સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/ખશકૂલું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જૂની વાત, અરધી સદી અગાઉની. છતાં પળમાં પતાળે સળંગા દઈ આવે ને પાણીમાં પગેરાં કાઢે એવા એ બળેલ લવંગિયા જેવા ટિણકુડિયા ખશકૂલાની છબિ હજુ આજેય મારા સ્મૃતિપટલ ઉપરથી ભૂંસાઈ નથી. પૂના નજીકના સિંહગઢ કિલ્લા પર લોકમાન્ય તિલક અને ગાંધીજીનો સહવાસ ટૂંક દિવસો માટે ગોઠવવામાં હું ૧૯૨૦ના એપ્રિલ મહિનાની આખરે સફળ થયેલો. ગઢ ઉપર તિલક દાદાના મિત્ર દાજી આબાજી ખરેનું મકાન હતું; અને ગાંધીજીને ત્યાંથી નજીક જ આવેલા શેઠ નરોત્તમ મોરારજી ગોકળદાસના બંગલામાં ઉતારવાનું અમે ગોઠવેલું. સિંહગઢ અને ત્યાં આવેલા જૂજ બંગલા મારા પૂરા જાણીતા. પણ સરદાર પદમજી વાળાંના ત્રણ બંગલા સિવાય બીજા બધા માળી-ચોકીદાર વગર મોટે ભાગે વરસ બધું અવાવરું રહે. તેથી સાફસૂફી કરાવી પાણીછાણી, રહેવાસૂવા નહાવાધોવાની બધી સગવડો અંકે કરી, જરૂરી ચીજવસ્તુ વેળાસર જોગવી લેવાની ગણતરીએ હું થોડા દિવસ અગાઉથી જ પૂને પહોંચેલો; અને સિંહગઢના બે ફેરા કરી બધું ગોઠવી લઈ, ગાંધીજી પહોંચવાના તેને આગલે દિવસે સીધુંસામાન વગેરે છેલ્લ્લી ખરીદી કરી લેવા હું લશ્કર (પૂના કેમ્પ)ની બજાર બપોર લગણ ભાટકેલો. ગઢની તળેટીયે આવેલું ડોણજા ગામ પૂનાથી પંદર માઈલ; અને ત્યાંથી ત્રણ માઈલ ડુંગર પગે ચડીને ગઢ ઉપર પહોંચાતું. બાળક બૂઢાં માંદાંને ગામનું લોક જૂજ મજૂરીએ બે બાંબુ વચ્ચે માંચી બાંધેલ ગામઠી ડોળીઓમાં બેસાડી ગઢ ઉપર પહોંચાડે. ડોણજા સુધી પગપાળા અગર ઘોડાના ટાંગામાં જવાતું.

તે કાળે આજની જેમ મોટરો કે ટેક્સીઓ ચૌટેચકલે ન રવડતી. આખા શહેરમાં એક ઘોડાના પુણેરી ટાંગા જ ફરતા. બે જ ઉતારુ બેસાડે. ધણીબૈયર જોડે મોટું છોકરું હોય તોયે ઘણી વાર રકાસ થાય. મેં ઠેઠ ડોણજા સુધીનો ટાંગો ઠરાવ્યો. અને લશ્કરની બજાર બધી ઠેર ઠેર ફરીને સગડી-કોલસાથી માંડીને સીધુંસામાન, ફળ વગેરે ગાડું ચીજો ખરીદીને ટાંગો ભર્યો. ટટ્ટુ બાંધી દડીનું, ખાસ ભીમથડીનું. પાકી (પણ ડામરની નહિ) સડક પર માંગલોરી સોપારીની જેમ દડયે જાય. ટાંગાવાળો અસલ માવળા બ્રીડનો મરેઠો. બેસનારમાં હું એકલો. પણ લશ્કરના એક ટાંગાસ્ટૅન્ડ પરથી ટાંગાવાળાએ પોતાના પગ આગળ અને પડખે લાદેલાં પોટલાંપડીકાં વચ્ચે જગા કરીને એક ટિણકુડિયા પોયરાને ઊંચકીને આગલી બાજુએ બેસાડયો. આઠનવ વરસનો હશે. મને થયું એનો કે એના કોઈ ઓળખીતાનો હશે. પોયરો પણ કેવો? અળશિયું જોઈ લ્યો. કાળો અસલ તાવડીનો વાન. ગાલે લમણે કૂવા. ઢેખાળા જેવું કપાળ. ઉજ્જડ રાનના અપૂજ શિવલિંગ જેવી ઓઘરાળાભરી ઊપસેલી ઘૂંટણની ઢાંકણીઓ. મેલા ઉઘાડા જીંથરિયા માથે ને મોં પર માખીઓ બણબણે. વારેવારે ઉડાડે. ડિલ પર કમ્મર સુધી માંડ પહોંચતું મેલુંદાટ ફાટેલું પહેરણ, ને નીચે સાવ ઉઘાડો. અસલ છપ્પનિયાનું