સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘નચિકેત’/છેલ્લા શ્વાસ સુધી બગાવત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          છેલ્લા શ્વાસ સુધી બગાવત “એલા, આ કોનો છોકરો છે?” “ગોવિંદરાવનો.” “પણ એ તો જાતનો માળી છે, ને આ બ્રાહ્મણની જાનમાં ક્યાંથી?” “આ તો ધર્મ-ભ્રષ્ટતા કહેવાય, કેમ ચાલે!” એક કાનેથી બીજે કાને, બીજાથી ત્રીજા કાને વાતની કાનફૂસી થવા લાગી. બ્રાહ્મણોની ચોટલીઓ ધ્રૂજી ઊઠી : જાણે વીજળીનો સબાકો થાય, તેમ કોઈનો ક્રોધ સળગી ઊઠયો; “કાઢો સાલાને અહીંથી, જુઓ છો શું?” ભૂદેવોની ભ્રમરો ઊંચી થઈ; તીર પેઠે તણાઈ! જાણે ધરતી રસાતાળ! નાત આખી ખડાંગ કરતી ઊભી રહી ગઈ. વાત હમણાં વધી જશે, એવો ભય જોઈને ઘરધણીએ જ્યોતિરાવને ઘેર ચાલ્યા જવા વિનંતી કરી. ભૂદેવો મૂછે વળ ને ચોટલીએ તાવ દેવા લાગ્યા. જ્યોતિરાવને ભોં ભારે થઈ પડી. તે ભોંઠપનો માર્યો નીચે મોંએ ચાલ્યો ગયો. એ દિવસે જ્યોતિરાવના મનમાં વિચાર-વંટોળ ઊઠયો : સમાજમાં ઊંચ— નીચના ભેદભાવ શા માટે? કોણે તે ઊભા કર્યા? એમાં ધર્મ ક્યાં આવ્યો? બ્રાહ્મણ હોય કે ચાંડાળ, પણ સૌ ઈશ્વરને મન સરખા છે, તો પછી માણસ માણસ વચ્ચે આવાં ધિક્કાર કે ઘૃણા શા માટે? આ બધાંનું મૂળ કારણ એક જ છે — અજ્ઞાનતા. એ વેળા, એની વય માંડ વીસેક વરસની હશે. તેણે પૂનામાં બુધવાર પેઠમાં કન્યાશાળા શરૂ કરી. કન્યા ભવિષ્યની માતા છે, તે કેળવાયેલી હશે તો ભાવિ પેઢીને તે અજ્ઞાનતામાંથી ઉગારી શકશે : જ્યોતિરાવની આ દૃઢ માન્યતા હતી. જ્યોતિરાવે ભારતમાં સૌથી પહેલી કન્યાશાળા ઊભી કરી. સમાજ અને ધર્મના ઠેકેદારોમાં ચારેકોર ઊહાપોહ થયો : છોકરીઓને ભણાવીએ તો ધર્મભ્રષ્ટ થવાય. પણ જ્યોતિરાવ આવા વિરોધને ગણકારે એમ ન હતા. એ તો પોતાના કામને નિષ્ઠાથી વળગી રહ્યા. બને તેટલો શિક્ષણ-પ્રચાર કરવો એ જ એમનું જીવન બની ગયું. જ્યોતિરાવનાં લગ્ન નાનપણમાં જ થઈ ગયાં હતાં. આઠ વર્ષની સાવિત્રી અને ૧૪ વર્ષનો જ્યોતિરાવ. સાવિત્રી જૂના રીતરિવાજોથી ઘડાઈ હતી. છતાં જ્યોતિરાવે ધીરજ અને સમજથી કામ લીધું. એક દિવસ તેણે સાવિત્રીને કહ્યું : “સાવિત્રી, ગાડાનાં બે પૈડાં સરખાં ન હોય તો ગાડું ચાલે નહીં, તેમ જીવનનું પણ છે; પતિ ભણેલો હોય ને પત્ની સાવ અભણ ને ગમાર રહે તો તે સારું ન કહેવાય.” “તમારી વાત ખરી છે. તમે કહો તે કરવા તૈયાર છું.” એ દિવસથી પત્નીને ભણાવવા માંડયું અને બે જ વરસમાં સાવિત્રીને પોતાની શાળાની શિક્ષિકા બનાવી દીધી. આ રીતે પતિ-પત્ની એકમેકનાં પૂરક બની, શિક્ષણના પ્રચારમાં આગળ ધપવા માંડયાં. આની દેખાદેખીએ બીજા ઘણા મિત્રોએ પણ ઘેર પોતાની પત્નીને શિક્ષણ આપવા માંડયું. ઘેર ઘેર શિક્ષણનાં પગરણ મંડાતાં જોઈને રૂઢિચુસ્તો, સમાજના