સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી સચ્ચિદાનંદ/મંદિરને ખરો ભય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મંદિરમાં પાંચ વાતો હોવી જોઈએ : મંદિરમાં ભલે અનેક દેવ-દેવીઓ પધરાવ્યાં હોય, પણ તે બધાં એક જ બ્રહ્મનાં માનવરુચિને પોષવા કરાયેલાં પ્રતીકો છે તેવું લોકોને ઠસાવવામાં આવે. મંદિર આડંબર વિનાનું, સીધીસાદી પ્રાર્થના કરવાનું કેન્દ્ર બને. મંદિરમાં દર્શનાર્થીઓ સાથે પૂરી સમાનતાનો વ્યવહાર થાય, ધન કે વર્ણના નામે ભેદભાવ કરવામાં ન આવે. મંદિરો વ્યક્તિપૂજાથી મુક્ત થાય. મંદિર માત્ર પ્રાર્થના કેન્દ્ર ન રહેતાં તે માનવતાવાદી પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બને. અર્થાત્ લોકહિતની પ્રવૃત્તિઓને પરમાત્માની ઉપાસના માનવામાં આવે. મંદિરની આવક ગરીબ અનુયાયીઓનાં શિક્ષણ, આરોગ્ય તથા અન્ય કલ્યાણ પ્રવૃત્તિઓમાં વપરાય. મઠો, મંદિરો, આશ્રમો, છપ્પનભોગ, સોનાના કળશો, સોના-ચાંદી મઢ્યાં બારણાં અને બારસાખો, સામૈયાઓ, ભવ્ય વરઘોડાઓ — આ બધું હોય પણ જો માનવતા ન હોય, તમારા જ ધર્મ તથા સમાજનાં અંગભૂત અનાથ બાળકો કે લાચાર વિધવાઓ માટે જો કાંઈ ન થતું હોય તો તે બધાં ધાર્મિક જડતાનાં ચિહ્નો છે. આપણા ધર્મને ખરો ભય વિધર્મીઓથી નહિ પણ આપણી અવ્યવસ્થા, કુવ્યવસ્થા તથા દુકાનદારીપણાથી છે. ધર્મને બચાવવો હોય તો મંદિરો આ દૂષણથી મુક્ત થવાં જ જોઈએ. હે પ્રભો! અમારાં મંદિરો હવે દુકાનો બની રહ્યાં છે. કારણ કે ધર્મના વ્યાપારીઓના હાથમાં તે પડ્યાં છે. અન્ય વસ્તુઓની માફક તારો પણ વ્યાપાર થાય તે તને ગમે છે?