સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ સોની/આ દૃશ્યો ક્યારે ભૂંસશું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


“વડોદરા શહેર મહાસંસ્કારી છે,” એવું આપણે ગૌરવ અનુભવીએ છીએ. સયાજીબાગ, લાલબાગ, બદામડીબાગ, ફુવારા, યુનિવરિસટી, સંગ્રહસ્થાનો, નિમેટા અને આજવા, કીર્તિમંદિર.... આપણા મહેમાનોને હોંશે હોંશે બતાવીએ છીએ. પરંતુ બહારગામ કે પરદેશથી આવતા મહેમાનો આવું બીજું પણ જોઈ લે છે — બહારગામ જવા માટેનું એસ.ટી.સ્ટૅન્ડ — કઈ બસ ક્યાં ઊભી રહેશે, એની ડ્રાઇવરને પણ ખબર ન હોય; મુસાફરો બાળકોને ઊંચકીને પેટીપટારા સાથે એક છેડેથી બીજે છેડે ઓલિમ્પિક દોડમાં દોડતા હોય! કોઈ પણ બસસ્ટૅન્ડ એટલે અખાડાઓ. આ સ્ટૅન્ડ પર અંધ, અપંગ, નાનાં બાળકો, ધાવણાં બાળકો સાથે સ્ત્રી, બ્લડપ્રેશરનાં દર્દીઓ, વૃદ્ધોની શી દશા થાય છે? જાહેર પાયખાનાં — નામ વાંચીનેય તમને સોડમ આવી હશે! છોકરીઓની મશ્કરી — શાબ્દિક અને શારીરિક : જવા દો એની વાત! પુસ્તકાલયોમાં સામયિકો અને પુસ્તકોની અવદશા. સરિયામ માર્ગે ચાલતા દારૂના અડ્ડા અને આંકફરકની સ્લીપો. આપણા રસ્તાઓ! પાણીની પાઇપ, ગૅસલાઇન, ટેલિફોન લાઇન — વારાફરતી રસ્તાનું “નવનિર્માણ” થયા જ કરે. અને ચોમાસું એટલે હાડવૈદોની સીઝન! ગાંડાઓની મશ્કરી કરી, હેરાન કરી, એમના મુખેથી બીભત્સ ગાળો સાંભળવી, એ આપણું મફતિયા મનોરંજન! સીંગચણાની લારી પાસે ઊભા રહી, વેરાયેલા દાણા વડે પેટ પૂરતા નાગડા— પૂગડા આવતી કાલના નાગરિકો! નવ-દસ વાગે ગલીઓ સાફ થાય, પછી ઉપરથી ફેંકાતાં એઠવાડ, શાકભાજીનાં છોડાં, નરકનાં “પડીકાં”, ઊભરાતી ગટરગંગા...... થિયેટરમાં બરાડા પાડીને સંબોધાતી બીભત્સ વાતો. જાહેર ભીંતો એટલે મફતમાં જાહેરખબર લખવાની જગ્યા. જરાક જ આડમાર્ગ પર જાઓ કે તરત જ પેશાબના રેલા અને નરક. દરેક ગલીમાં હોય છે, દીવાલો વગરની જાહેર મૂતરડી. જાહેર મૂતરડીમાં જાઓ તો “પીળા પ્લાસ્ટિકવાળી” ચોપડીઓ વાંચવાની જરૂર જ ન રહે! ફૂટપાથ એટલે ફેરિયાઓની દુકાનો. આવાં તો ઘણાં ‘વરવાં’ દૃશ્યો છે. આ શરમજનક દૃશ્યો ભૂંસવા બંદૂકધારીની રાહ જોઈશું? કે પછી, એ તો એમ જ ચાલે?