સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી રંગનાથાનંદ/આ પ્રજાને થયું છે શું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પોતાના એક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે, “આધ્યાત્મિક ન હોય તેને હું હિંદુ કહેતો નથી.” લોકો આધ્યાત્મિક હોવા જોઈએ, માત્ર ધાર્મિક નહીં. ધાર્મિક થવું ખૂબ આસાન છે; કપાળે ચંદન લગાડો અથવા ભસ્મ લગાડો, તમે હિન્દુ થઈ જાઓ છો; ક્રોસ લટકાડો, તમે ખ્રિસ્તી બનો છો; ટોપી ઉપર બીજનો ચંદ્ર લગાડ્યો ને તમે મુસલમાન થઈ જાઓ છો. ધાર્મિક બનવું સહેલું છે. ભારતનાં બે રૂપ છે, એક અમર ભારત; અમર ભારતને આખી દુનિયા શ્રદ્ધા અને સન્માનની દૃષ્ટિએ જુએ છે, અને બીજું એક રોગી ભારત છે જેમાં તમે અને હું રહીએ છીએ અને કાર્ય કરીએ છીએ. આજે જે ભારત છે તે ભ્રષ્ટાચાર, હિંસા, લૂંટફાટ, મુકદ્દમાબાજી, ઈર્ષ્યા—ધિક્કાર અને ગરીબીની અપરંપાર સમસ્યાઓ, નિરક્ષરતા, ખંડનાત્મક પ્રવૃત્તિઓ વગેરે અનેક દૂષણોથી ખદબદતું ભારત છે. સંસદો અને ધારાસભાઓમાં પણ આવા માંદલા ભારતની છબી જોવા મળે છે. આઝાદી પહેલાંના ભારતમાં ઘણા સારા માણસો, વિશાળ ભાવનાવાળા લોકો હતા. આજે દેશમાં વામણા-નાના માણસો છે. આપણે એક વિશાળ અને મહાન રાષ્ટ્રના હલકા અને વામણા લોકો છીએ. આપણે બંધિયાર સંસ્કૃતિ બની ગયા હતા—કશું પરિવર્તન નહીં, કશી પ્રગતિ નહીં, છેલ્લી કેટલીયે સદીઓથી બંધિયારપણા સિવાય બીજું કશું નહીં. બીજા દેશોની પ્રજા સાથે આપણો વ્યવહાર જ અટકી ગયો હતો. ‘મ્લેચ્છ’ શબ્દ અને એની વિભાવના શોધીને આપણે લોકોને આઘા રાખ્યા. બીજી બધી પ્રજાઓ મ્લેચ્છ છે. મ્લેચ્છને સ્પર્શ ન કરવો; આપણી સરહદોને ન ઓળંગવી. સ્વામી વિવેકાનંદનું ધ્યાન આ તરફ ગયું અને એક વાક્યમાં એમણે કહ્યું: “ભારતે મ્લેચ્છ શબ્દ શોધ્યો અને બહિર્જગત સાથેનો વ્યવહાર થંભાવ્યો તે દિવસથી ભારતના ભાવિને તાળાં લાગી ગયાં.” ૧૦મી સદીમાં મહમદ ગઝનીની સાથે આવનાર મહાન અરબ મુસાફર અલબેરુની સંસ્કૃત અને ઠીકઠીક પ્રમાણમાં ભારતીય દર્શનશાસ્ત્ર જાણતો હતો. ગઝની ભારતની ભૌતિક સમૃદ્ધિ લૂંટવાને આવ્યો હતો અને અલબેરુની ભારતની દાર્શનિક સમૃદ્ધિ લઈ જવા માટે. ભારત વિશેનાં એનાં અવલોકનો એની કિતાબ—‘અલબેરુનીનું હિંદ’માં સાંપડે છે. એ કહે છે, “ભારતની પ્રજાને થયું છે શું? એમના પૂર્વજો આના જેવા સંકુચિત મનના ન હતા; આ લોકો કોઈની સાથે હળતામળતા નથી, પોતાનું જ્ઞાન કોઈને આપતા નથી, કોઈની પાસેથી કશું શીખતા નથી. એમના પૂર્વજો આવા ન હતા.” [‘ગૃહસ્થ અને આધ્યાત્મિક જીવન’ પુસ્તિકા: ૨૦૦૧]