સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/નિર્ભયતા તેટલી જ મધુરતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષયો ઉપર તેમણે વિચારપૂત લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયો ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કોઈ લખી શકે. કિશોરલાલભાઈ જેવું માતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમજ અંગ્રેજીમાં લખે છે. દેશ-વિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઇચ્છનાર, તેમની કાર્યપદ્ધતિ વિશે ઊભા થતા પ્રશ્નોનો ખુલાસો મેળવવા ઇચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમનો સૌથી મોટો ગુણ તટસ્થતાનો છે. જેટલી તટસ્થતા, તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે. ‘સમૂળી ક્રાંતિ’નું પુસ્તક કોઈને પણ વિચાર પ્રેર્યા વિના રહે એમ હું નથી ધારતો. આજની દુનિયામાં વિશેષે કરીને ભારતના જે મુખ્ય પ્રશ્નો છે તેને એકે એકે લઈને તેઓ તપાસે છે અને છેવટે દર્શાવે છે કે અજ્ઞાન, અવિવેક તેમજ જડતા એ બધા રોગનું કારણ છે. પછી તે કારણ નિવારવા માટે વિધાનો રજૂ કરે છે. ‘સમૂળી ક્રાંતિ’ ઊગતા તરુણોને પોતાના સંસ્કારશોધનમાં ભારે મદદ કરી શકે તેમ છે. હું એવી વિનંતી કરું છું કે દરેક સમજદાર ‘સમૂળી ક્રાંતિ’ એક વાર તો વાંચે જ. જેમને તેઓ અસાધારણ રીતે માને છે તેમને વિષે પણ પોતાનું મંતવ્ય દર્શાવતાં તેઓને જરાય સંકોચ નથી થતો. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય એમ દરેક યુગે થયેલા પુરુષોનું ગૌરવ જેવું તેવું નથી. તેમ છતાં તે પુરુષોના વિચારો અને સિદ્ધાંતો તેમના પોતાના સંપ્રદાયના કોચલામાં જ ગૂંગળાઈ કાંઈક અંશે વિકૃત પણ બન્યા છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીની પોતાના માન્ય પુરુષના વિચાર અને સિદ્ધાંતો પ્રત્યે એવી કાંઈક ગૂઢ શ્રદ્ધા હોય છે કે, તે એ શ્રદ્ધા-ગ્રંથિને લીધે તેનું પરીક્ષણ કે પુન:સંસ્કરણ કરી નથી શકતો. કિશોરલાલભાઈમાં પણ ક્યારેક એવી જ સંપ્રદાય-ગ્રંથિ હતી. તેઓ પોતે જ એવી મતલબનું કહે છે કે, સ્વામીનારાયણ પરંપરાની પ્રણાલિ જ અને સહજાનંદ સ્વામીના વિચારો જ તેમને મન સર્વ કાંઈ હતું. પણ કોઈ ધન્ય ક્ષણે એમને ગ્રંથિ-ભેદ થયો, અને તેને પરિણામે અત્યાર સુધીના બધા જ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય વિચારો ને વ્યવહારોને તેમણે ફરી તપાસ્યા, ચાળ્યા અને સત્ય તેમજ અહિંસાની કસોટીએ કસ્યા. કોઈ પણ પંથ, ધર્મ, પરંપરા, તત્ત્વજ્ઞાનને જરાય અન્યાય ન થાય એટલી અહિંસક સૂક્ષ્મ કાળજી રાખવા છતાં પણ પોતાને અનુભવાતું સત્ય કહેવામાં તેમણે જરાય આંચકો ખાધો નથી. પોતાનાં લખાણોમાં તેમણે પોતાને માન્ય હોય એવા મોટા માેટા પુરુષોની પણ સાદર સમીક્ષા કરી છે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]