સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/રજૂઆતનો કીમિયો


રજૂઆત એક કળા છે; બલકે ઈશ્વરી પ્રસાદ છે. અંતરની અનુભૂતિમાંથી એ ઊગે છે ને અભણનીયે જીભેકલમે આવીને બેસે છે. પંડિત હોય તો સોનાથી પીળું, પણ એ પાંડિત્ય કે વિદ્વત્તાની મોહતાજ નથી. તુલસી, નાનક, સુર, કબીર, જ્ઞાનોબા, તુકારામ, નરસી, મીરાં આદિ મધ્યયુગીન સંતોમાંનાં ઘણાં આજના રૂઢ અર્થમાં અભણ હતાં. પણ તેમનાં ભાવભકિત ને કવિતાના જુવાળને હેલે ચડીને હિંદના સામાજિક ઇતિહાસની ચાર સદીઓ ઘસડાઈ ગઈ. આજને કાળે પણ એ સંતોની રચનાઓની અને જે બધા ઋષિમુનિ-આચાર્યોનો એમને વારસો મળ્યો તે પ્રાચીન પૂર્વજોનાં રચેલાં ‘ગીતા’, ‘ઉપનિષદ’, ‘ભાગવત’, ‘મહાભારત’, ‘રામાયણ’ની જે રજૂઆત રામકૃષ્ણ-વિવેકાનંદ, ટાગોર, અરવિંદ, રાધાકૃષ્ણન કે ગાંધીજીએ કરી, અથવા તો ‘મહાભારત’-કથાઓની રાજાજીએ ને ‘રામાયણ’—‘મહાભારત’નાં પાત્રોની નાનાભાઈ ભટ્ટે કરી—એ બધાંમાં રજૂઆતનો કીમિયો પડેલો છે. દૃષ્ટિવિહોણા જૂના સંપ્રદાયી હરદાસો—કીર્તનકારોની રજૂઆત અને બાઉલોનાં ગાન કે કબીર-સાખીઓની ગુરુદેવ ટાગોરે કરેલી રજૂઆત વચ્ચે એટલો જ ફેર છે, જેટલો દિવાસાની રાત અને કોજાગરી વચ્ચે. [‘સમાજચિંતન અને બીજા લેખો’ પુસ્તક]