સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેલન કેલર/જીવનચિત્રોની માળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યુનાઇટેડ સ્ટેઇટ્સના આલાબામા રાજ્યમાં આવેલા ટસ્કુંબીઆ નામના એક નાનકડા ગામમાં ૧૮૮૦ના જૂન માસની ૨૭ તારીખે હું જન્મી હતી. જે માંદગીએ મારાં આંખ અને કાનની શક્તિ હરી લીધી, તે આવતાં સુધી હું એક નાનકડા ઘરમાં રહેલી. દ્રાક્ષ, ગુલાબ અને ‘હનીસકલ’ના વેલાઓથી એ ઘર આખું આચ્છાદિત રહેતું; તે એક લતામંડપ જેવું જ લાગતું; ગુંજતાં પક્ષીઓ અને મધમાખીઓનું તે પ્રિય ધામ હતું. એનો બાગ મારે માટે બાળપણમાં સ્વર્ગ સમાન હતો. ફૂલોના એ બાગમાં સુખચેનમાં રખડવાનો કેવો આનંદ આવતો હતો!

*

દરેક બાળકની જેમ મારા જીવનની શરૂઆત સાદી-સરળ હતી. કુટુંબમાં પહેલા ખોળાના બાળકનું હંમેશ હોય છે તેમ, આવતાંવેંત મેં બધાંનાં મન હરી લીધાં. પણ મારા સુખી દહાડા બહુ લાંબા ન પહોંચ્યા. રોબીન તથા બીજાં પક્ષીઓથી સંગીતમય બનેલી એક ટૂંકડી વસંત, ગુલાબ અને ફળોથી ભરચક એક ઉનાળો, નારંગી ને સુવર્ણરંગી એક પાનખર ઋતુ : આ ત્રણે આવતાંકને ઝપાટામાં પસાર થઈ ગયાં, આતુર આનંદિત બાળક આગળ એમની વિભૂતિઓ મૂકતાં ગયાં. પછી અણગમતો ફેબ્રુઆરી માસ આવ્યો અને મને અંધાપો ને બહેરાશ આપનાર માંદગી આવી, જેણે મને પાછી નવા જન્મેલા બાળકના જેવા અજ્ઞાન અંધારામાં પટકી દીધી. પેટ અને મગજ પર જોરથી લોહી ચડી આવ્યું, એમ બધા કહેતા. દાક્તરને લાગતું કે હું જીવવાની નથી. પરંતુ એક દિવસ સવારના તાવ જેવો આવ્યો હતો તેવો ગુપચુપ ને ઓચિંતો ઊતરી ગયો! એ સવારે તો આખું કુટુંબ ખૂબ આનંદમાં આવી ગયું. પરંતુ દાક્તર સુધ્ધાં કોઈને ખબર ન પડી કે હવે પછી ફરી કદી હું જોઈ કે સાંભળી શકવાની નહોતી. મને આવરી રહેલાં નીરવતા અને અંધકારથી હું ધીમે ધીમે ટેવાઈ ગઈ, અને એનાથી ભિન્ન દશા મારી કદીય હતી એ આશંકા પણ ન રહી. આ મારી કેદ મને મારાં મુક્તિદાયી ગુરુ મળ્યાં ત્યાં સુધી ચાલી. પણ મારા જીવનના પ્રથમ ઓગણીસ માસમાં જે વિસ્તીર્ણ હરિયાળાં ખેતરો, પ્રકાશવંતું આકાશ તથા ઝાડ ને ફૂલ જોયેલાં તે બધાંની ઝાંખી આ પાછળથી આવનાર અંધકાર સાવ ભૂંસી શક્યો નથી.

