સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/કદી ઘરડું ન થનારું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘લે મિઝરાબ્લ’ ૧૯મી સદીના યુરોપનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. હ્યુગોની આ અમર કૃતિમાં કદી ઘરડા ન થવાનો ગુણ છે. “ધરતીતલ ઉપર જ્યાં લગી દુખિયારાં રહેશે ત્યાં લગી આ ગાથા માનવનાં હૃદયમનને સ્પર્શશે ને તેના ઊડામાં ઊડા આતમ-તારને ઝણઝણાવશે.”—આ મહાકથાની ટૂંકીટચ પ્રસ્તાવનામાં ગ્રંથકારે આટલી જ એક વાત લખીને તેની દુનિયાને ભેટ ધરી છે. લગભગ ૪૫ વર્ષ થયાં આની અસંખ્ય પારાયણો હું કરતો આવ્યો છું. ૧૩-૧૪ વર્ષની વયે જ્યારે હું અંગ્રેજી બહુ નહોતો સમજતો ત્યારે પહેલવહેલી બે અંગ્રેજી નવલકથાઓ મેં વાંચી. જેઈન પોર્ટર પ્રણીત ‘સ્કોટિશ ચીફ્સ’ અને વિક્ટર હ્યુગોનું ‘લે મિઝરાબ્લ’. પહેલી કથાએ દેશ પ્રત્યેના અને બીજીએ માનવ પ્રત્યેના અનુરાગનું બીજ મારામાં વાવ્યું. જેમ મોટો થતો ગયો તેમ બેઉ પુસ્તકો પ્રત્યેનો મારો અનુરાગ વધતો ગયો. ૩૦ વરસનો થયો ત્યાં સુધી આ કથાઓનાં કેટલાંયે પાનાં મને મોઢે હતાં. પહેલી ઐતિહાસિક નવલકથાની ઝીણા અક્ષરે છાપેલી ને પૂંઠાં પર લીલા રંગમાં સ્કોટિશ દેશભક્ત વિલ્યમ વોલેસના ચિત્રવાળી છ પેનીની આવૃત્તિ તે કાળે મુંબઈમાં સાડાચાર આને વેચાતી. આ સસ્તી આવૃત્તિની નહિ નહિ તો બેપાંચ ડઝન નકલો મેં મિત્રોમાં ‘સપ્રેમ ભેટ’ તરીકે વહેંચી હશે. એ પુસ્તક હવે ભાગ્યે જ ક્યાંયે જોવા મળે છે. પણ ‘લે મિઝરાબ્લ’ આજે પણ જ્યારે નજરે પડે ત્યારે જે પાનું ઊઘડે ત્યાંથી વાંચવાની ને ઊઠવું પડે ત્યાં લગી વાંચ્યા જ કરવાની હજુ મને ટેવ છે. ‘લે મિઝરાબ્લ’ની કોઈ સસ્તી આવૃત્તિ તે કાળે ન મળતી છતાં બોરીબંદર પર વોરા બજારને નાકે આવેલી ‘પીપલ્સ ફ્રી રીડિંગ રૂમ અને લાઇબ્રેરી’માં ને ધોબીતળાવ પરના નવા-જૂના બુકસેલરોને ત્યાં જ્યારે ને ત્યારે હંમેશાં આ એક જ પુસ્તક લઈને હું વાંચતો. પીટીટ લાઇબ્રેરીમાં તેની એક સુંદર સચિત્ર પાકા પૂંઠાવાળી આવૃત્તિ હતી તે પણ જુદા જુદા મેમ્બર મિત્રો મારફત વારંવાર મેળવીને હું અસંખ્યવેળા એના એ પ્રસંગો વાંચતો. [‘લે મિઝરાબ્લ’ પુસ્તક]