સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરજીવન દાફડા/ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



પર્વત, નદી ને જંગલો, વહેતાં ઝરણ અહીં નથી
પહેલાં હતું એ ખુશનુમા વાતાવરણ અહીં નથી
ખૂંખાર કૂતરા અમે બાંધી દીધા છે બારણે
જોતાં જ હેત ઊપજે એવાં હરણ અહીં નથી
પોતાની પીઠ ઊંચકી ચાલે છે માંડ માંડ સૌ
બોજો ઉઠાવે અન્યનો એવાં ચરણ અહીં નથી
પાડયાં છે જાતજાતનાં વર્ણો અમે આ વિશ્વમાં
જેમાં હો માત્રા માનવી એવું વરણ અહીં નથી
ઉત્પાતિયા શહેરનો ખૂણેખૂણો ફરી વળ્યો
પળભર નિરાંત સાંપડે એવું શરણ અહીં નથી.

*

આંખમાં અંગાર છે ’ને કાંઈ થૈ શકતું નથી
આદમી જૂંઝાર છે ’ને કાંઈ થૈ શકતું નથી
ઢાલ ’ને તલવાર, બખતર સાથમાં ભાલોય છે
અશ્વ પાણીદાર છે ’ને કાંઈ થૈ શકતું નથી
બંધ ઘ્રાણેન્દ્રિય ઉપર ઘૂમે વસંતી વાયરો
મહેક પારાવાર છે ’ને કાંઈ થૈ શકતું નથી
મેઘલી રાતે મશાલી જંગલે ઝૂઝી રહ્યો
આકરો અંધાર છે ’ને કાંઈ થૈ શકતું નથી
લાગણી, કાગળ, કલમ ’ને ખૂબ સુંદર અક્ષરો
શબ્દની વણજાર છે ’ને કાંઈ થઈ શકતું નથી.
[‘વહી’ સામયિક : ૨૦૦૨]