સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસમુખ ગાંધી/મધ્યયુગ આથમ્યો છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શુકન-અપશુકન, દોરાધાગા, જંતરમંતર, મૂઠ, માદળિયાં અને મેલી વિદ્યાનો જમાનો હજી ગયો નથી. એક મહિલા યુનિવર્સિટીના મોટા ભાગના પુરુષ અધ્યાપકો સંતોષીમાના શુક્રવાર કરે, નેવું ટકા કૉલેજિયનો પરીક્ષાના ઉત્તરપત્રોને મથાળે પોતાના ઇષ્ટદેવનાં નામ લખે, તે પ્રજાના બૌદ્ધિક સ્તરનો નિર્દેશ કરે છે. નર્મદાના નવા પુલ ઉપરથી સવાસો વરસ પહેલાં પસાર થનાર પહેલવહેલા રેલ-એન્જિનને એક દૈત્ય ગણનારા લોકોએ માન્યું હતું કે એ રાક્ષસ નર્મદામાતાનાં જળમાં તૂટી પડશે. પણ એન્જિન જેવું પુલ ઓળંગી ગયું કે તરત એ જ લોકોએ તેને ફૂલહાર પહેરાવ્યા અને નાળિયેર વધેર્યાં! નર્મદના જમાનામાં એક માણસે ઘેર ઘેર પોસ્ટકાર્ડ લખેલાં કે અમુક દિવસે સવારે પ્રલય થવાનો છે. તે દિવસે લોકો ખભે પંચિયાં મૂકીને વહેલી સવારથી ઓટલા ઉપર મરી જવા માટે બેસી ગયા હતા. આવી જ વાતો આજે મોટા ભાગના શિક્ષિત લોકોના ગળે શીરાની જેમ ઊતરી જાય છે. સંખ્યાબંધ બાબાઓ અને ચમત્કાર કરતા સાધુઓનો રાફડો ફાટયો છે. મુંબઈની લોકલ ગાડીઓમાં શિક્ષિત ગુજરાતીઓ જે લોકપ્રિય સામયિકોનું તરસી આંખે પાન કરતા હોય છે, તે સૂચવે છે કે એક આખી પેઢી ભૂત, પ્રેત, વળગાડ, અઘોરીઓ અને વામમાર્ગીઓના અખાડામાં ઊછરી રહી છે. મુંબઈમાં જ્ઞાતિઓના મેળાવડા જે ઝડપથી ફૂલીફાલી રહ્યા છે તે જોતાં સવાલ જાગે છે કે નર્મદના જમાના કરતાં એક તસુ પણ આગળ આપણે વધ્યા છીએ ખરા? મધ્યયુગ હજી ભારતમાં આથમ્યો છે ખરો?