સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામીનાથન અંકલેસરીઆ ઐયર/જનરલ ડાયરની ગૌરવયાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતના મુખ્યમંત્રીએ એક ગૌરવયાત્રા યોજવાનો નિર્ણય કર્યો ત્યારે મને બીજા કોઈક પ્રસંગની યાદ આવી ગઈ, પણ તે કયો એનું હું તત્કાલ સ્મરણ કરી શક્યો નહીં. સામૂહિક હત્યાનો બચાવ કરવામાં પોતાની કોમનું ગૌરવ રહેલું છે એવું કોઈકે અગાઉ ક્યારે જાહેર કરેલું, તેનો વિચાર હું કરવા લાગ્યો. હિંસાનો આરંભ કરનાર બીજી કોમનો જ બધો વાંક છે અને તેનું હજારગણું મોટું વેર લેવાની પોતાની કોમમાં તાકાત છે એવું બતાવી આપવામાં ગર્વ અને ગૌરવ રહેલાં છે, બીજી કોમ પોતાનું માથું ફરી ન ઊંચકે તેવી ચેતવણી તેને એ રીતે મળવી જોઈએ અને એવો બદલો લેનાર આગેવાન સામૂહિક હત્યારા તરીકે નહીં પણ પોતાની કોમનું ગૌરવ જાળવનાર વીર તરીકે ઓળખાવો જોઈએ, એવો દાવો ભૂતકાળમાં કોણે કરેલો હતો? આ વિમાસણને અંતે એક દિવસ મને યાદ આવ્યું કે એવો બનાવ પંજાબમાં ૧૯૧૯માં બનેલો. ત્યારે વેર વસૂલ કરનાર મોભી હતા બ્રિગેડિયર જનરલ રેક્સ ડાયર. આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે અમૃતસરના જલિયાંવાલા બાગમાં શાંતિથી સભા ભરનારા ૨,૦૦૦ હિંદીઓને જનરલ ડાયરે નિષ્ઠુરપણે ગોળીએ દીધા હતા. પણ હકીકત જરા અટપટી છે. ૧૯૧૫ની સાલથી પંજાબ બળવાનું ધામ બની ગયેલું. ત્રાસવાદ-વિરોધી આકરાં પગલાં તરીકે બ્રિટિશ રાજે ૧૯૧૮માં રોલત કાયદો બહાર પાડીને નાગરિક અધિકારો કચડી નાખ્યા. તેની સામે સત્યાગ્રહ કરવાની હાકલ મહાત્મા ગાંધીએ કરી. પણ અગાઉ બનેલું તેમ, ચળવળના આરંભની અહિંસાનું સ્થાન થોડા વખતમાં જ વ્યાપક હિંસાએ લીધું. ઇતિહાસકાર લોરેન્સ જેમ્સે કહ્યું છે તેમ, “દરેક હડતાલને પગલે પગલે શિસ્તહીન સરઘસો, લૂંટફાટ, આગજની અને પોલીસ તથા યુરોપિયનો પરના હુમલાઓ થતાં ગાંધીની ધરપકડ થયા પછી તોફાનો વધુ ઉગ્ર બન્યાં.” એપ્રિલની ૧૦મીથી ૧૨મી સુધીમાં આખા પંજાબમાં રમખાણો થયાં. પ્રાંતના ગવર્નર માઈકેલ ઓડ્વાયરે વાઈસરોયને જાણ કરી કે આમાંથી ૧૮૫૭ના જેવો બીજો બળવો ફાટી નીકળી શકે અને તેને કચડી જ નાખવો જોઈએ. પરિસ્થિતિને કાબૂમાં લેવાની પોલીસમાં શક્તિ નહોતી, એટલે અમૃતસર શહેરમાં