સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય/પૂર્વે હતો હું...

From Ekatra Foundation
Jump to navigation Jump to search



પૂર્વે હતો હું કસબી કુંભાર,
મારે દિલે ખૂબ હતી ખુમારી
કે રીઝવી કોમલ માટીને હું
ધાર્યા ઉતારીશ અનેક ઘાટ.

આજે પરંતુ નવજ્ઞાન લાધ્યું
ને ગર્વ મારો ઊતરી ગયો છે:
માટી તણો એ કસબી મટીને
માટી થવાનું મુજને ગમ્યું છે.

પૂર્વે હતો હું કવિ—ને અનંતા
ગીતો ઝરંતાં મુજ લેખણેથી,
લોકો તણાં અંતર મુગ્ધ થાતાં.
આજે પરંતુ, કદીયે નહોતું
જે જાણિયું તે નવલું જ જાણ્યું;
ગીતો તણી એ રચના તજીને
પોતે બન્યો છું લઘુગીત માત્ર....

(અનુ. ઝવેરચંદ મેઘાણી)
[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૧૯૩૬]