સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/મુંબઈનો માળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લત્તાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગનની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો અને ચાર માળ પર રહેતા માણસોનો બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર... મકાનને દાદરે બેસી વાડીમાં ઘણી વાર જોયા કર્યું છે. લગ્નની મોસમમાં દરરોજ નવો માંડવો... સવારના પહોરથી વાતાવરણમાં સાડીશેલાંના રંગ... ધોતિયું, કફની, સફેદ ટોપી અને સફેદ ચંપલ... વાજાંવાળાઓ... લાઉડસ્પીકર... વરઘોડો આવે ત્યારે મુકાતી લગભગ એક જ રેકર્ડ “ઘૂંઘટકા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે” ...પછી રાતનો સમય, બત્તીઓ... અને પછી કન્યાવિદાય... આંસુઓ... શિખામણો... શણગારેલી મોટર અને.... આમ ને આમ સંસારની શરૂઆત... ફ્લેટમાં કે ઓરડીમાં... વાડીમાં પીપળો એમ ને એમ ઊભો છે. કેટલાંયે લગ્ન ...જમણ...રિસેપ્શન... નાનામોટા ઝઘડા... માણસનાં નાનાં મન... એની ઈર્ષાઓ... એની પ્રદર્શનવૃત્તિ, રોશની અને એ પછીનો અંધકાર... ધામધૂમ અને એ પછીનો સૂનકાર... ચાર માળના મકાનના પગથિયે પગથિયે શૈશવે કૂદકા-ભૂસકા માર્યા છે, કિશોરાવસ્થાએ તંબૂ તાણ્યા છે. પ્રત્યેક ઓરડીનો જુદો જુદો સંસાર જોવા મળ્યો છે—તો આખા માળાનું સામૂહિક જીવન પણ જાણવા મળ્યું છે. દાદરની વચ્ચેની જગામાં, છૂટક કામ કરતા ઘાટીઓ પણ પોતાના એશઆરામની પળોને પાનતમાકુથી લાલમલાલ કરી મૂકતા કે બીડીનાં ઠૂંઠાંથી તેજીલી કરતા જોયા છે. પ્રત્યેક ઓરડીનું વ્યકિતત્વ જુદું. બહારથી બધી જ સમાન લાગે એ તો માત્ર આભાસ. કોઈકને ઘરે-આંગણે તોરણ લટકે. તોરણના પોપટ બોલકા લાગે અને ઓરડીના માણસો મૂંગા. કોઈકનાં બારણાં બાંડાં જ હોય. ઊબરા તો પ્રત્યેક ઓરડીના પૂજાય. સામેના પીપળાને કંકુના છાંટા નિયમિત મળે. મોટાંઓની તકરાર ખાસ ન હોય, પણ સીદીભાઈને સીદકાં વહાલાં—એમ છોકરાંઓની બાબતમાંથી જ કાંઈક ચકમક ઝરે. ઉપલા મજલા પર રહેનારાઓને નીચલા મજલાવાળા પ્રત્યે એક સામાન્ય ફરિયાદ રહે: પાણીનો ધોધ છૂટો મૂકે એટલે ઉપર પાણી ચડતાં વાર લાગે. છાપાં પણ દરેક ઓરડીમાં ન આવે. પ્રત્યેક માળામાં એક વ્યકિત તો એવી હોય છે જે માળાનાં છાપાંની ગરજ સારે. આમ એકમેકના ઘરે આવવાજવાનો કે લેવડદેવડનો વહેવાર સવારથી શરૂ થાય. કોઈને લેવામાં કે આપવામાં શરમસંકોચ નહીં. કોથમીર, લીંબુ ને લીમડાથી માંડીને એકાદ વાટકી ઘી-તેલની પણ લેવડદેવડ થાય. હવે તો રેડિયો ઓરડીએ ઓરડીએ આવી ગયો હશે. પણ પહેલાં તો જો એકાદ ઓરડીમાં રેડિયો આવે તો જાણે કે છોકરો જન્મ્યો હોય એમ આસપાસનાં પડોશીઓ હરખ કરી જતાં. પ્રત્યેક પડોશીની આંખમાં બાઈનોક્યુલરના કાચ હોય જ. કોને ત્યાં કોણ આવ્યું, કેમ આવ્યું, ક્યારે આવ્યું, આવનાર વ્યકિત કેટલા કલાક બેઠી, એનો બધો જ હિસાબ—અત્યારે રાજકારણમાં જેમ એક દેશ બીજા દેશની હિલચાલની ચોકી કરે છે એમ—કર્યા કરે. વૅકેશનમાં તો આખો માળો છોકરાઓનો થઈ જાય. દાદરના કઠેડા પર લસરવાથી માંડીને બધી જ રમતો અને મસ્તી-તોફાનો આરંભાઈ જાય. લખોટી, કોડી, પત્તાં, કેરમ બોર્ડની મોસમો આવે ને જાય. કોઈકને ઘરે ઠાકોરજીની રાજસેવા જેવું હોય તો એનો પ્રસાદ આખા માળાને મળે. કોઈક નવરાત્રિમાં ગરબા ગવડાવે તો એની લહાણી ઘરદીઠ મળે. કોઈકને ત્યાં ઘરનો માણસ ક્યારેક અતિશય મોડે સુધી ન આવ્યો હોય તો આખો માળો ચિંતા કરે. અંગત અને બિનંગતનો અહીં સમન્વય થયો હોય છે. સામૂહિક જીવનની નાનકડી વિદ્યાપીઠ જેવો મુંબઈનો માળો છે. [‘મારી બારીએથી’ પુસ્તક: ૧૯૭૬]