સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિસ્વરૂપદાસ સ્વામી/શું આપણે ધાર્મિક છીએ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આપણો દેશ ધર્મપ્રધાન છે. આપણા દેશમાં સેંકડો મંદિરો, મસ્જિદો, મઠો, તીર્થસ્થાનો વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. લાખો સાધુ-સંતો આ દેશમાં વિચરણ કરતા જોવા મળે છે અને તેમના દ્વારા સતત વ્યાખ્યાનો, પ્રવચનો, પારાયણો થતાં જ રહે છે. એવી રીતે દેશમાં તમામ ઠેકાણે ધર્મમય વાતાવરણ દેખાય છે. છતાં પણ એક પહાડ જેવો પ્રશ્ન મારી અને તમારી સામે છે કે, “શું આપણે ધાર્મિક છીએ?” આપણે ધાર્મિક છીએ તેવી ઘણા લોકોમાં ભ્રમણા છે. કોઈને એકાદ-બે ગીત ગાતાં આવડી જાય અને એ પોતાની જાતને મહાન સંગીતકાર સમજવા માંડે, કોઈને કક્કો પણ આવડતો ન હોય અને પોતાની જાતને મહાન પંડિત કે વિદ્વાન સમજી લે, તે ભ્રમણા છે. આવા અનેક લોકો ભ્રમણામાં જ જીવતા હોય છે. મંદિરોમાં જુઓ તો દર્શનાર્થીઓની ભીડ હોય. પણ તેમાંના કેટલા લોકો એકાગ્ર મને ભગવાનનાં દર્શન કરનારા હશે? મંદિરોમાં પણ આપણે બધું બહિરંગી જ જોયા કરીએ છીએ. જો એમ સાંભળવા મળે કે આજે મંદિરમાં રૂપિયાની નોટોના હિંડોળા કર્યા છે, આજે સૂકામેવાના હિંડોળા કર્યા છે, આજે માખણનું શિવલિંગ બનાવ્યું છે, બરફનાં શિવલિંગ છે, તો લોકો દોટ મૂકે, આ બધું જોવા માટે દોડે. લોકો પૂનમના દિવસે જ ડાકોરમાં દર્શન કરવા જાય. કેટલી ધક્કામુક્કી! એટલી ભીડમાં ઠાકરોજીનું મુખારવિંદ પણ લબકઝબક દેખાય. એના કરતાં તમે અમાસના દિવસે જાવ, દસમીને દિવસે જાવ, અડધો કલાક ઠાકોરજીનાં દર્શન નિરાંતે કરશો તો ધરાઈને ઘરે આવશો. પણ લોકો આ નહિ સમજે. કારણ બધા બહિરંગમાં જ માનનારા છે. સાધુ-સંતો પણ કરામત કરે છે. વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરે. સેંકડો યજ્ઞકુંડીઓ ગોઠવી દે. અત્યારે યજ્ઞ બિલકુલ કોમર્શિયલ થઈ ગયા છે. સાધુ-સંતોને એક-એક યજમાન દીઠ લાખો રૂપિયા જોઈએ છે. કોઈને ખોટું લાગે, પણ આ નક્કર હકીકત છે. આ પ્રમાણે તિલક કરવું, આ પ્રમાણે કંઠી પહેરવી, આ રીતની તુલસી કે રુદ્રાક્ષની માળા રાખવી, આ રીતનાં કપડાં પહેરવાં, આવી રીતની જનોઈ કે ચોટલી રાખવી, દાઢી રાખવી, આ દિવસે વ્રત કરવાં, આ દિવસોમાં ઉપવાસ કરવો, આ દિવસે મંદિરે ખાસ દર્શન કરવા જવું, આ રીતે સ્નાન કરવું, આ રીતે પૂજા-પાઠ કરવાં, આ રીતે સાધુ-સંતોને નમન કરવું, આને ન અડવું, આનાથી