શાંતિ સ્થાપવા માટે જનરલ ડાયરને લશ્કર સાથે મોકલવામાં આવ્યા. એપ્રિલની ૧૧મીએ અમૃતસર પહોંચીને ડાયરે જોયું કે હિંસક ટોળાંએ આખા શહેરનો કબજો લીધેલો હતો. પોતાની સલામતી જોખમાયેલી જોઈને ૧૦૦થી વધુ યુરોપિયન સ્ત્રી-બાળકોએ ગોબિંદગઢ કિલ્લામાં આશરો લીધો હતો. માર્સીઆ શરવુડ નામનાં મિશનરી મહિલા દાક્તરને તોફાનીઓએ માર મારેલો. ડાયરને સૌથી વધુ રોષ ચડાવનાર એ હુમલો હતો. અંગ્રેજોના ગૌરવભંગનું પ્રતીક તેમાં એમણે જોયું. બ્રિટિશ ગૌરવની પુનર્સ્થાપના કરવા એ કૃતનિશ્ચયી બન્યા. બીજી કોમને તે કદી ન ભૂલે તેવો પાઠ એ ભણાવવા માગતા હતા. એટલે પોતાના લશ્કરને લઈને જલિયાંવાલા બાગ સુધીની એક ટૂંકી ગૌરવયાત્રાએ જનરલ ડાયર નીકળી પડ્યા. ત્યાં એ લશ્કરે ગોળીઓ વરસાવી તેમાં ૩૭૯નાં મોત નીપજ્યાં અને ૧૫૦૦ ઘવાયા. માર્સીઆબેન પર જ્યાં હુમલો થયેલો તે સડક ઉપરથી પસાર થતા તમામ હિન્દીઓને પેટે ચાલવાની ડાયરે ફરજ પાડી. વારંવાર એમણે જાહેર કર્યું કે હિંદીઓનાં કાળજાંમાં ત્રાસ ફેલાવીને એમને એમનું સ્થાન ક્યાં છે એ પોતે બતાવી આપવા માગતા હતા. જલિયાંવાલા અને ગુજરાત વચ્ચે રહેલું સામ્ય સાફ જોઈ શકાય તેવું છે. ગુજરાતમાં પણ એક પક્ષની હિંસાનો સામનો જંગાલિયત ભરેલી કોમી વેરપિપાસાથી કરવામાં આવ્યો છે અને બીજી કોમને પાઠ ભણાવવા માટે નિર્દોષોની હત્યા કરવામાં આવી છે. અને એવાં બણગાં ફૂંકવામાં આવ્યાં છે કે શાસનકર્તા કોમનાં ગૌરવ અને અભિમાનની આ રીતે પુનર્સ્થાપના થઈ રહી છે. ત્યારે પણ જનરલ ડાયરના પ્રશંસકો હતા. હિંદમાંના ઘણા અંગ્રેજોએ તેમ જ બ્રિટિશ અખબારોએ ડાયરનો બ્રિટિશ ગૌરવના રખેવાળ તરીકે બચાવ કરેલો. ‘ધ મોઋનગ પોસ્ટ’ નામના ઇંગ્લંડના છાપાએ તેને માટે એક ફંડ શરૂ કરેલું, તેમાં ૨૬,૦૦૦ પાઉંડ જેટલી રકમ ભેગી થયેલી — જે તે જમાનામાં જંગી ભંડોળ ગણાય. અને ડાયરના આટલા બધા ચાહકો છતાં બ્રિટિશ સરકારે ડાયરને બરતરફ કર્યો, એની માનહાનિ કરી. હકૂમતે સાફસાફ સ્વીકાર કર્યું કે હિન્દી હત્યારાઓ ને હુલ્લડખોરો તરફથી ચાહે તેવી ઉશ્કેરણી થઈ હોય છતાં, એના જવાબમાં તે કોમને પાઠ ભણાવવા માટે વૈરપિપાસાભરી કતલ બિલકુલ કરી શકાય નહીં. એ રીતે વેર લેવામાં કોઈ ગૌરવ નહીં, નકરી લ્યાનત જ છે. (અનુ. મહેન્દ્ર મેઘાણી)