*

આ મારી માંદગી પછી તરતના થોડા માસમાં શું બન્યું એ વિશે કાંઈ યાદ આવી શકતું નથી. આટલી જ ખબર છે કે હું મારી બાના ખોળામાં બેસતી, અથવા ઘરકામ કરતી તે આમતેમ ફરતી હોય ત્યારે તેનાં કપડાંને વળગી રહેતી. મારા હાથ દરેક ચીજને સ્પર્શી જોતા અને હરેક જાતના હલનચલન પર ધ્યાન રાખતા. અને આ રીતે હું ઘણી ચીજોને ઓળખતાં શીખી હતી. પછી મને બીજાં સાથે કાંઈક સંસર્ગમાં આવવાની જરૂર જણાવા લાગી; અને મેં ખોટીખરી સૂઝી એવી નિશાનીઓ કરવા માંડી. માથું ધુણાવું એનો અર્થ “ના” અને સ્વીકારસૂચક હલાવું એનો અર્થ “હા”. ખેંચવાની ક્રિયાથી “આવો” અને ધકેલવાની ક્રિયાથી “જાઓ” એમ સમજાવતી. રોટી જોઈતી હોય તો તે કાપવાની અને તેને માખણ લગાવવાની નિશાની કરું. “આઇસક્રીમ બનાવ”, એમ બાને કહેવું હોય તો સંચો ફેરવવાની ક્રિયા બતાવીને, ઠંડક સૂચવવા ધ્રૂજું. ઉપરાંત, મારી માતાએ પણ મને ઘણું શીખવ્યું હતું. એને ક્યારે શું જોઈએ છે તે હું હંમેશ જાણી લેતી અને માળ પર કે બીજે જ્યાં કહે ત્યાં દોડીને તે લઈ આવતી. મારે માટેની એ લાંબી રાત્રીના અંધકારમાં જે કાંઈ ઉજ્જ્વળ અને પ્રિયકર હતું તે બધું મારી માતાનાં પ્રેમ અને ડહાપણને જ આભારી હતું. મારી આસપાસ જે કાંઈ બનતું તેમાંનું ઘણું હું સમજતી. પાંચ વર્ષની થઈ ત્યારે ધોવાઈને કપડાં આવે તે વાળી-ગોઠવીને મૂકતાં મને આવડતું, અને એમાંથી મારાં કપડાં હું ઓળખી લેતી. મારી બા કપડાં બદલે તેની રીત પરથી હું જાણી જતી કે તે બહાર જાય છે, ને મને સાથે લઈ જવા હું અચૂક એને આજીજી કરતી. બીજા લોકથી હું ભિન્ન છું એ ભાન પ્રથમ મને ક્યારે થયું, તે યાદ નથી. પણ મારાં શિક્ષિકા મને મળ્યાં તે પહેલાં મેં એ જાણેલું. એટલું મારા ધ્યાનમાં આવ્યું હતું કે બીજાંને કાંઈ કહેવું કરવું હોય ત્યારે મારી બા કે મારા મિત્રો મારી જેમ નિશાનીઓ નહોતાં કરતાં, પરંતુ મોઢા વતી વાત કરતાં હતાં. તે દિવસોમાં મારાં નિત્યનાં સોબતી બે હતાં : અમારા હબસી રસોયાની માર્થા નામની એક નાની છોકરી, અને ચોકી કરનારી ઘરડી કૂતરી બેલ્લી. માર્થા મારી નિશાનીઓ સમજતી, એટલે એની પાસે ઇચ્છા પ્રમાણે કામ લેતાં મને ભાગ્યે જ મુશ્કેલી પડતી. એની ઉપર હુકમ ચલાવવામાં મને આનંદ આવતો. હું ને માર્થા ઘણો વખત રસોડામાં ગાળતાં. ત્યાં અમે કણક કેળવીએ, કોફી દળીએ, આઇસક્રીમ બનાવવામાં મદદ કરીએ, અને રસોડાનાં પગથિયાં પાસે ટોળે વળતી મરઘીઓને ચણ આપીએ. દાણો ભરવાની વખારો, ઘોડાના તબેલા અને સાંજ-સવાર જ્યાં દૂધ દોવાતું તે ગાયોનો વાડો-આ સ્થાનો માર્થા અને મારે માટે અચૂક આનંદનાં ધામ હતાં. લાંબા વખત સુધી હું મારી નાની બહેન વિશે એમ જ માનતી કે એ વગર હકે ઘરમાં ઘૂસી ગઈ છે. મને એટલી ખબર પડી ગઈ હતી કે હવે હું એકલી જ મારી માની વહાલસોયી નથી રહી, અને એ વિચારથી મને ઈર્ષા ઊપજતી. અગાઉ હું જ્યાં બેસતી તે મારી માના ખોળામાં હવે તે નિત્ય બેસી રહેતી, અને માનો બધો સમય એની જ કાળજી રાખવામાં વીતતો હતો એમ મને લાગતું.

