સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/દિલની વાતો
Jump to navigation
Jump to search
દિલની વાતો ખૂટશે ત્યારે
હાથ જોડીને હીંડતા થશું;
ઊડતો બેડો ઝૂકશે, ત્યારે
કોઈ તો કેડો ચીંધતા જશું!
પગની રોનક ઓસરે તો યે
નાચવું, એમાં માનીએ નહિ!
થાકતે હાથે કોઈ દી અમે
બૂંગિયો ઢોલ બજાવીએ નહિ.
આપણે કર્યું, અદકું એથી
કરશે બીજાં: શીખતા જશું!
આભના તારા મલકે હજી,
આંખના છેડા છલકે હજી,
એકની પાછળ એક સલૂણી
ગીતની કડી આવતી હજી;
એ જ અધૂરપ માણશું, અમે
એ જ મધુરપ સીંચતા થશું!
વેળ હતી, ને આવિયા અમે,
વેળ થઈ છે: હીંડતા થશું;
મળિયાં એવાં દિલ અહીં કે
મ્હેક બધે એ ચીંધતા જશું!
[‘કુમાર’ માસિક: ૧૯૭૫]