સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/અભ્યાસની અનંત ભૂખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરના આચાર્ય જિનવિજયજીને બધા મોટે ભાગે ગુજરાતી તરીકે ઓળખે છે. પણ તેમનું જન્મસ્થાન ગુજરાત નહિ પણ મેવાડ છે. તેઓ જન્મે ક્ષત્રિય રજપૂત છે. તેમનો જન્મ અજમેરથી કેટલેક દૂર રૂપેલી નામના એક નાના ગામડામાં થયેલો. તે ગામમાં એકસો વરસથી વધારે ઉંમરના જૈન યતિ રહેતા, એ વૈદ્યક, જ્યોતિષ આદિના પરિપક્વ અનુભવનો ઉપયોગ માત્ર નિષ્કામ ભાવે જનસેવામાં કરતા. તેમના ઉપર જિનવિજયજીના પિતાની પ્રબળ ભકિત હતી. જિનવિજયજીનું મૂળ નામ કિસનસિંહ હતું. કિસનસંહિના પગની રેખા જોઈને એ યતિએ પિતા પાસેથી તેમની માગણી કરી. ભક્ત પિતાએ વિદ્યાભ્યાસ માટે અને વૃદ્ધ ગુરુની સેવા માટે ૮-૧૦ વરસના કિસનને યતિની પરિચર્યામાં મૂક્યા. જીવનના છેલ્લા દિવસોમાં યતિશ્રીને કોઈ બીજા ગામમાં જઈ રહેવું પડ્યું. કિસન સાથે હતો. યતિજીના અવસાન પછી કિસન એક રીતે નિરાધાર સ્થિતિમાં આવી પડ્યો. કિસન રાતદિવસ ખેતરમાં રહે, કામ કરે અને છતાં તેને પેટપૂરું અને પ્રેમપૂર્વક ખાવાનું ન મળે. કિસન બીજા એેક જૈન સાધુની સોબતમાં આવ્યો. એની વૃત્તિ પ્રથમથી જ જિજ્ઞાસાપ્રધાન હતી. નવું નવું જોવું, પૂછવું અને જાણવું એ તેનો સહજ સ્વભાવ હતો. એ જ સ્વભાવે તેને આ સાધુ પાસે રહેવા પ્રેર્યો. તેણે કિસનને સાધુ બનાવ્યો. એ સાધુ તરીકેના જીવનમાં કિસનનો અભ્યાસ શરૂ થાય છે. એમણે કેટલાંક ખાસ જૈન ધર્મ-પુસ્તકો થોડા સમયમાં કંઠસ્થ કરી લીધાં અને જાણી લીધાં; પરંતુ જિજ્ઞાસાના વેગના પ્રમાણમાં ત્યાં અભ્યાસની સગવડ ન મળી. નિરર્થક રૂઢિબંધન ખટક્યાં. તેથી કેટલાંક વર્ષ બાદ ઘણા જ માનસિક મંથનને અંતે છેવટે એ સંપ્રદાય છોડી જ્યાં વધારે અભ્યાસની સગવડ હોય તેવા કોઈ સ્થાનમાં જવાનો સંકલ્પ કર્યો. ઉજ્જયિનીનાં ખંડેરોમાં ફરતાં ફરતાં સંધ્યાકાળે સિપ્રાને કિનારે સાધુવેષ છોડ્યો અને અનેક આશંકાઓ તેમજ ભયના સખત દાબમાં રાતોરાત જ પગપાળા ચાલી નીકળ્યા. ક્યાંક અભ્યાસયોગ્ય સ્થાન શોધી લેવાના ઉદ્વેગમાં તેમણે ખાવાપીવાની પણ પરવા ન રાખી. કોઈ ગામડામાં શ્રાવકો પજુસણમાં ‘કલ્પસૂત્ર’ વંચાવવા કોઈ સાધુની શોધમાં હતા. દરમિયાન કિસનજી પહોંચ્યા. કોઈમાં નહિ જોયેલું એવું ત્વરિત વાચન ગામડિયાઓએ એમનામાં જોયું અને ત્યાં જ તેમને રોકી લીધા. પજુસણ બાદ થોડી દક્ષિણા બહુ સત્કારપૂર્વક આપી. કપડાં અને પૈસા વિનાના કિસનજીને મુસાફરીનું ભાતું મળ્યું અને તેમણે અમદાવાદ જવાની ટિકિટ લીધી. એમણે સાંભળેલું કે ગુજરાતમાં અમદાવાદ મોટું શહેર છે અને ત્યાં મૂર્તિપૂજક સંપ્રદાય મોટો છે; એ સંપ્રદાયમાં વિદ્વાનો બહુ છે અને વિદ્યા મેળવવાની બધી સગવડ છે. આ લાલચે ભાઈ અમદાવાદ આવ્યા, પણ અમદાવાદની પ્રસિદ્ધ વિદ્યાશાળા આદિમાં ક્યાંય ધડો થયો નહિ. પૈસા ખૂટ્યા. એક બાજુ વ્યવહારની માહિતી નહિ, બીજી બાજુ જાતને જાહેર ન કરવાની વૃત્તિ અને ત્રીજી બાજુ ઉત્કટ જિજ્ઞાસા, એ બધી ખેંચતાણમાં એમને બહુ સહેવું પડ્યું. અંતે ભટકતાં ભટકતાં મારવાડમાં પાલી ગામમાં સુંદરવિજયજી નામના સાધુનો ભેટો થયો. થોડા વખત બાદ જૈન સાધુ કાંતિવિજયજીના સહવાસમાં તેઓ રહ્યા. ત્યાં તેમને પ્રમાણમાં ઘણી સગવડ મળી અને તેમની ઐતિહાસિક દૃષ્ટિને પોષે અને તૃપ્ત કરે એવાં ઘણાંં મહત્ત્વનાં સાધનો મળ્યાં. ગમે ત્યાં અને ગમે તેવા સહવાસમાં તેઓ રહેતા છતાં પોતાની મિતભાષિત્વ અને એકાંતપ્રિયતાની