*

દરમિયાન, મનની વાત પ્રગટ કરવાની મારી ઇચ્છા વધતી ગઈ. તેમ કરવાને સારુ જે થોડીક નિશાનીઓ હું ઉપયોગમાં લેતી, તે વધારે ને વધારે અપૂરતી થતી જતી હતી. સામા માણસને મારું મનોગત સમજાવવામાં અફળ નીવડું તો અચૂક હું ભારે ક્રોધાવેશમાં આવી જતી. મને એમ લાગતું કે જાણે અદૃશ્ય રીતે કોકના હાથ મને પકડી રાખે છે, અને તેમાંથી છૂટવા હું ગાંડી થઈને પ્રયત્ન કરું છું. હું છૂટવા મથતી ખરી, પણ તેથી કાંઈ વળતું ન હતું. પણ મારી પ્રતિકારવૃત્તિ ઘણી પ્રબળ હતી. પરિણામે સામાન્યત : હું રુદન અને શરીરશ્રમથી ભાંગી પડીને લોથ થઈ જતી. થોડા વખત પછી, સંસર્ગના કશા પણ સાધનની જરૂર એટલી બધી તીવ્ર થઈ કે આવા આવેગના બનાવો રોજ, કોઈ વાર તો કલાકે કલાકે, બનતા. મારાં માતાપિતાને આથી અપાર દુઃખ થતું ને એ મૂંઝાતાં. આંધળાં કે બહેરાંની એક પણ શાળાથી અમે બહુ દૂર રહેતાં હતાં, અને આંધળા તેમ જ બહેરા એવા બેવડા અપંગ બાળકને, ધોરી માર્ગથી આઘા આવેલા એવા ટસ્કુંબીઆ ગામમાં, કોઈ પણ શિક્ષક ભણાવવા આવે, તે અસંભવિત લાગતું હતું. ડિકન્સની ‘અમેરિકન નોટ્સ’ નામની ચોપડી, એ જ મારી માતાનું એકમાત્ર આશાકિરણ હતું. એમાં કર્તાએ આપેલું લોરા બ્રિજમેનનું વર્ણન એણે વાંચેલું. એમાંથી એને ઝાંખું ઝાંખું એ યાદ હતું કે તે બાઈને, બહેરી અને અંધ હોવા છતાં, કેળવણી અપાયેલી. પરંતુ એની સાથે તેને એ પણ યાદ હતું કે આંધળાં ને બહેરાં માટે શિક્ષણપદ્ધતિ શોધનારા ડો. હાઉ ઘણાં વર્ષ ઉપર ગુજરી ગયા હતા. આથી એને નિરાશાથી દુઃખ થતું-કદાચ એમની શિક્ષણપદ્ધતિ એમની સાથે જ દફનાઈ ગઈ હોય; અને એમ ન બન્યું હોય તોય આલાબામાના દૂર ખૂણેખાંચરે આવેલા ગામની એક નાની છોકરી એનો લાભ કેમ કરીને લેવાની હતી! હું છ વર્ષની હતી ત્યારે મારા પિતાએ બાલ્ટીમોરના એક પ્રખ્યાત આંખના દાક્તર વિશે સાંભળ્યું. નિરાશ થવા જેવા કેસોની અંદર પણ આ દાક્તર ફાવ્યા હતા. આ પરથી મારી આંખોનું કાંઈ થઈ શકે કે કેમ એ તપાસવા, મારાં માતાપિતાએ તરત એમની પાસે મને લઈ જવાનો નિર્ણય કર્યો. બાલ્ટીમોરની મુસાફરી મને બરાબર યાદ છે. એમાં મને ખૂબ મજા પડી હતી. ગાડીમાં મેં ઘણાં જોડે મૈત્રી બાંધી હતી. એક સ્ત્રીએ મને શંખલાંની પેટી આપી. મારા પિતાએ એ શંખલાંમાં કાણાં પાડી આપ્યાં, જેથી હું તેનો હાર બનાવી શકતી. આ શંખલાંથી રમવામાં ઘણા વખત સુધી મને આનંદ અને સંતોષ મળતો રહ્યો. ગાડીનો ટિકિટ-કલેક્ટર પણ ભલો માણસ હતો. જ્યારે