ધુરંધરો ઊકળી ઊઠ્યા; માર્ગ પરથી સાવિત્રી પસાર થાય કે તેને ગંદી ગાળો ભાંડે, ધૂળ ઉડાડે, પથરા ફેંકે. પણ સાવિત્રી કાચી-પોચી નહોતી. તે જરાય ભય પામી કે વિચલિત થઈ નહિ. ઊલટું, લોકો એની નિંદા કરતાં, તેમ એણે પોતાના કામનો વેગ વધાર્યો. એક દિવસ રૂઢિચુસ્તો ભેગા મળીને જ્યોતિરાવના બાપ પાસે ગયા, અને એમને ધમકાવ્યા : “તમારા છોકરાએ તો હવે હદ કરી છે. વર-વહુ બેઉ જણાં ગામને વંઠાડવા બેઠાં છે કે શું? એને જાણે કોઈ કહેનારું જ નથી! તમે એને કહી દેજો કે આ બધું બંધ કરે, નહિતર ગામ તમારો વહેવાર બંધ કરી દેશે.” ગામના લોકો જ્યાં એક થઈ ગયા હોય ત્યાં એકલદોકલનું શું ગજું! જ્યોતિરાવના બાપ ગોવિંદરાવ ગભરાયા. તેમણે પોતાનાં દીકરા અને વહુને ઘણાં વાર્યાં, પણ એ માન્યાં નહીં. એ તો પોતાનું કાર્ય ચાલુ રાખવા મક્કમ હતાં. આખરે નાછૂટકે બાપે કહ્યું : “દીકરા, ગામમાં રહેવું અને ગામથી વેર બાંધવું એ કેમ ચાલે? તમને જો ના પરવડે તો નોખાં થઈ શકો છો.” પતિ-પત્નીએ વડીલનાં આ વેણ સાંભળી, એકબીજાની સામે જોયું અને બંનેએ એકમેકની અંતરની વાત સમજી લીધી. પિતાના આદેશને શિરોધાર્ય કરી પતિ-પત્ની એ જ ઘડીએ ઘર છોડી નીકળ્યાં. પણ, ગામમાં એમને ખોરડું કોણ આપે? એક મિત્રાની મદદથી મકાન તો માંડ માંડ મળ્યું, પણ જીવનનિર્વાહ કેવી રીતે કરવો? ઘણી મનોવ્યથા અને મંથન પછી જ્યોતિરાવે એક ઠેકેદાર પાસે પેટાકામ શરૂ કર્યું. ધીરે ધીરે નાનાંમોટા બાંધકામ પોતે કરવા માંડયાં. દિવસના ધંધો કરે, રાતના અભણ મજૂરોને ભણાવે, પોતાના ખર્ચે પાટી-પેન પૂરાં પાડે. કશાય ભેદભાવ વગર જ્યોતિરાવે મરાઠા, મહાર, માંગ, ચાંડાળ, ઢેઢ, ભંગી વગેરેના છોકરાઓને ભણાવવાનું શરૂ કર્યું. સાવિત્રી પણ પતિને પગલે પગલે ડગ ભરતી હતી. લોકોએ જ્યોતિરાવ અને તેની પત્નીને ત્રાસ આપવા બાકી નહોતું રાખ્યું. એમનાં માથે થૂંકે, પાનની પિચકારીઓ મારે, ગમે તેવી ગાળો આપે. પણ એમના પેટનું પાણી હલતું નહિ. પતિ-પત્નીએ મળીને એક વધુ શાળા ખોલી; અસ્પૃશ્યો માટેની એ સૌપ્રથમ શાળા હતી. જ્ઞાનનાં દ્વાર સૌ કોઈ માટે ખુલ્લાં છે, એવું જ્યોતિરાવે આહ્વાન કર્યું ત્યારે ચારેકોર દાવાનળ લાગ્યો હોય એવો રોષ ભભૂકી ઊઠયો. વિરોધીઓ ભેગા થયા અને એક કાવતરું ઘડાયું. મધરાતનો પોર હતો. સૌ મીઠી નિદ્રામાં પોઢી ગયાં હતાં. આખા દિવસની થાકીપાકી સાવિત્રી પણ ઊંઘી ગઈ હતી. જ્યોતિરાવ પોતાને આશ્રયે રાખેલા અનાથ બાળકો માંહેના એક અસ્વસ્થ બાળકને ઊંઘાડવા વહાલથી પંપાળતા બેઠા હતા. એ ટાણે ઘરને પાછલે બારણેથી બે જણ હાથમાં હથિયારો સાથે પ્રવેશ્યા. જોયું તો જ્યોતિરાવ એક અનાથ બાળકને પંપાળતા બેઠા છે. જોતાં જ એ હેબતાઈ ગયા, ત્યાં જ થંભી ગયા. એમનાં મસ્તકો જ્યોતિરાવનાં ચરણોમાં ઢળી