સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી સચ્ચિદાનંદ/પ્રજાનું મસ્તિષ્ક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોમાં જે મુદ્દાનો ભેદ છે તે મસ્તિષ્કઘડતરનો છે. મસ્તિષ્કઘડતરથી જીવન પ્રત્યેનો અભિગમ ઘડાય છે. ભારતમાં પ્રજાનું મસ્તિષ્ક ધર્મપુરુષો દ્વારા ઘડાય છે. કથા-પ્રવચન-સત્સંગ વગેરે દ્વારા ધર્મપુરુષો પ્રજામાનસને ઘડે છે. તેમની સાથે રંગમંચ, ચલચિત્રો, ટી.વી. વગેરે પણ પ્રજામસ્તિષ્કને ઘડે છે. આ બધાં લગભગ એકીસ્વરે પ્રજાને શ્રદ્ધાળુ બનાવવા પ્રયત્ન કરે છે. પ્રજા શ્રદ્ધાળુ બને તે પ્રજાજીવનનો મોટો સદ્ગુણ કહેવાય. પણ શ્રદ્ધાનો અતિરેક થઈ જાય ત્યારે તે અંધશ્રદ્ધા બની જાય. ભારતમાં યથાયોગ્ય શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધાની પ્રચુરતા જ વધુ પ્રમાણમાં થઈ ગઈ છે. આવી શ્રદ્ધા, બુદ્ધિદ્રોહ ઉત્પન્ન કરીને પ્રજાના મસ્તિષ્કને પરિસ્થિતિનું સાચું નિદર્શન કરાવી નથી શકતી. એથી પ્રજા પોતાના પ્રશ્નોનું સમાધાન તો નથી કરી શકતી, પણ પ્રશ્નોમાં વધુ ને વધુ ગૂંચવાય છે. માનો કે કોઈ વર્ષે વરસાદ ન આવ્યો, દુષ્કાળ પડ્યો. હવે ધર્મપુરુષો દ્વારા શ્રદ્ધાના અતિરેકથી ભરેલું મસ્તિષ્ક હોમહવન કે યજ્ઞ કરવા લાગી જશે, સ્ત્રીઓ નગ્ન થઈને રાતે ખેતરમાં હળ ચલાવશે—આવા બધા ઉપાયો એ બુદ્ધિદ્રોહી શ્રદ્ધામાંથી ઉત્પન્ન થતા હોય છે. આવા ઉપાયોથી કાર્યસિદ્ધિ નથી થતી. આવી જ રીતે કોઈને સર્પ કરડ્યો કે ઓરી-અછબડા નીકળ્યા હોય ત્યારે પણ ભૂવા-જાગરિયા, દોરાધાગા-તાવીજ, બાધાબંધણી વગેરે ઉપાયો કરવા લાગશે. પોતાની દરિદ્રતા દૂર કરવા ‘વૈભવ લક્ષ્મી’નું વ્રત કરશે કે જે સંપ્રદાયમાં જવાથી ધનવાન થઈ જવાની લાલચ પ્રચલિત કરાઈ હશે તેની કંઠી બાંધી લેશે. આવું માત્ર અભણ માણસો જ નથી કરતા પણ ભણેલા પણ કરે છે. કારણ કે ધાર્મિક રીતે ઘડાયેલાં મસ્તિષ્ક શિક્ષિત-અશિક્ષિત બંનેનાં સરખાં છે. જે કથાઓ હજારો તથા લાખો માણસોને સંભળાવવામાં આવે છે, તેમાં આદિથી અંત સુધી શાપ અને આશીર્વાદની કથાઓ છે. યજ્ઞથી પુત્રો થયા કે આશીર્વાદથી સંતાન થયું અને શાપ લાગવાથી ન થયું કે મરી ગયું: આવી અસંખ્ય કથાઓ પ્રજા સાંભળે છે અને તેને પૂર્ણ સત્ય માની લે છે. પછી પોતાના જીવનના પ્રત્યેક લાભને કોઈનો આશીર્વાદ સમજે છે તથા પ્રત્યેક નુકસાનને કોઈનો શાપ સમજે છે. ધાર્મિક પુરુષો પણ સતત આવી શાપ-આશીર્વાદની કથાઓ સંભળાવીને પોતાને મહાપુરુષ બનાવી શકે છે. અનુયાયીવર્ગ એવો શ્રદ્ધાના અતિરેકવાળો નિર્મિત કરાય છે કે પરીક્ષા, લગ્ન, સંતાન, વ્યાપાર, ચૂંટણીવિજય વગેરે પ્રત્યેક નાનીમોટી ઘટનાઓ પોતાના માનેલા ધર્મપુરુષના આશીર્વાદથી જ થાય છે તેવું દૃઢ રીતે એ માનતો હોય છે. આવા લોકોની સામે પડનારા બુદ્ધિજીવીઓ, ધર્મસુધારકો કે સાચા ધર્મપુરુષોનો પ્રભાવ ઘણો ઓછો રહે છે, કારણ કે પ્રજાને મુખ્યત: બુદ્ધિદ્રોહી બનાવાઈ છે. રામદેવ પીરના ચમત્કારોથી માંડીને યોગાનંદજીની આત્મકથા સુધીની ચમત્કારિક વાતોમાં જેટલો રસ પ્રજાને આવે છે તેટલો રસ સ્વામી દયાનંદ, મહાત્મા ગાંધીજી કે કૃષ્ણમૂર્તિ વગેરેની ચમત્કાર વિનાની સરળ સહજ વાતોમાં