રાંકું જોઈ લ્યો! મને કમકમાટી છૂટી. ભલું થયું કે ટાંગાવાળાએ એને આગલી બાજુએ પોતાને પડખે બેસાડયો હતો. બેકરી આગળ થોભીને મેં ડબલરોટી અને માખણનું ટીન લીધાં. બધું ટાંગાની પાછલી બેઠક પર મારી બાજુમાં મૂક્યું. થોડે આગળ વળી કોઈ દુકાનેથી કંઈક લેવા હું ઊતર્યો, બેચાર ચીજોનાં પોટલાંપડીકાં આગલી બાજુએ મુકાવ્યાં. અને દુકાનદારને પૈસા ચૂકવી દઈ પાછો આવી ટાંગામાં ચડયો. જોઉં તો પાંઉરોટીનું પડીકું મારી બેઠકની જગાએ ખસેડીને પાછલી બેઠક પર એક ખૂણે પેલું ટિણકુડિયું ખૂબ સંકોચાઈને ગોઠવાઈ ગયેલું! હું સમજ્યો. સામાનનાં પોટલાં અને બંડલો વધવાને કારણે આગલી બાજુએ છોકરાને બેસાડવાની જગા રહી નહોતી. તેનો દયામણો ચહેરો અને ઊંડી ઊતરી ગયેલી આંખો જોઈને હું પીગળી ગયો. કશું ન બોલતાં પાંઉરોટીવાળું પેકેટ ખોળામાં લઈને બેસી ગયો. વળી દુકાનો આવી. વળી હું ઊતર્યો, વળી ખરીદ્યું. પાંઉનું પડીકું બેઠક પર રહેવા દઈ ઊતરું, ખરીદું, પાછો બેસું. વળી ઊતરું. છોકરો એટલો સંકોચાઈને બેઠેલો કે પાંઉરોટીવાળું પેકેટ દર વખતે ખોળામાં લઈને બેસવાની જરૂર નહોતી. અમારા બેની વચ્ચે તે પડી રહેતું. બેપાંચ વેળા ચડઊતર કરીને મેં ખરીદીની ફેરિસ્ત પૂરી કરી. ટાંગો ભવાનીપેઠ થઈ સતારાની સડક મેલી પર્વતીની ટેકરી ભણી વળ્યો. અહીં નજીકથી તે કાળે શહેરભાગોળ છૂટી જતી. તે જગાએ પેલાએ ટાંગો અણધાર્યો થોભાવ્યો. તેવું જ પેલું ટિણકુડિયું ચડપ દઈને કૂદકો મારતુંકને સડક નીચાણે આવેલા દેશી નળિયાંનાં છાપરાવાળા ને છાણમાટીથી લીંપેલા એક નીચા ઘર ભણી દોડી ગયું. “અહીં એનું ઘર છે?” “હોય રાવસાહેબ. માઝેં ગરીબાચેં ખોંપટેં હાય.” ને પછી લાગલું જ ઉમેર્યું, “એકુલતા એક તેવઢાચ હાય. દેવાનેં દિલેલા.” હું સમજ્યો. એ એનો છોકરો હતો.

એણે ટટ્ટુની લગામ ડોંચી ને ટાંગો ઊપડ્યો. તે કાળે અહીંથી આગળ વસ્તી નહોતી. પર્વતીની તળેટીએ બધું ફાંફળ હતું. ટાંગો ખદડુક ગતિએ દડયે જતો હતો. હવે લગાર છૂટથી બેસું, એમ વિચારી જગા કરવા બાજુમાં પડેલું ડબલરોટીનું પેકેટ મેં જરા હડસેલ્યું. હળવું લાગ્યું! મેં ઊંચક્યું. જોઉં તો તળેનો કાગળ ફાટેલો, ને એક આખી રોટી તળિયેથી ખણખોતરાઈને ખલાસ થયેલી! બાજુની ભીંતો જ કાગળમાં ઊભેલી, ને ઉપલી બાજુનો કઠણ શેકાયેલ ટેકરો તેટલો સાબુત. પેટાળ બધું પોલું ઢમ! મને બહુ નવાઈ લાગી. થયું, અહીં ચાલતા ટાંગામાં કોળ ઊંદર? કે પેલા બેકરીવાળાએ જ ઊંદરે ખાઈને સફાચટ કરેલી બાંધી આપી? અચાનક મને હમણાં જ ઊતરીને દોડી ગયેલ પેલા ખૂણાના ટિણકુડિયાનો ભૂખાળવો નિમાણો ચહેરો અને મૂંગી મોટી આંખો યાદ આવી. ને મારા મગજમાં વીજળી ચમકારો કરી ગઈ! સહેજે જ મારાથી ટાંગાવાળાને ટાંગો થોભાવવા કહી જવાયું. પેલાએ ખંધી આંખને ખૂણેથી બધું જોયું હોય ને સમજતો હોય તેમ ટાંગો થોભાવ્યો. “કાય રાવસાહેબ! કાય હુકૂમ?” મેં પડીકું ઊંચક્યું