અભડાઈ જવાય, આ તમામ પ્રકારનાં જે વિધિવિધાનો છે તે ધાર્મિક બાહ્યાચાર છે. તિલક જુદાં જુદાં પ્રકારનાં હોય, વેષ જુદા પ્રકારના હોય, કોઈ જનોઈ પહેરે, કોઈ ચોટલી રાખે, કોઈ ચોટલો રાખે; કોઈ સાવ ન રાખે, કોઈ દાઢી રાખે, કોઈ આ દિવસે ઉપવાસ કરે, કોઈ કંદમૂળ બિલકુલ નથી ખાતા; કોઈ ચાતુર્માસમાં રીંગણાં-મૂળા નથી ખાતા. અમુક લોકો દિવસે જમે છે, રાત્રે નથી જમતા. આ બધી બાહ્યાચારની ભિન્નતા છે. પરંતુ માનવ-માનવ વચ્ચેના જે સંબંધો છે એમાં સત્યતા, નિષ્ઠા, પ્રામાણિકતા, નીતિમત્તા વગેરેમાં ભિન્નતા ન સંભવે. જેનાથી આ પ્રજા, દેશ, સમાજ ઉન્નત થાય, સુખી થાય, સમૃદ્ધ થાય, સંરક્ષિત થાય એ ધર્મ છે. આપણા દેશમાં મોટી મોટી હસ્તીઓ ધાર્મિક નેતા છે. દેશ-વિદેશમાં તેઓ ફરે છે. તેમની આસપાસ લાખો લોકો ટોળે વળે છે અને એમાં પણ મોટા મોટા હોદ્દેદારો, રાજકારણીઓ, અમલદારો, ઉદ્યોગપતિઓ, શ્રીમંતો જ હોય છે. ધાર્મિક નેતાઓ તેમને કંઠી પહેરાવે છે, પૂજા-પાઠ આપે છે, પોતાના મંદિરે આવવાના નિયમો પણ આપે છે. પરંતુ આમાંથી એક પણ ધર્મગુરુએ તેમને એવી પ્રતિજ્ઞા નહિ લેવડાવી હોય કે “તું મારી પાસે આવ્યો છે તો આજથી ભ્રષ્ટાચાર ન કરતો, તું સત્યપણે રહેજે, નીતિનું પાલન કરજે.” કારણ કે તેમને આવા સુખી માણસો પાસેથી પૈસા જોઈએ છે. તમે ગમે ત્યાંથી ચૂસીને આપો, એને જરા પણ નથી પડી. આ દેશની અંદર વડાપ્રધાનથી માંડીને સામાન્ય એવા તલાટીઓ, મંત્રીઓ દરેકે દરેક કોઈ ને કોઈ ગુરુના આશ્રિત તો છે જ. કોઈ શંકરાચાર્ય પાસે જાય છે, કોઈ સાંઈબાબા પાસે જાય છે. છતાં પણ કોઈ અંદરથી નથી બદલાયા, તેનું કારણ શું છે? જ્યાં મૂળ છે ત્યાં જ બીમારી છે. જો ધર્મગુરુઓ સુધરે તો તે હોદ્દેદારોને જરૂર સુધારે અને જો હોદ્દેદારો સુધરે તો જનતાને સુધરવું પડે. આપણા દેશમાં ધર્મનેતા અને રાજનેતાની ગાંઠ મજબૂતપણે બંધાઈ ગઈ છે. એટલા માટે એક જ સ્ટેજ પર કહેવાતી ધાર્મિકતા અને ભ્રષ્ટાચારનું હજારોની મેદનીમાં, ફૂલના ગુચ્છોથી અને તાળીઓ ગડગડાટથી સન્માન કરવામાં આવે છે. અહીં બધાને દ્રવ્ય જોઈએ છે-માન, પદ, પ્રતિષ્ઠા જોઈએ છે. ઘણા લોકો નિયમ લેતા હોય છે કે, હું ચાર મહિના દૂધ નહિ પીઉં, એક મહિનો કઠોળ નહીં ખાઉં, એક મહિનો લીલાં શાકભાજી નહીં ખાઉં. એ બધું તમારે ખાવું હોય તો પેટ ભરીને ખાજો. પરંતુ એવો નિયમ લો કે, હું ચાર મહિના હરામનું નહિ ખાઉં. તો પ્રજા સુખી થઈ જશે. [‘શું આપણે ધાર્મિક છીએ’ પુસ્તક : ૨૦૦૧]