સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ફૂલપગલીઓ
આજે મનનો કોઈ જુદો જ મિજાજ છે. ગુમાવ્યાની ગણતરી નથી, તો જે કંઈ મળ્યું છે એનો નશો પણ નથી. ઘણું બધું મેળવી લેવાની કોઈ મહત્ત્વાકાંક્ષી સ્પૃહા નથી. વિગતનો કોઈ ભાર નથી, તો અનાગતની કોઈ અકળાવનારી છાયા નથી. કશાયનું મૂલ્ય આંક્યા વિના આંખ ભરી ભરીને બધું જોઉં છું. વિષાદ અને આનંદથી પર એવી મનની અવસ્થા છે.
કવિતા લખવાનું મન થાય એવું વાતાવરણ છે. પણ કોરા કાગળને કોરો રાખવાની પણ કોઈ જુદી જ મજા છે. એટલા માટે જ કવિતા લખવાનું ટાળું છું. પતંગિયા જેવા ઊડતા શબ્દોને કાગળમાં જકડી નથી દેવા. નિર્ભયતાથી ચણતાં પારેવાંની જેમ આ શબ્દોને એમ ને એમ રાખવા છે; જાળ નાખીને પકડી લઈને પિંજરમાં પૂરી નથી દેવા. આજે કવિતા લખવી નથી, જીવવી છે. જીવનમાં કેટલી બધી કવિતા છે અને જીવન કેવું કાવ્યમય છે, એની જ વાત કરવી છે.
ચાલવાનું મન થાય એવા રસ્તા છે, સૂર્યનું પ્રથમ કિરણ થઈને લંબાવાનું મન થાય એવું આંગણું છે, પંખી થઈને કૂજવાનું મન થાય એવાં વૃક્ષો છે, પ્રેમ કરવાનું મન થાય એવી વ્યકિત છે, તો પૂજવાનું મન થાય એવી વિભૂતિ પણ છે, માછલી થઈને તરવાનું મન થાય એવું જળ છે, ચન્દ્ર થઈને ઊગવાનું મન થાય એવું આકાશ છે, રાતરાણી થઈને મહેકવાનું મન થાય એવો અંધકાર છે, ગીત થઈને રેલાઈ જવાનું મન થાય એવા સહૃદય શ્રોતાઓ છે. આખી સૃષ્ટિને આલિંગનમાં લઈ લઉં એટલો છલકતો પ્રેમ છે. જાગી ગયા હોઈએ પછી સ્મૃતિઓ મમળાવવાનું મન થાય એવી અધમીંચેલી આંખ જેવી સવાર છે. નહીં ફળેલાં સપનાંઓને દુ:ખની જરીક અમથી પણ લાગણી વિના, જાણે કે મ્યુઝિયમમાં ફરતા હોઈએ અને જોઈએ એ રીતે, જોવાની અલિપ્ત અવસ્થા છે. છે...છે...છે.
જીવનમાં કેટલું બધું છે! હૃદય નાનું પડે એટલો બધો આનંદ છે. જળમાં, સ્થળમાં, નભમાં, પવનમાં બધે જ જીવનની ફૂલપગલીઓ દેખાય છે.
[‘મારી બારીએથી’ પુસ્તક: ૧૯૭૬]