ને તેનું તળિયું એના મોં અગાડી ધર્યું! એણે જરાય ચકિત થયા વગર, પણ ઉછીની અકળામણ દેખાડતો દયામણો ચહેરો કરીને શરૂ કર્યું : “માપ કરા, રાવસાહેબ. કારટેં સૈતાન હાય. મી તર જીવા વર આલો હાય ત્યેચ્યા પાયીં. આપુન ભાગ્યવંત લોક. યેવઢા ગુના માપ કરા.” પછી જરા પીગળીને અરધો સ્વગત બોલતો હોય તેમ કહે, “બિચાર્યાલા આઈ નાંય. તીન વર્સાચા સોડૂન મરૂન ગેલી. મીચ વાઢવીત હાય. દૂસરેં લગીન, પાટ કાહીં કેલેં નાંય; સાવત્ર આઈચા યાલા તરાસ નકો મણૂન. પન કારટે ઊનાડ નિઘાલેં. ઘરીં ઠેવલેં તર દિવસભર શેજાર્યાંનાં તાપ, ત્યાંચ્યા તકરારી રોજ ઐકૂન ઐકૂન જીવ નકોસા ઝાલા. તાંગ્યાંત હિંડવલેં તર પાસિંજર લોકાંનાં અસાચ સતવિતો. હોય, નશીબ માઝેં. આણખી કાય?” વળી કહે, “પુસ્કર મારૂન પાહિલેં. પન કાહીં ઉપયોગ ઝાલા નાંય. મારાવેં તરી કિતી? નુસતા હાડાંચા સાપળા હાય. માપ કરા. ગરીબાચી ગય કરા, રાવસાહેબ, આપન ભાગ્યવંત આહાં.” કશું બોલ્યા વગર ટાંગો હાંકવાની મેં એને ઇશારત કરી. ટાંગો આગળ ચાલ્યો. પણ અરધું સ્વગત ને અરધું મને સંભળાવતો હોય એમ એણે બોલવું ચાલુ રાખ્યું : “આમી મરહાટે લોક. શિવાજી મહારાજાચે માવળે. ડોંગરાતલે ઉંદીર. શિવાજી મહારાજ ગેલે ત્યાં બરોબર ત્યાંચે પદરીં અસલેલે ત્યાંચે બહાદ્દર માવળે ગડી, લાવલશ્કર, સર્વ ગેલેં. માવળ્યાંચેં ધાડસ, શૂરપણ, ચંગળ, સર્વ કાહીં માવળલેં! ઇંગ્રજાંચ્યા રાજ્યાંત કોણ પુસતો આમ્હાલાં? કુરતડૂન ખાણેં (ખોતરી ખાવું) યેવઢેંચ કાય તેં શિલ્લક રાહિલેં આમચ્યા નશીબીં! આમીં થોડેચ શિકલો હાય, કી મોઠમોઠયા સરકારી નૌકર્યા, વકીલી, રાવસાયબી કરું?” એની રાંકડી આજીજી અને જૂના કાળની યાદે મને બેચેન કરી મૂક્યો. પર્વતીની નિર્જન તળેટીને રસ્તે એણે મને ધોલ મારીને ટાંગા હેઠો ઉતારી મેલ્યો હોત, અને ગાડુંએક સામાન નિરાંતે ઘરભેળો કર્યો હોત તો મને એટલું વસમું ન લાગત. એણે મને સદાશિવ પેઠ નારાયણ પેઠનો ભણેલો ‘રાવસાહેબ’ ગણ્યો એ તો દેખીતું હતું. એમાં એનો વાંક પણ શો હતો? દક્ષિણમાં બધે બ્રાહ્મણો ઉપર તમામ અબ્રાહ્મણ કોમોમાં સદીઓ જૂની નફરત રહી છે.

કિરતારે ભાગ્યવંતો અને ગરીબો વચ્ચે ભાગ્યની ખેરાત કયે ધોરણે કરી, અને ભાગ્યવંતોને ઘેર જે ‘કારટાં’ઓ જન્મતાં હોય છે તેમને ‘રાવસાહેબો’ના પડીકાની પાંઉરોટી ખોતરી ખાઈને હેમખેમ ભાગી છૂટવાનું, અને એમનાં માબાપોને ‘યેવઢા ગુના માપ કરા, રાવસાહેબ!’ની આજીજી કરવાનું ‘ભાગ્ય’ કેમ ક્યારેય નહિ લાધતું હોય, એની વિમાસણમાં હું ડૂબ્યો હતો. વળતર ભરપાઈની ઓફર કરવા માગતો હોય તેમ વચમાં જ પેલાએ ટાંગો થોભાવીને મને પૂછ્યું : “તાંગા માગે ધેઉં કાય, રાવસાહેબ? પુન્હાં બેકરી વરુન?” સાંભળ્યું ન સાંભળ્યું હોય તેમ અન્યમનસ્કપણે મેં એને કહ્યું, “નકો, નકો, જાઉં દે પુઢે — સવારે પાછું આવવું જ છે ને? કાલે બીજી લેશું.” [‘નઘરોળ’ પુસ્તક]