નથી આવતો. રવીન્દ્રનાથ, રામન કે રામાનુજનથી ઘડાયેલા સમાજ કરતાં યાજ્ઞિકો, હવનિકો, ભજનિકો, કથાકારો, ભૂવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરેથી ઘડાયેલો સમાજ ઘણો વિશાળ છે. પ્રજા ભોળપણથી પોતાનો જ અનર્થ કરનારી આવી ક્રિયાઓનો હાથો બની ગઈ છે. પશ્ચિમનું મસ્તિષ્ક પણ સદીઓ સુધી ધર્મપુરુષો દ્વારા ઘડાયેલું હતું, ત્યાં પણ અંધશ્રદ્ધાનું પ્રમાણ મોટા પ્રમાણમાં હતું જ. તેથી તે પ્રજા ભારતની પ્રજા કરતાં વધુ ગરીબ તથા દુ:ખી હતી, પણ ધર્મપુરુષોમાંથી જ કેટલાક સત્યશૂર, સત્યશોધક પુરુષો પેદા થયા, જેમાંના કેટલાકને ધર્મદ્રોહના અપરાધસર રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા. તોપણ નવા ને નવા મુક્ત ચિંતકો ઉત્પન્ન થતા ગયા અને પ્રજાના બુદ્ધિસહ મસ્તિષ્કને ઘડતા ગયા. ક્રમે ક્રમે પ્રજા કાલ્પનિકતામાંથી વાસ્તવિકતા તરફ ગતિ કરવા લાગી. હવે આ પશ્ચિમના મસ્તિષ્કના ઘડવૈયા વૈજ્ઞાનિકો છે, થોડા અંશમાં રાજકારણીઓ છે. પ્રજાના ઘડતરમાં હવે ધર્મપુરુષોનો પ્રભાવ ઘણો ઓછો થઈ ગયો છે. આનો અર્થ એવો નથી કે ત્યાં અતિશ્રદ્ધા કે અંધશ્રદ્ધા છે જ નહિ. ત્યાં પણ આ તત્ત્વો છે જ, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું. ઘટનાને બુદ્ધિથી સમજવા તથા પ્રશ્નોને પણ બુદ્ધિથી હલ કરવા પ્રજા પ્રયત્ન કરે છે. માનો કે ત્યાં વરસાદ ન થયો અને દુષ્કાળ પડ્યો, તો ત્યાંના લોકો હોમહવન કે યજ્ઞ કરવા નહિ બેસી જાય પણ વાદળો કેમ ન બંધાયાં? કેમ ન આવ્યાં? આવ્યાં તો કેમ ન વરસ્યાં? આવું કેમ થતું હોય છે તેની તપાસ કરવા લાગી જશે અને સાચાં કારણો શોધીને, દુષ્કાળમાંથી પાર ઊતરવાના ઉપાયો કરવા લાગી જશે. જેમ કે નદીઓ ઉપર બંધ બાંધવા, નહેરો કાઢવી, પાતાળકૂવા કરવા, ખાતરનાં કારખાનાં કરવાં, સુધારેલાં બીજ ઉત્પન્ન કરી મબલક પાક ઉતારવો, રોગોને નાથવા દવાઓ શોધવી, નવાં યંત્રો તથા નવી પ્રક્રિયા શોધવી વગેરે વાસ્તવિક ઉપાયો દ્વારા દુષ્કાળનો પ્રશ્ન હલ કરી લેશે. બીજી તરફ, હજારો વર્ષોથી ઋષિમુનિઓનાં નામ વટાવીને આપણે ત્યાં કરવામાં આવેલા હજારો-લાખો યજ્ઞોથી પ્રજાજીવનનો એક પણ પ્રશ્ન હલ થયો દેખાતો નથી. હવે આપણી સામે ગંભીર પ્રશ્ન છે કે ભારતીય પ્રજાનું મસ્તિષ્ક કોણ ઘડે: ચમત્કારની કથા કરનારા કથાકારો, તાંત્રિકો, જ્યોતિષીઓ, ભૂવાઓ વગેરે અથવા વૈજ્ઞાનિકો, નિ:સ્પૃહ અને આર્ષ ધર્મગુરુઓ, ધર્મ અને સમાજના અંધકારને ઉલેચનારા સુધારકો, ચિંતકો, વાસ્તવદ્રષ્ટાઓ વગેરે? પ્રજાના મસ્તિષ્કને સદીઓથી ગુમરાહ કરીને દુ:ખી કરી નાખનારા પશુચરવૈયાઓ કદી પણ પોતપોતાના ખીલેથી પ્રજાને છૂટવા દેશે નહિ. સદીઓ જૂનો આ ખીલો એ જ એમનું સર્વસ્વ છે. પ્રજા હંમેશાં આ ખીલે બંધાયેલી રહે એ જ એમની મહત્ત્વાકાંક્ષા છે. પ્રજાને બાંધી રાખવાની તેમની શક્તિ પ્રબળ છે. માતાનાં ચરણને વંદન કરનાર સુપુત્રનું કર્તવ્ય થઈ જાય છે કે જો પોતાની માતા રોમેરોમ બીમાર થઈ ગઈ હોય તો, યોગ્ય ડોક્ટરને બોલાવી સાચું નિદાન કરાવે તથા સાચી દવા કરાવે, કડવી ગોળીઓ આપે તથા જરૂર પડે તો ઓપરેશન પણ કરાવે. આ સાચી સમજણભરી માતૃભકિત છે. [‘પરિવર્તનને પંથે’ પુસ્તક: ૧૯૯૦]