર્વજો માટે આદર એટલે પૂર્વજોના સદ્-અનુભવો માટે આદર, તેમની જ્ઞાનનિષ્ઠા માટે આદર. ગુરુની પૂજા એટલે સત્યની પૂજા, જ્ઞાનની પૂજા, વિચારોની પૂજા.
જ્યાં સુધી મનુષ્યને જ્ઞાનની તરસ છે, ત્યાં સુધી જગતમાં ગુરુભક્તિ રહેશે.
(અનુ. નટવરલાલ દવે)