સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/જીવન પણ ઉત્તમ કળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૈશાખની બપોરના આકરા તાપમાં હું રોજ જોઉં છું: એક મકાન પર વધારાનો એક માળ લેવાની તૈયારી ચાલી રહી છે. માથે કશી છત્રછાયા વિના, કેવળ સૂર્યની નિષ્ઠુર દૃષ્ટિ નીચે, ઉઘાડા શરીરે, શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. કાળા અબનૂસ જેવાં એમનાં શરીર પરસેવાથી તગતગી ઊઠ્યાં છે. આકરી મજૂરી કરી રહ્યા છે, ને છતાં એમને મોઢે ગીત છે. એમનાં શરીરનાં હલનચલનના લય સાથે એનો લય બરાબર મળી જાય છે. બળબળતી બપોરમાં આ લય એક અવનવી કર્ણમધુરતા સર્જી દે છે. બીજી બાજુ, લગ્નમંડપોમાં, વરઘોડાઓમાં ફિલ્મી ગીતોની ચીસાચીસ સંભળાય છે. એને કોઈ સાંભળતું નથી, છતાં એક રસમ ખાતર એ ગીતો વગાડવામાં આવે છે. જગત સાથેનો આપણો સંવાદ તૂટ્યો છે. શહેર પાસે થઈને જ નદી વહી જાય છે, પણ એના વહેવાનો લય આપણને સંભળાતો નથી. સમુદ્રના ભરતી-ઓટથી અણજાણ આપણે, સમુદ્રની પાસે રહીને, જીવ્યે જઈએ છીએ. વૃક્ષોનો પર્ણમર્મર કે પંખીઓનો કલરવ, કાચીંડાનું ચુપકીદીથી સરકવું, નોળિયાનું એક વાડમાંથી બીજી વાડમાં સંતાઈ જવું—આ બધાંથી અણજાણ, પ્રકૃતિ વચ્ચે છતાં પ્રકૃતિમાંથી જ હદપાર થયા હોઈએ એમ, આપણે જીવીએ છીએ. [‘પશ્યન્તી’ પુસ્તક]