એ ડબ્બાઓમાં ફરવા નીકળતો ત્યારે ઘણી વાર હું એના કોટનો પાછલો છેડો ઝાલીને સાથે જતી, અને એ એનું ટિકિટોને ટાંકવાનું કામ કર્યે જતો. એના ટાંકણાથી તે મને રમવા પણ દેતો. એ મજેદાર રમકડું હતું. બેઠકના એક ખૂણામાં ગોચલું વળીને બેઠી બેઠી હું કલાકો સુધી એની વડે પત્તાના ટુકડાઓમાં મજાનાં કાણાં પાડવામાં આનંદતી. એ આખી મુસાફરીમાં મને એકે વાર ક્રોધનો આવેશ આવ્યો નહોતો : મારાં મગજ અને આંગળીઓને કામમાં રોકાયેલાં રાખવા માટે પૂરતી વસ્તુઓ મને મળી હતી. અમે બાલ્ટીમોર પહોંચ્યાં ત્યારે ડો. ચિઝમે અમને મમતાપૂર્વક સત્કાર્યાં. પણ મારે માટે એ કશું કરી શકે એમ નહોતા. એમણે એટલું કહ્યું કે મને કેળવણી આપી શકાશે, અને મારા પિતાને સલાહ આપી કે વોશિંગ્ટનના ડો. એલેકઝાંડર ગ્રેહામ બેલને મળો; તેઓ આંધળાં કે બહેરાં બાળકોની શાળા ને શિક્ષકો વિશે માહિતી આપી શકશે. આ સલાહને આધારે અમે ડો. બેલને મળવા તરત વોશિંગ્ટન ઊપડ્યાં. તે વેળા મારા પિતાના હૃદયમાં અનેકાનેક શંકાજન્ય ભય અને વિષાદ હતાં. પણ મને તો તેમના એ દુઃખની બિલકુલ ખબર નહોતી-એક જગ્યાએથી બીજે ફરવાની ઉત્તેજનાના આનંદમાં જ હું તો મગ્ન હતી. કેટલાંય હૃદયોને જેના મૃદુલ ને સંવેદનશીલ સ્વભાવે પ્રેમથી જીતી લીધાં છે અને જેનાં અદ્ભુત કાર્યોએ તેવું જ ભારે માન મેળવ્યું છે, એવા ડો. બેલનો એ સ્વભાવ મારા જેવા બાળકે તરત જોઈ લીધો. એમણે મને ખોળામાં બેસાડી ને હું બેઠી બેઠી તેમનું ઘડિયાળ તપાસતી હતી. મને એમણે તેના ટકોરા વગાડી બતાવ્યા; મારી નિશાનીઓ તે સમજતા, એ મેં જાણ્યું ને તરત મને તેમના પર હેત આવ્યું. પરંતુ આ મુલાકાત મારે માટે તમસમાંથી જ્યોતિમાં જવાનું, એકલપણામાંથી મિત્રતા, સોબત, જ્ઞાન, પ્રેમ પ્રાપ્ત કરવાનું દ્વાર બનશે એવું મને સ્વપ્ને પણ નહોતું. બોસ્ટનની પર્કીન્સ સંસ્થામાં ડો. હાઉએ આંધળાંના ઉદ્ધાર માટે ભારે જહેમત ઉઠાવેલી. ડો. બેલે મારા પિતાને સલાહ આપી કે, તમે એના નિયામકને લખો ને પૂછો કે આ તમારી દીકરીને કેળવણી આપી શકે એવો કોઈ શિક્ષક એમની પાસે છે? તરત મારા પિતાએ ત્યાં લખ્યું અને થોડાં અઠવાડિયાંમાં, શિક્ષક મળી ગયાની શાંતિદાયી ખાતરી આપનારો પત્ર આવ્યો. સન ૧૮૮૬ના ઉનાળાની આ વાત. આમ હું મારા અંધકારમાંથી નીકળી પ્રકાશધામ આગળ આવીને ઊભી, અને ત્યાં કોઈ દિવ્ય શક્તિએ મારા આત્માને સ્પર્શીને એને પ્રજ્ઞાચક્ષુ આપ્યાં, જે વડે મેં ઘણા ચમત્કારો પછી જોયા.

