સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/સ્ત્રીઓનું મુક્તિધામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીમતી કલ્લોલિની હઝરતે ૧૯૮૧માં એક સંપાદન કરેલું : ‘મારો ગરબો ઘૂમ્યો.’ લોકગીતથી અને નરસિંહ-મીરાંથી માંડીને ઉદયન ઠક્કર સુધીના કવિઓના કવિતાની કક્ષાના ઉત્તમ ગરબાઓ એ એક જ પુસ્તકમાં વાંચવા મળે અને અનુભૂતિ થાય કે નવરાત્રાનો ઉત્સવ તો અહીં પાને પાને ઊજવાઈ રહ્યો છે. સ્ત્રી ગાય તે ગરબો અને પુરુષ ગાય તે ગરબી. એમાં પગની ઠેસ અને હાથની તાળીનું મહત્ત્વ છે. ગરબો સ્ત્રીઓનું મુક્તિધામ છે. એક જમાનામાં સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રી, લાજ કાઢીને હરતીફરતી સ્ત્રી, ઘરનાં વૈતરાંમાંથી ઊંચી ન આવતી એવી સ્ત્રી નવરાત્રા આવે કે મુક્ત તન-મનથી ગરબામાં મહાલતી, ત્યારે એનો શબ્દ ગગનમાં ગાજ્યા વિના શું કામ રહે? [‘ઝલક તેરા’ પુસ્તક : ૨૦૦૪]