સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેન્દ્ર/સાબરમતીથી હિમાલય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૨૪માં હું બાપુના સત્યાગ્રહ આશ્રમમાં આવેલો. ત્યાંથી પહેલી વાર હિમાલય જવાનો નિર્ણય કર્યો. પણ આશ્રમમાંથી કાંઈ લાંબા પ્રવાસનું ખરચ મળે? બાપુ તો કહેતા: “આઠ કલાક કામ કરશે તેને પેટ ભરીને ખાવાનું મળશે; પેટીમાં મૂકવા જેવું કાંઈ આશ્રમમાં ન મળે.” એટલે મેં બાપુને કહ્યું: “હું તો મહેનત કરતો જઈશ ને આગળ ચાલતો જઈશ.” બસ, મને રજા મળી ગઈ. મેં પ્રવાસ શરૂ કરી દીધો. જ્યાં રહેવા જેવું લાગે તે ગામમાં રહેતો. સફાઈનું કામ આશ્રમમાં ખૂબ કરેલું, એટલે જ્યાં મુકામ કરું ત્યાં આસપાસનાં ઘરોમાંથી સફાઈનાં સાધન માગી લઉં. કોઈ જગાએ પાણી જવાની નીક બનાવું, તો વળી કોઈ ઠેકાણે કૂતરાએ પાડેલા ખાડા પૂરું. ક્યાંક શેરીઓ પણ વાળી આવું. મારાં સફેદ કપડાં જોઈ લોકોને થાય કે આ માણસ કંઈક જુદી ભાતનો છે. થોડીક વાર હું કામ કરું ત્યાં આજુબાજુથી લોકો કુતૂહલપૂર્વક વાતો કરતાં મદદ કરવા આવી પહોંચે. વાતો કરતાં કરતાં પ્રેમ-સંબંધ બંધાય, તેમાંથી જ કોઈ ભોજન માટે બોલાવી જાય. બપોરના ગાળામાં ‘રામાયણ’ વગેરે કથાવાર્તા કરું. લોકોને આ બધું ગમે, એટલે ત્યાં વધુ રોકાવાનો પણ આગ્રહ કરે. પણ આપણા રામ તો વહેલી સવારે, હજી તો સહુ ઊઘતા હોય ત્યાં, બગલમાં થેલો ભેરવીને ચાલી નીકળે! આવી જ રીતે હું સાબરમતીથી છેક હિમાલય સુધી પહોંચ્યો. [‘ચારિત્ર્યચિત્રો’ પુસ્તક: ૧૯૫૭]