*

મારી જંદિગીમાં વધારેમાં વધારે મહત્ત્વનો દિવસ મને યાદ છે તે એ કે જે દિવસે મને મારાં શિક્ષિકા, મિસ સલિવન આવી મળ્યાં. જે બે પ્રકારનાં જીવનને આ દિવસ સાંકળે છેે એની વચ્ચેના અમાપ ભેદનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે આશ્ચર્યચકિત થાઉં છું. તે દિવસ ૧૮૮૭ના માર્ચની તા. ૩ હતી. ત્યારે મને સાતમું વર્ષ પૂરું થવામાં ત્રણ માસ બાકી હતા. તે દિવસે સાંજે હું ચૂપચાપ પણ આકાંક્ષિત ચિત્તે ખડકી પર ઊભી હતી. મારી માતાની નિશાનીઓ અને ઘરમાં આમતેમ થતી હરફર પરથી મેં આછું અનુમાન બાંધેલું કે આજે કાંઈક અસામાન્ય બનવાનું છે. એટલે હું બારણે જઈ પગથિયાં પર આતુરતાથી ઊભી હતી. સાંજનો સૂર્યપ્રકાશ ખડકી પર પથરાયેલી ‘હનીસકલ’ની લતાના ઝંુડને ભેદીને મારા ઊંચે જોતા ચહેરા પર પડતો હતો. મને પરિચિત એવાં તેનાં પાંદડાં પર ફરતી મારી આંગળીઓ, લગભગ અજાણપણે, એમની ઉપર ઠરી જતી હતી. શી અદ્ભુતતા કે આશ્ચર્ય ભવિષ્ય મારે માટે લાવી રહ્યું છે, એ હું જાણતી નહોતી. ઘાડ ધૂમસમાં તમે કદી દરિયાઈ મુસાફરી કરી છે? તે વેળા જાણે તમે સ્પષ્ટ દેખાતા ધવલ અંધકારમાં આવરાયેલા હો; અને ચિંતામગ્ન વહાણ પાણી માપતું માપતું કિનારા તરફનો રસ્તો શોધતું જતું હોય; અને ધબકતે હૈયે, હવે શું થાય છે એ જોવા તમે આતુર હો-આવું કદી અનુભવ્યું છે? મારી કેળવણીની શરૂઆત થતાં પહેલાં, એ વહાણ જેવી મારી દશા હતી. મારા આત્મામાંથી આ જ અશબ્દ પ્રાર્થના નીકળતી હતી : “તમસો મા જ્યોતિર્ગમય, તમસો મા જ્યોતિર્ગમય.” અને તે જ ઘડીએ મારે માટે પ્રેમળ જ્યોતિ પ્રગટી… કોઈકના આવવાનો પગરવ મને લાગ્યો. એ મારી માતા છે, એમ ધારી મેં મારો હાથ આગળ પસાર્યો. કોઈકે તે ઝાલ્યો, મને ઊંચકી લીધી; અને જેઓ વસ્તુમાત્ર પરનો મારો અંધકારપટ દૂર કરવા આવ્યાં હતાં,-ના, બધી વસ્તુઓ કરતાંય વધારે મહત્ત્વનું-જે મારા ઉપર પ્રેમ વરસાવવા આવ્યાં હતાં, એમણે મને પોતાની બાથમાં લીધી. મારાં ગુરુ આવ્યાં એને બીજે દિવસે સવારે તે મને પોતાના ઓરડામાં લઈ ગયાં, અને મને એક ઢીંગલી આપી. થોડો વખત હું એની સાથે ખેલી. પછી મિસ સલિવને ધીમેથી મારા હાથમાં ‘ઢીં…ગ…લી’ શબ્દ લખ્યો. એમ આંગળીઓથી રમવામાં તરત મને મજા પડી અને હું તેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવા લાગી. છેવટે જ્યારે એ અક્ષરો બરાબર લખતાં આવડી ગયા ત્યારે મારાં બાલોચિત આનંદ અને અભિમાનનો પાર ન રહ્યો. નીચે મા પાસે દોડી જઈને મેં મારો હાથ ઊંચો કર્યો અને ‘ઢીંગલી’ શબ્દ લખ્યો. મને ખબર નહોતી કે હું એક શબ્દની જોડણી લખતી હતી, અથવા તો શબ્દો જેવી કોઈ વસ્તુ જ હતી. હું તો, વાંદરાની પેઠે, વગર સમજ્યે, માત્ર નકલ કરતી જતી હતી. આવી અણસમજમાં પછીના દિવસોમાં હું બીજા ઘણા શબ્દો લખતાં શીખી-‘ટાંકણી’, ‘ટોપી’, ‘પ્યાલો’, ‘બેસવું’, ‘ચાલવું’ વગેરે.

