સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેમંતકુમાર શાહ/રાજકારણનું કંપનીકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગ્રાહક સુરક્ષાની ચળવળના પ્રણેતા અમેરિકાના રાલ્ફ નાડરે કહ્યું છે કે, સરકાર આજે ઉદ્યોગધંધા ક્ષેત્રના એજન્ટ જેવી બની ગઈ છે. લોકો ભલે તેમના પ્રતિનિધિઓને સંસદમાં ચૂંટીને મોકલતા હોય, પણ અમેરિકામાં સરકાર તો કંપનીઓ કહે છે તે જ કરે છે. શું આ પરિસ્થિતિ માત્ર અમેરિકાની છે? ના, આ પરિસ્થિતિ લગભગ બધા જ દેશોની છે. ભારતમાં આ કે તે ઉદ્યોગપતિ કે ઉદ્યોગગૃહ સરકાર પર પ્રભાવ પાડતા રહ્યા છે. અનેક વખત પ્રસાર માધ્યમોમાં આવતા સમાચારો એમ સૂચવે છે કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ કે તે કંપનીને ફાયદો કરી આપવા માટે નિયમો, નિયમનો, કાનૂનો વગેરે ઘડે છે, બદલે છે અથવા રદ કરે છે. આ બાબત તો તમામ રાજકીય પક્ષોને લાગુ પડે છે. માત્ર ૧૩ દિવસ ટકેલી કેન્દ્રની અટલ બિહારી વાજપેયીની સરકારે અમેરિકન કંપની એનરોનના પ્રોજેક્ટની બહાલી આપી હતી એ યાદ છે ને? દેશની અને દુનિયાના અર્થતંત્રની આ હકીકતો એમ દર્શાવે છે કે દુનિયામાં બધે જ અર્થસત્તાનું કેન્દ્રીકરણ તે થોડીક કંપનીઓ અને એ કંપનીઓના માલિકો એવા થોડાક લોકોના હાથમાં થઈ રહ્યું છે. આ લોકો જ રાજકીય નિર્ણયો પર પ્રભાવ પાડે છે. એટલે સત્તા ગમે તે રાજકીય પક્ષની આવે, તેનો કશો ફેર આ કોર્પોરેટ માંધાતાઓને પડતો નથી. ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણનો જે માહોલ ભારતમાં અને દુનિયાભરમાં ઊભો થયો છે, તેમાં તો આ પ્રક્રિયા વધારે વેગવાન બની છે. રાજકારણનું કંપનીકરણ વધારે પ્રમાણમાં થાય એવી શક્યતાઓ જ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિ ખતરનાક છે. પરંતુ ટેક્નોલોજી જ એવા પ્રકારની છે કે જેમાં જંગી રોકાણની જરૂર પડે, ઉત્પાદન માટે મોટા ઉદ્યોગો જ જોઈએ, પછી એ બધાનું રક્ષણ કરવાને માટે લશ્કર પણ જોઈએ અને લશ્કર હોય તો યુદ્ધો પણ થાય. આ એક જબરદસ્ત સાંકળ છે. આ સાંકળને ક્યાંથી તોડવી, કેવી રીતે તોડવી અને શાંતિની સાંકળનું સર્જન કેવી રીતે કરવું, તેની મથામણ કરવી જરૂરી છે. આ મથામણ જ ના કરી શકાય એવું વાતાવરણ થઈ ગયું છે. વૈશ્વિકીકરણની સામે કશું પણ બોલવું, એ તો જાણે કે ફોજદારી ગુનો બની ગયો છે! ‘બિયોન્ડ ધ બોટમ લાઇન’ નામના પુસ્તકમાં માઇકલ સ્મિથ નામના લેખક લખે છે કે ૧૯૯૯માં દુનિયાની ત્રણ ધનવાન વ્યકિતઓ પાસે એટલી સંપત્તિ હતી કે જેટલી દુનિયાના સૌથી ગરીબ ૩૪ દેશોની આવક હતી! બીજી તરફ, દુનિયાના ૧૨૦ કરોડ લોકો એવા છે કે જેઓ માંડ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. જે કંપનીઓ સમાજ પાસેથી આવક રળે છે, એમની સમાજ પ્રત્યે કોઈ જવાબદારી ખરી કે નહીં? કંપનીઓ બગીચા બનાવે છે, ફુવારા બનાવે છે, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ઊભી કરે છે અને પોતે સામાજિક સેવા કરી હોવાનો સંતોષ લે છે; પરંતુ આ જ કંપનીઓ પોતાના મજૂરોનું ભયંકર શોષણ કરે છે, તેઓ ગરીબીમાં સબડતા હોય તો સહેજે પરવા કરતી નથી અથવા તો ગ્રાહકોના હિત કે આરોગ્યની કે પર્યાવરણના નુકસાનની ચિંતા કરતી નથી. ગુજરાતીમાં કહેવત છે: ‘એરણની ચોરી ને સોયનું દાન’. મોટા ભાગની કોર્પોરેટ સખાવતો આ પ્રકારની હોય છે અને એ કંપનીઓના માંધાતાઓ મહાન દાનેશ્વરી કહેવાતા હોય છે. વાસ્તવમાં, ગરીબી કે અસમાનતા દૂર કરવામાં કે પર્યાવરણને બચાવવામાં કે સમાજને સમરસ બનાવવામાં કંપનીઓની કોઈ વિધાયક ભૂમિકા હોતી નથી. કંપનીઓની જવાબદારી માત્ર વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરીને વેચવાની છે? કઈ રીતે તે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે વેચાય છે અને વાપરનાર પર તથા સમગ્ર સમાજ પર તેની શું અસર થાય છે, એ વિચારવાની જવાબદારી કંપનીઓની નથી? [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૫]