સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ઝાડ મને લાગે નહીં પરાયાં...
Jump to navigation
Jump to search
મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.
ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઉનાળો હોય કે શિયાળો.
એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.
ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.