*

એક દહાડો, જ્યારે હું મારી નવી ઢીંગલી જોડે રમતી હતી ત્યારે મિસ સલિવને ચીંથરાંની બનાવેલી મારી મોટી ઢીંગલી પણ મારા ખોળામાં મૂકી અને ‘ઢીં…ગ…લી’ એમ લખ્યું, અને ‘ઢીંગલી’ હસ્તાલેખ એ બેયને લાગુ પડે છે એમ મને સમજાવવા પ્રયત્ન કર્યો. તે દિવસે આ પહેલાં અમારે બેને ‘જ…ળ…પા…ત્ર’ અને ‘પા…ણી’ એ શબ્દો પર ઝઘડો થયો હતો. મિસ સલિવન મને એમ ઠસાવવા મથતાં હતાં કે ‘જ…ળ…પા…ત્ર’ એટલે જળપાત્ર અને ‘પા…ણી’ એટલે પાણી. પરંતુ હું એ બે વચ્ચે ગોટાળો કર્યા જ કરતી. ગુરુજીએ મારી ટોપી મને આણી આપી, એથી હું સમજી ગઈ કે હવે હૂંફાળા સૂર્યપ્રકાશમાં મારે ફરવા જવાનું હતું. આ વિચારે મને આનંદથી નાચતી કરી મૂકી. જળાગાર પર હનીસકલની લતા પથરાયેલી હતી. તેની સુગંધથી આકર્ષાઈ અમે તે તરફને રસ્તે વળ્યાં. ગુરુજીએ પાણીની ધાર નીચે મારો એક હાથ લઈને ધર્યો; અને તેની પર થઈ પાણી વહી જતું હતું એની સાથોસાથ બીજા હાથ પર તેમણે ‘પાણી’ શબ્દની જોડણી લખી. શરૂઆતમાં ધીમે ધીમે લખી, પછી એ ઝપાટાબંધ લખવા લાગ્યાં. બધું ધ્યાન એમની આંગળીઓના હલનચલન પર એકાગ્ર કરીને હું સ્તબ્ધ ઊભી હતી. ઓચિંતું અને અગમ્ય રીતે મને ભાષાનું ગૂઢ રહસ્ય પ્રત્યક્ષ થયું : તે વખતે મને ખબર પડી કે ‘પા…ણી’નો અર્થ મારા હાથ પરથી વહેતો ચમત્કારી ઠંડો પદાર્થ. એ જીવંત શબ્દે મારા આત્માને જાગ્રત કર્યો; એમાં પ્રકાશ, આશા અને આનંદ રેડાયાં-એને મુક્ત કર્યો. હજીય મારે બંધનો હતાં એ ખરું; પણ હવે એ બધાં અમુક વખતમાં ઉકેલી નાખી શકાય તેવાં હતાં. ભણવાની આતુરતા લઈને હું જળાગારથી નીકળી. વસ્તુમાત્રને નામ હતું, અને દરેક નામ નવો વિચાર જન્માવતું હતું. ઘેર પાછાં જતાં રસ્તામાં જેને હું અડકું તે દરેક ચીજ જીવનથી તરવરતી લાગતી હતી. તે દિવસે હું ઘણા નવા શબ્દો શીખી. તે ક્રાંતિકર દિવસને અંતે મારી પથારીમાં પડી પડી, દિવસ દરમિયાન અનુભવેલા આનંદો હું વાગોળતી હતી ત્યારનો મારો સુખાસ્વાદ ભાગ્યે જ બીજા કોઈ બાળકનો હશે. જીવનમાં પહેલી વાર મને થયું કે, નવો દિવસ હવે ક્યારે ઊગે!

