સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘અભિપ્રેત’/પેલી લૂંટાલૂંટ, અને આ —
પુણે નજીક એક વિમાન તૂટી પડ્યું, તેમાં માર્યા ગયેલાઓનાં શબ ગીચ જંગલમાં વેરણછેરણ પડ્યાં હતાં. એ મૃતદેહો પરથી કીમતી ચીજો, દરદાગીના ને કપડાં સુધ્ધાંની ચોરી થઈ ગઈ. પટણા નજીક રેલવે હોનારત થઈ પછી તુરત મૃતદેહો પરથી અને ભંગારમાંથી લૂંટાલૂંટ કરીને કેટલાક માણસો ભાગી ગયેલા. શબોને પણ ન છોડ્યાં! જ્યારે મદદ માટે દોડી જવું જોઈએ, ત્યારે પણ માણસને પૈસો ને માલમિલકત જ સાંભર્યાં! આ હકીકત સમાજ સામે પ્રશ્નાર્થ ચિહ્નરૂપ નથી? માણસની માનવતાનો પારો આટલો બધો નીચો ઊતરી ગયો, તે માટે જવાબદાર કોણ? આવી પરિસ્થિતિ કેમ પેદા થઈ? જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી આજે લાખો-કરોડો વંચિત રહે છે અને જેમને એ પ્રાપ્ય છે તે પણ ભૌતિક ચક્રવ્યૂહમાં કેવા ફસાયા છે! ખાવાપીવા અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી ઘડીની ફુરસદ મળતી નથી. માલમિલકતની વહેંચણી માટે આજે સમાજમાં કેટલા ઝઘડા થાય છે! પૈસાનો પ્રશ્ન આવે ત્યારે બીજા બધા સંબંધો કેવા નેવે મૂકી દેવાય છે! મનોરંજન માટે કળાનાં હાટ મંડાયાં છે, ત્યાંથી શાંતિ કે સુખની ભ્રાંતિ મેળવી ફરી પાછો માણસ આ ચકડોળમાં હેલે ચડે છે. ન એને જીવન વિશે વિચારવાની ફુરસદ છે, ન માનવતાના વિકાસ માટે વિચારવાની ફુરસદ છે. આજે માનવતા કરતાં પૈસા અને માલમિલકતનું મૂલ્ય વધુ અંકાય છે. સમાજમાં જે અસમાનતા પ્રવર્તે છે તે પેલીના જેવી જ એક લૂંટાલૂંટનું પરિણામ નથી શું? ફરક માત્રા એટલો જ કે આ લૂંટાલૂંટ સમાજમાન્ય છે. આપણી અને પેલા લૂંટનારાઓની વચ્ચે જે ભેદ છે તે માત્રાનો છે, પ્રકારનો નહીં.