સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/નૈં નૈં નૈં

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દેખાતું નૈં તેથી નૈં,
એ વાત ના સૈ, ના સૈ, મારા ભૈ!
દેખાતું નૈં તેથી નૈં.
દેખી દેખીને તું દેખે શું કેટલું,
દેખ્યું તે સમજે શું કૈં?
મરકટના હાથમાં મોતીડું આલ્ય એને,
કિંમત ના એની જૈં.
દેખાતું નૈં તેથી નૈં.

સંતજને કહ્યું છે કે પ્રભુ દેખાતો નથી, પણ ઘટઘટમાં પથરાયેલો અનુભવાય છે. ભગવાન દેખાતા નથી એટલે જ નથી, એમ કહેવું યોગ્ય નથી. જે ન દેખાય એ નથી જ, એવી જીદ પકડનારાઓને કવિ સુન્દરમ્ કહે છે કે એ વાત સૈ નથી,—સહી નથી, સાચી નથી. માણસ જોઈજોઈને કેટલું જોઈ શકે? એક તો એની દૃષ્ટિને જ મર્યાદા છે. એમાં વળી જેટલું એ જુએ એટલું સમજી શકે એવું થોડું બને છે? વાંદરાના હાથમાં મોતી આપો તો એની પાઈની કિંમત પણ એ ન આંકે. આપણે ક્ષણેક્ષણે અનુભવના પ્રદેશોમાંથી પસાર થતા હોઈએ છીએ, પણ એ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. આ અનુભવ વિશે એક વાર આપણે જો સજાગ બનીએ, તો ખ્યાલ આવે કે ક્ષણેક્ષણે આપણી સમક્ષ ચમત્કારો થતા રહે છે. પહેલવહેલો કાલો શબ્દ ઉચ્ચારતું બાળક, જમીનમાંથી આપોઆપ ઊગી નીકળતું તરણું, રાઈ જેવડાં બીજમાંથી પ્રકટ થતું વટવૃક્ષ, છોડ પર બેસતું ફૂલ, આકાશમાં દોરાતું મેઘધનુષ, સામે મળતો કોઈ અજાણ્યો ચહેરો... આ બધા જ ચમત્કારો છે. માત્ર એ ચમત્કારો જોવા માટેની દૃષ્ટિ જોઈએ. એટલે છેલ્લે કવિ કહે છે:

આંજણ પહેલાંની અને આંજણ પછીની આંખ
દેખ્યા દેખ્યામાં બહુ ફેર,
આંજણ મારું જો તને ખપતું અજાણ્યા જણ,
ઉતારું સહુ ઝેર.

આવી દૃષ્ટિ આપતું સદ્ગુરુનું આંજણ આંજી લેવાય તો આપણે પણ કવિની માફક કહીએ: દેખાતું નથી એટલે નથી—એ વાત તો ના સૈ, ના સૈ, મારા ભૈ.

[‘ભજનયોગ’ પુસ્તક]