*

૧૮૮૭માં ઓચિંતાં મારાં પ્રજ્ઞાચક્ષુ ઊઘડ્યાં, ત્યાર પછીના ઉનાળાના ઘણા બનાવો મને યાદ છે. જે જે વસ્તુને અડું તેનું નામ જાણું અને હાથ વતી તેને બરોબર ઓળખું-આ સિવાય બીજું કાંઈ હું કરતી જ નહીં. અને આમ, જેમ જેમ હું વધારે ને વધારે વસ્તુઓને હાથ વડે ‘જોતી’ ગઈ અને એમનાં નામ તથા ઉપયોગ શીખતી ગઈ, તેમ તેમ જગત જોડેની મારી ઐક્યભાવનાનો આનંદ અને વિશ્વાસ વધતાં ગયાં. હવે તો મને સમગ્ર ભાષાની ચાવી મળી ગઈ હતી; એટલે એનો ઉપયોગ શીખવા હું ઇંતેજાર હતી. સાંભળતાં બાળકો ખાસ કશા પ્રયત્ન વિના ભાષાજ્ઞાન પ્રાપ્ત કરે છે. ઊડતાં પંખીની જેમ તેઓ બીજાનાં મુખમાંથી નીકળતા શબ્દો રમત-વાતમાં ગ્રહણ કરી લે છે. પણ બિચારા બહેરા બાળકને તો એ શબ્દો ધીમે ધીમે, અને ઘણી વાર દુઃખદ રીતે, પકડવા પડે છે. પરંતુ એ રીત ગમે તેવી હોય, પરિણામ એનું અજાયબ આવે છે. પ્રથમ પદાર્થનું નામ શીખવાથી માંડીને ધીમે ધીમે પગથિયાં વાર આગળ જતાં જતાં છેવટે, એક તરફ આપણા પ્રથમ બોલાયેલા તોતડા તૂટેલા શબ્દ અને બીજી તરફ શેક્સપિયરની કડીમાં રહેલી વિચારસમષ્ટિ-એ બે વચ્ચેના બહોાળા વિસ્તારને આપણે વટાવી કાઢીએ છીએ. ઘર કરતાં સૂર્યપ્રકાશિત વનો અમને વધારે ગમતાં; એટલે અભ્યાસાદિ અમે ઘર બહાર કરતાં. આથી મારા શરૂઆતના બધા અભ્યાસ જોડે વનશ્રીની સુગંધનાં સંભારણાં વણાયેલાં છે. વિશાળ ‘ટ્યુલિપ’ વૃક્ષની પ્રસન્ન છાયા નીચે બેસીને હું એમ વિચારતાં શીખી કે વસ્તુમાત્રમાં આપણે માટે બોધપાઠ છુપાયેલો છે. ખરેખર ગુંજતી, ગાતી, બમણતી કે ખીલતી દરેક ચીજે મારી કેળવણીમાં ભાગ ભજવ્યો છે. આ પ્રમાણે મેં જીવનમાંથી જ મારી કેળવણી લીધી. શરૂઆતમાં હું અનેક સુપ્ત શક્તિઓનો સમૂહ માત્ર હતી. મારાં ગુરુજીએ તે બધીને જાગ્રત કરી અને ખીલવી. તે આવ્યાં એટલે મારી આસપાસની બધી ચીજો પ્રેમ અને આનંદ પ્રસારતી અર્થપૂર્ણ બની. આવ્યાં ત્યારથી એકે વાર એમણે વસ્તુમાત્રમાં રહેલી સુંદરતા મને બતાવવાની તક જતી નથી કરી; અને મારા જીવનને મધુર ને ઉપયોગી બનાવવા તેઓ તન-મનથી ને પોતાના આચારના ઉદાહરણથી સતત મથ્યાં છે. મારી કેળવણીના આરંભનાં વર્ષો આવાં સુંદર વીતવાનું કારણ મારાં ગુરુજીની પ્રતિભા, તેમની અવિરત સહાનુભૂતિ અને વહાલભર્યું ચાતુર્ય હતાં. આટલા બધા ઉલ્લાસ અને આનંદથી હું જ્ઞાન ગ્રહણ કરતી એનું કારણ એ હતું કે, તે કઈ ઘડીએ આપવું યોગ્ય છે એ વિચારીને તે ચાલતાં. મારાં ગુરુજી અને હું એટલાં નિકટ છીએ કે એમનાથી અલગપણે હું મારે વિશે વિચાર જ નથી કરી શકતી. બધી લાવણ્યમય વસ્તુઓમાંનો મારો આનંદ કેટલો મારો પોતાનો નૈસગિર્ક છે અને કેટલો એમને આભારી છે, એ હું કદી કહી શકનાર નથી. મને લાગે છે કે એમનો અને મારો આત્મા અવિભાજ્ય છે. જે કાંઈ ઉત્કૃષ્ટ મારામાં છે, તે એમનું છે. મારામાં એકે એવી શક્તિ કે આકાંક્ષા કે આનંદ નથી, જે એમના પ્રેમસ્પર્શથી જાગ્રત ન થયાં હોય.

(અનુ. મગનભાઈ પ્ર. દેસાઈ)
[‘અપંગની પ્રતિભા’ પુસ્તક]