સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/આદિમ સંસ્કૃતિના પ્રદેશમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઓર્લાન્ડો, ક્લોડિયો અને લિયોનાર્ડો ત્રણ ભાઈઓ હતા. બ્રાઝિલમાં અરણ્યઘન પ્રદેશમાં ઊડે ઊડે જઈને ત્યાં રહેતી આદિવાસી પ્રજાઓ, ત્યાંની વનસ્પતિ, ત્યાંનાં પશુપંખી—આ બધાંનું સંશોધન કરવા માટે નીકળેલા સાહસિક સંશોધકોની મંડળીમાં એ ત્રણેય ભાઈઓ હતા. એ મંડળીના બીજા બધા તો પાછા ફર્યા, પણ આ ભાઈઓ એ આદિવાસી પ્રજા વચ્ચે જ રહી પડ્યા. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય અને એ આદિવાસીઓની સંસ્કૃતિની સમૃદ્ધિએ એમને આકર્ષ્યા. આ પ્રજાની સંસ્કૃતિને અણીશુદ્ધ રાખી, જમીનના લોભી વેપારીઓ, હીરાની ખાણ શોધનારાઓ, ચામડાનો વેપાર કરનારાઓ, રબર એકઠું કરનારાઓ—આ બધાથી એ પ્રજાને બચાવી લેવી જોઈએ એવું એ ભાઈઓના મનમાં વસ્યું. આજે એ પ્રજા હેમખેમ રહી છે તે આ ત્રણ ભાઈઓને પ્રતાપે. એમાંનો સૌથી નાનો ભાઈ તો ત્યાં જ મરી ગયો. આ ઝિંગુ જાતિ કુલુએને નદીના પ્રદેશમાં રહે. ત્યાં જંગલમાં રસ્તા નહિ, કેડી પણ નહિ. ઝાડઝાંખરાં કાપીને હાથે રસ્તો બનાવવો પડે. એ પ્રજાને બીજી કહેવાતી સુશિક્ષિત પ્રજાના અસ્તિત્વ વિશે કશી જ જાણ નહિ. આ ભાઈઓ એ લોકો જોડે ભળી ગયા, એ લોકો ખાય તે ખાધું. જંગલમાં શાંતિને વિક્ષુબ્ધ કર્યા વિના કેવી રીતે ચાલવું તે તેઓ શીખી ગયા. એમની હસ્તકળા જોઈને એ ચકિત થઈ ગયા. આ ભાઈઓએ એ લોકોમાં જે માંદા હતા તેની દવા કરી, એમને ભેટો આપી ને બદલામાં કશું માગ્યું નહિ. આ આદિવાસીઓએ પણ જે જાતિને દુષ્ટ માનીને બહિષ્કૃત લેખેલી તેમની સાથે પણ આ ભાઈઓ ભળી ગયા. બબ્બે વાર શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક માટે એમનાં નામ સૂચવવામાં આવ્યાં હતાં. પણ એક આદિવાસી કઠિયારાની વિધવાને એના દુ:ખના કપરા દિવસોમાં અર્ધો કોથળો ચોખા મોકલ્યા હતા તે બદલ આભાર માનતી, અક્ષરો ન વંચાય એવી, ચબરખી એમણે સાચવી રાખેલી. નોબેલ પારિતોષિક કરતાં એમને મન એનું મૂલ્ય ઘણું હતું. [‘ઇતિ મે મતિ’ પુસ્તક]