સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુશીલાબહેન પ્રા. વૈદ્ય/પતિનું સૌભાગ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાબુભાઈનાં પત્ની લીલાબહેનના અવસાન પ્રસંગે મેં તેમને કાગળ લખેલો તેનો બાબુભાઈએ જવાબ આપેલો તેમાંથી સમજાય છે કે કેટલું સુંદર તેમનું જીવન હતું. પત્રના અંશો ઉતારું છું: ૪૪ વરસનો અમારો સહવાસ એક દિવસમાં જ પૂરો થઈ ગયો. અનેક કડવા-મીઠા અનુભવો વચ્ચે એકબીજાને સહારે અમે ટકી રહ્યાં. એમની ઇચ્છા મુજબ સાથે જઈને મેં કદી ઘરેણું ન ઘડવા આપ્યું. આટલાં વર્ષમાં એમને માટે ત્રણ જ સાડી ખરીદી. નાટક-સિનેમા-હોટલના શોખ ન કરાવ્યા. જ્ઞાતિ-રિવાજમાં મેં એમને સાથ ન આપ્યો. છતાં અમે પ્રસન્ન દામ્પત્ય ભોગવ્યું. એમાં ભણેલા-ગણેલા કહેવાતા મારા કરતાં, ગામડામાં ઓછું ભણીને મારા જીવનમાં કૌમારવયે પ્રવેશ કરનાર એમનો હિસ્સો ઘણો મોટો છે. મારા જીવનને અનુરૂપ કરકસરિયું, ખડતલ, અગવડભર્યું જીવન પ્રામાણિક પ્રયત્નથી એમણે ઘડ્યું. વર્ષો સુધી મને અન્ન, વસ્ત્ર અને આશ્રય આપ્યો. મેં ૧૯૩૮થી કાંતીને ખાદી પહેરવાનું શરૂ કરેલું. તે મારી ઇચ્છા અત્યાર સુધી એમણે પૂરી કરી. મરતાં પહેલાં મારે માટે સાત જોડી નવાં કપડાં તૈયાર કરી મૂકતાં ગયાં. બહારનું ન ખાવું, એવી મારી વૃત્તિને પોષવા ભાતભાતની વાનગીઓ શીખ્યાં અને મારી સ્વાદેન્દ્રિયને અંત સુધી પરિશ્રમપૂર્વક સંતોષતાં ગયાં. એવા પુણ્યાત્માનો સંગ મને ૪૪ વર્ષ મળ્યો, એ મારું પરમ સૌભાગ્ય. આજે અમે કલેશ કરીએ છીએ તે ફક્ત અમારા ઘવાયેલા સ્વાર્થ માટે. બાકી એ તો સ્વસ્થતાથી મૃત્યુને ભેટ્યાં. બાબુભાઈનાં સ્મરણ.