સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુધાબહેન મુનશી/રાંધવાની કળા
૧. ખોરાકને રાંધવાથી તે પચવામાં સરળ અને સ્વાદિષ્ટ બને છે અને તેમાં કેટલાંક નુકસાનકારક જંતુઓ હોય તે નાશ પામે છે. કેટલાંક અનાજનું ઉપરનું પડ કઠણ હોય છે, તે રાંધવાથી તૂટી જાય પછી તે સુપાચ્ય બને છે.
૨. ચોખાને વધારે પડતા ધોવાથી કે ભાતનું ઓસામણ કાઢી નાખવાથી તેમાંથી વિટામિન નીકળી જાય છે.
૩. જે શાકની છાલ ખાઈ શકાય તેવી હોય (જેમ કે બટેટાની) તે કાઢી નાખવી નહીં, કેમકે તેમાં જીવનતત્ત્વો હોય છે. શાકને સમાર્યા પછી વધારે વખત રાખી મૂકવું નહીં. શાકને બને તેટલો ઓછો વખત તાપ ઉપર રાખવું. તેમાં આંબલી, ટમેટાં કે કાચી કેરી જેવી ખટાશ નાખીને રાંધવાથી વિટામિન જળવાઈ રહે છે. શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ ખાસ કરવો, કારણ કે તે જંતુનાશક છે અને ખોરાકને સુપાચ્ય તથા સ્વાદિષ્ટ બનાવે છે. બને તેટલાં શાકભાજી કાચાં ખાવાં; તેના કચુંબરમાં દાળિયા કે શીંગદાણાનો ભૂકો, તલ, કોપરું, કોથમીર, લીંબુનો રસ નાખવાથી તેનું મૂલ્ય વધે છે. જમતાં પહેલાં લાંબા સમયે બનાવી રાખેલા કચુંબરમાંથી વિટામિન ઓછાં થાય છે, પણ તેમાં દહીં નાખવાથી વિટામિન જળવાઈ રહે છે.
૪. કઠોળ બરાબર રંધાઈ જાય તે માટે એમાં સોડા નાખવા જતાં તેનાં કેટલાંક તત્ત્વો નાશ પામે છે. પણ આગલી રાતે કઠોળને પાણીમાં પલાળતી વખતે તેમાં સોડા નાખ્યો હોય તો ઓછાં તત્ત્વો નાશ પામે છે અને કઠોળ જલદી રંધાઈ જાય છે. કઠોળ બરાબર બફાઈને ફાટી જાય ત્યાં સુધી રાંધવું જોઈએ. તેને લસણ, અજમો ને હિંગનો વઘાર કરવાથી કઠોળનું વાયડાપણું દૂર થાય છે. તેમાં ગોળ-આંબલી સારી પેટે નાખવાં. કઠોળ બફાઈ જાય પછી થોડો ચણાનો લોટ પાણીમાં મેળવી તેમાં નાખવાથી એ રસાદાર અને સ્વાદિષ્ટ બને છે.
૫. રોટલીનો લોટ બાંધીને તેને કલાકેક પલાળી રાખવાથી લોટ ફૂલે છે અને રોટલી પોચી, સુંવાળી, મીઠી ને પચવામાં હળવી બને છે.
૬. ઢોકળાં, હાંડવો, ઈડલી જેવી આથો આવેલી વાનગીમાં વિટામિન વધારે હોવાથી તે શરીરને લાભ કરે છે. ઘઉંના થૂલામાં થોડો ઝીણો લોટ ભેળવી, તેની ઢોકળી બનાવી શાક અથવા દાળમાં મૂકવાથી થૂલામાંના વિટામિનનો લાભ મળે છે. જરૂર મુજબનો લોટ ઉમેરીને થૂલાનાં ઢેબરાં, ઢોકળાં કે હાંડવો બનાવી શકાય.
૭. દાળ-શાકમાં પહેલેથી મીઠું ન નાખી દેવું કારણ કે એથી અમુક વિટામિનનો નાશ થાય છે.
૮. કોઈ પણ વસ્તુ રાંધતી વખતે તેની ઉપર સજ્જડ ઢાંકણ રાખવું, નહીંતર તેમાંથી વરાળની સાથે વિટામિન પણ ઊડી જશે.
૯. કાચાં ખાવાનાં શાકભાજીને મીઠાવાળા પાણીમાં ધોઈને પછી તેનું કચુંબર બનાવવું.
૧૦. પાણીના માટલાને બરાબર ઘસીને સાફ કરવું, કેમ કે તેમાં જામી જતી ચીકાશમાં રોગના જંતુઓ વાસ કરે છે. શિયાળામાં દર મહિને માટલું એક દિવસ તડકે મૂકીને પછી વાપરવું, જેથી એ તપીને બરાબર સ્વચ્છ થશે. ઉપરાંત, જે માટલું ઊતરી ગયેલું હશે તે તાજું થશે અને ઉનાળામાં તેનું પાણી ઠંડું રહેશે. ચોમાસામાં ડહોળું પાણી આવે ત્યારે કલાઈવાળા વાસણમાં તે ભરી, તેમાં ફટકડીનો કટકો આઠ-દસ આંટા ફેરવીને કાઢી લેવો. પછી પાણી ઠરવા દેવું. બાર-પંદર કલાક પછી બધો કચરો નીચે બેસી જશે, એટલે ઉપરનું નીતર્યું પાણી ગાળીને માટલામાં ભરી લેવું.
[‘રસસુધા’ પુસ્તક]