પ્રકૃતિ પ્રમાણે અભ્યાસ, વાચન અને લેખન ચાલુ જ રાખતા. એક બાજુ સાધુજીવનમાં રાત્રીએ દીવા સામે વંચાય નહિ અને બીજી બાજુ વાંચવાની પ્રબળ વૃત્તિ કે લખવાની તીવ્ર પ્રેરણા રોકી શકાય પણ નહિ. સમય નિરર્થક જવાનું દુ:ખ એ વધારામાં. આ બધાં કારણોથી તેમને એક વાર વીજળીની બૅટરી મેળવવાનું મન થયું. જ્યારે હું તેઓના પરિચયમાં પહેલવહેલો આવ્યો ત્યારે તેમણે મને બૅટરી લેતા આવવાનું કહ્યું. હું બૅટરી લઈ ગયો, અને તેના પ્રકાશે તેમણે તદ્દન ખાનગીમાં કોઈ સાધુ કે ગૃહસ્થ ન જાણે તેવી રીતે લખવા અને વાંચવા માંડ્યું. તેમણે ઘણું વાંચ્યું અને લખ્યું, પરંતુ દુર્દૈવે બૅટરી બગડી અને વિઘ્ન આવ્યું. આખો દિવસ સતત વાંચ્યા-વિચાર્યા પછી પણ તેમને રાતે વાંચવાની ભૂખ રહેતી. તે ઉપરાંત અભ્યાસનાં આધુનિક ઘણાં સાધનો મેળવવાની વૃત્તિ પણ ઉત્કટ થતી જતી હતી. છાપાં, માસિકો અને બીજું નવીન સાહિત્ય એ બધું તેમની નજર બહાર ભાગ્યે જ રહે. તેઓ ભાવનગર, લીમડી, પાટણ આદિ જે જે સ્થળોમાં ગયા ત્યાંથી તેમણે અભ્યાસનો ખોરાક ખૂબ મેળવી લીધો. પાટણના લગભગ બધા ભંડારો, જૂનાં કલામય મંદિરો અને જૈન સંસ્કૃતિની બીજી અનેક પ્રાચીન વસ્તુઓના અવલોકને એમની ગવેષણાવૃત્તિને ઉત્તેજી અને ઊડો અભ્યાસ કરવા તેમજ લખવા પ્રેર્યા. વડોદરામાં લાઇબ્રેરીનાં પુસ્તકોનાં પુસ્તકો અને જૈન ભંડારની પોથીઓની પોથીઓ ઉપાશ્રયમાં તેમની પાસે ખડકાયેલી રહેતી. જેમ જેમ વાંચન વધ્યું અને લખવાની વૃત્તિ તીવ્ર બની તેમ તેમ વધારે ઊણપ ભાસતી ગઈ અને જૈન સાધુજીવનનાં બંધનો તેમને સાલવા લાગ્યાં. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે પુરાતત્ત્વ મંદિરની યોજનાને અંગે તેમને અમદાવાદ બોલાવ્યા ત્યારે તેઓ રેલવે ટ્રેનથી ગયા, ત્યારથી તેમણે રેલવેવિહાર શરૂ કર્યો. વિદ્યાપીઠે તેમની પુરાતત્ત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનનો નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા. પુરાતત્ત્વ મંદિરનો મહત્ત્વનો પુસ્તકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. અહીં આવ્યા પછી પણ તેમનું વાચન અને અવલોકન સતત ચાલુ જ રહ્યું. તેમનો પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અને ભાષા છે. તેને અંગે તેમણે જે જે ગ્રંથો છપાવવા શરૂ કર્યા તેમાં તેમને જર્મન ભાષાના જ્ઞાનની ઊણપ બહુ સાલવા લાગી અને સંયોગ મળતાં એ જ વૃત્તિએ તેમને જર્મની જવા પ્રોત્સાહિત કર્યા. પરિણામે જૈન સાધુવેષનાં રહ્યાંસહ્યાં ચિહ્નોનું વિસર્જન કરી તેમણે અભ્યાસ માટે યુરોપયોગ્ય નવીન દીક્ષા લીધી. છેક નાની ઉંમરથી અત્યાર સુધીમાં અનેક ક્રાંતિકારી પરિવર્તનોમાં તેમનો મુખ્ય પ્રવર્તક હેતુ એક જ રહ્યો છે, અને તે પોતાના પ્રિય વિષયના અભ્યાસનો. આચાર્ય જિનવિજયજી કોઈપણ નિશાળે પાટી પર ધૂળ નાખ્યા વગર હિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણી ભાષાઓમાં લખી-વાંચી-બોલી શકે છે. અને બંગાળી પણ તેમને પરિચિત છે. આટલી નાની વયમાં તેમણે વીસેક ગ્રંથો સંપાદિત કર્યા છે. જૂના દસ્તાવેજો, શિલાલેખો, સંસ્કૃત, પ્રાકૃત કે જૂની ગુજરાતીના ગમે તે ભાષાના લેખો તેઓ ઉકેલી શકે છે અને વિવિધ લિપિઓનો તેમને બોધ છે. પર્યટન કરીને પશ્ચિમ હિંદની ભૂગોળનું તેમણે એવું સારું નિરીક્ષણ કર્યં છે કે જાણે જમીન તેમને જવાબ દેતી હોય તેમ તેઓ ઇતિહાસના બનાવો તેમાંથી ઉકેલી શકે છે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]