સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હિમાંશી શેલત/જાગતાં જણ કેટલાં?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતના જાહેર જીવનના સ્વાસ્થ્યની સાથે જેમને જરા સરખી પણ નિસ્બત હોય એમણે અત્યારે ચૂપ રહેવાનું જોખમ લેવા જેવું નથી. હા, અત્યારે ચૂપ રહેવું એ એક જોખમ છે. ગુજરાત અસહિષ્ણુ બનતું જાય છે, કહો કે બની ગયું છે. તમારે નામે, આપણે નામે, લોકશાહીને લજવે એવી ટોળાંશાહી ગુજરાતને પગ તળે કચરી રહી છે. પરિણામે સમગ્ર પ્રજા ઝનૂની, નાદાન, વિચારવિહોણી અને ભયજનક રીતે અસહિષ્ણુ હોવાની છાપ દેશભરમાં ઊપસી રહી છે, જે વાસ્તવમાં સાચી નથી. જેમને આ બેફામ વર્તનનો વિરોધ હોય તેમણે મૌન તોડવું પડે, અને સ્પષ્ટ બોલવું પડે. મૌનને પણ સંમતિલક્ષણ ગણવામાં આવે છે, તે યાદ રહે. ગુજરાતના આ વલણ સામે સોલી સોરાબજીએ જે જોખમોનો નિર્દેશ કર્યો છે તેની સામે આપણે લાપરવાહ રહેવા જેવું નથી. એમનો મુદ્દો એકદમ સંગીન છે. સમજદાર અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યમાં વિશ્વાસ રાખનારી પ્રજા જો નાનાં-નાનાં જૂથોની જોહુકમી સ્વીકારી લેશે તો ભવિષ્યમાં ટોળાંની સંમતિ વગર કોઈ પણ કલાકાર, લેખક યા જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત નહીં કરી શકે. જો તમે અમારી સાથે નથી, તો અમારી વિરુદ્ધમાં છો અને તેથી માર ખાવાને પાત્ર છો, એવો ઉદ્દંડ અભિગમ વિચાર-શૂન્યતાનું સીધું પરિણામ છે. વર્ષો પહેલાં એક તમિલ ફિલ્મની રજૂઆત સમયે કંઈક આવો જ વિવાદ ઊભો થયો હતો. તે વખતે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો પણ સોલી સોરાબજીએ યાદ દેવડાવ્યો છે. આ ચુકાદા મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતા જળવાય તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર પોતાની અશક્તિ જાહેર કરી શકે નહીં. આ સ્વતંત્રતા સચવાય એ જોવાનું સરકાર માટે ફરજિયાત છે. જે ફિલ્મ પાસે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર છે, એ કોઈને પણ જોવી હોય તો એ જોવાનો તે વ્યક્તિને અધિકાર છે. ધાકધમકીથી, ટોળાંના દબાણથી, દેખાવોના ડરથી, કે કાયદા-વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થશે એવી દહેશતથી સરકાર આવી પરિસ્થિતિમાં દરમિયાનગીરી ન કરે, તો એ અપરાધ છે. ફિલ્મના કલાકારે કે ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય કોઈએ પ્રજાની લાગણીને ઠેસ પહોંચાડી છે, એમ જો કોઈકને લાગતું હોય તોપણ એ પ્રજા અને ફિલ્મની રજૂઆતની વચ્ચે આવી ન શકે. જો પ્રજાને એવો મોટો આઘાત લાગ્યો હોય તો એ સ્વયં ફિલ્મનો બહિષ્કાર કરી જ શકે છે. આ એની સ્વતંત્રતા છે. જેમ ફિલ્મ ન જોવી એ એની મરજીની વાત છે, તેમ ફિલ્મ જોવી એ પણ એની મરજીની જ બાબત છે. ફિલ્મ પાસે સેન્સરનું પ્રમાણપત્ર છે, ત્યાં જ પૂર્ણવિરામ આવી જાય છે. ફિલ્મ ન જોવા અંગે અનુરોધ કરી શકાય, લેખો લખી શકાય, ચર્ચા કરી શકાય, પણ થિયેટર પર તોડફોડ કરીને આતંક ફેલાવી ન જ શકાય. અભિનેતાએ વ્યક્ત કરેલા વિચારો એના પોતાના છે, એને ફિલ્મ સાથે બિલકુલ સંબંધ નથી, ત્યારે કોઈ પણ જૂથનું આવું દબાણ શી રીતે ચલાવી લેવાય? ગુણવંતી ગુજરાત-ગાંધી-સરદાર, નર્મદ-મેઘાણીની ગુજરાત પાસે જે કંઈ ડહાપણ બચ્યું હોય, અને હજી સુધી રાજકીય હઠાગ્રહ કે સંકુચિતતાની ઝાળ એને ન લાગી હોય, એ ડહાપણનો વ્યવહારમાં ઉપયોગ કરવાનો આ સમય છે. સાહિત્યની ઉપાસના, કલાની સાધના, કાવ્યતત્ત્વનું સેવન, રંગભૂમિનો ભેખ, સેવાનું તપ, આમાંનું કશું જ ગુજરાતને અજાણ્યું નથી. પણ અત્યારે તો ગુજરાત એટલે ઝનૂન અને ટોળાંશાહી, વિચારહીન વર્તન અને અપરિપક્વતા, અસહિષ્ણુતા અને નિરંકુશ વ્યવહાર, એવો જ સંદેશ ફેલાવવામાં આપણે સહુ જવાબદાર છીએ. ગુજરાતની પ્રજાનું આ ચિત્ર ઊભું કરવામાં પાંચ કરોડમાંથી કેટલાં ગુજરાતીઓને રસ છે એ તો જાણીએ! ‘ફના’ કે ‘રંગ દે બસંતી’ ફિલ્મના વિરોધ નિમિત્તે તો અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે આપણે કેટલાં જાગ્રત છીએ એટલું જ બહાર આવ્યું છે. આપણે ઉઘાડાં પડ્યાં છીએ. વાત સીધી અને સાફ છે. જેને આમીરખાનની ફિલ્મ ન જોવી હોય તે ન જુએ, એ એની સ્વતંત્રતા છે. આખીયે પ્રજા વતી જેમ ફાવે તેમ બોલવા-વર્તવાનો હક કોઈ જૂથને ન અપાય. આજે જે વ્યક્તિની બાબતમાં બની રહ્યું છે તે કાલે કોઈ સંસ્થા, કાર્યક્રમ, સાહિત્યકૃતિ, નાટક કે કાવ્ય સંદર્ભે પણ બની જ શકે. પ્રશ્ન ન્યાય અને કાયદાનો છે, અભિપ્રાય-સ્વાતંત્ર્યનો છે. સર્જકો, ચિંતકો, વિચારકો, સંસ્કારધારકો અને શાણા નાગરિકોએ પોતાના અભિગમ વિશે મુખર થવાની આ ક્ષણ છે. આપણું અસ્તિત્વ કયાં મૂલ્યોના પ્રસાર-પ્રચાર માટે છે? એવો સવાલ ગુજરાતની કલા-સાહિત્ય સાથે સંકળાયેલી સર્વ સંસ્થાઓએ કરવો પડશે. ખરેખર તો આ અસ્મિતાની કટોકટી છે. જોઈએ કે જાગતાં જણ કેટલાં છે! [‘ખોજ’ બેમાસિક : ૨૦૦૬]