પડ્યાં. એમને જ્યોતિરાવ પોતાની રાત્રાશાળામાં ભણાવવા લાગ્યા. આગળ જતાં, એમાંના એક ધોંડીરામને જ્યોતિરાવે આગળ અભ્યાસ માટે કાશી મોકલ્યો. ત્યાં એ ભણી-ગણીને પંડિત થયો. બીજો જ્યોતિરાવનો અંગરક્ષક બની ગયો. તે ભણી— ગણીને જ્યોતિરાવના વિચારોનો પ્રચાર કરતો, ક્રાંતિનાં ગીતો રચીને ગાતો અને લોકોમાં જાગૃતિનો સંચાર કરતો. જ્યોતિરાવની પ્રવૃત્તિથી, શિક્ષણક્ષેત્રો તેણે સાધેલી પ્રગતિથી પ્રભાવિત થઈને વિદ્યાધિકારી સર અર્સ્કીન પેરીએ ઇંગ્લૅન્ડનાં રાણીને આવી સુંદર અને સુધારક પ્રવૃત્તિનું બહુમાન કરવા જણાવ્યું. રાણીએ એ માટે અભિનંદન પાઠવ્યાં. લોકો જેને હડધૂત કરી નિંદા કરતાં, એ જ જ્યોતિરાવના જાહેર સન્માનમાં પૂના શહેરના લોકો ઊમટી પડ્યા. ૧૮૫૨ના નવેમ્બરની ૧૬ તારીખે ગવર્નરના પ્રમુખપદે શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે જ્યોતિરાવની મહાન સેવા બિરદાવવામાં આવી. ત્યારે એ બહુમાનનો સ્વીકાર કરતાં અત્યંત નમ્રપણે એમણે કહ્યું : “મેં કોઈ મહાન કાર્ય કર્યું હોય એમ હું માનતો નથી. હું તો કેવળ ભગવાનની ઇચ્છા પ્રમાણે, આજ સુધી ઉપેક્ષિત રહેલું કાર્ય શરૂ કરી રહ્યો છું; એમાં આપ સૌનો હૃદયપૂર્વક સહકાર માગું છું.” પોતાના પુત્રાનું બહુમાન થયાનું જાણીને પિતા ગોવિંદરાવનું હૈયું હલી ઊઠયું. પોતે એને ઘરમાંથી કાઢી મૂકેલા તે બદલ ભારે દુઃખ થયું, પોતે આવીને પુત્રા સાથે રહેવા લાગ્યા. જ્યોતિરાવે સુધારાની જ્યોત વધુ ને વધુ પ્રજ્વલિત કરી. વિધવા— વિવાહનું જ્યોતિરાવે આહ્વાન કર્યું અને વિધવા-મુંડન સામે વિરોધ ઉઠાવ્યો — એટલું જ નહિ, મુંબઈ અને પૂના જેવાં શહેરોમાં વાળંદોની સભા બોલાવીને આ રિવાજ બંધ કરવાનું ઠરાવ્યું. આ ક્રાંતિકારી સુધારાથી સમસ્ત સ્ત્રીસમાજને ભારે આનંદ થયો. જ્યોતિરાવને સંતાન ન હતું, એથી એમણે પત્નીના સહયોગથી પારકાં સંતાનોને ઘરઆંગણે વસાવી અનાથાશ્રમ ઊભો કર્યો. જીવનમાં ભૂલી પડેલી એક બ્રાહ્મણી સ્ત્રીના સંતાનને વિધિવત્ ખોળે લઈ, એ સ્ત્રીને કલંકમાંથી ઉગારી. આ દત્તક પુત્રા યશવંતે તબીબી અભ્યાસ કરી, પિતાના પગલે ચાલીને સેવાનો માર્ગ ગ્રહણ કર્યો. જ્યોતિરાવની બહુવિધ સેવા, ત્યાગ અને જીવનસમર્પણની સમસ્ત મુંબઈના શિક્ષિત સમાજમાં ભારે સુવાસ પથરાઈ હતી. સન ૧૮૮૮માં મુંબઈમાં એક જંગી સભાનું આયોજન કરી જ્યોતિરાવનું જાહેર સન્માન કરવામાં આવ્યું. એના પ્રમુખપદે રાનડે અને ભાંડારકર જેવી વિભૂતિઓ ઉપસ્થિત હતી. એ વેળા રાવબહાદુર વડેકરે જ્યોતિરાવને ‘મહાત્મા’ તરીકે સન્માન્યા. સાથે એમનાં પત્ની સાવિત્રીબાઈનું પણ અપૂર્વ સન્માન કરવામાં આવ્યું. આ મહાન સેવાધારી વિચારકે ૧૮૭૩માં ‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી, જે સમાજની કાયાપલટનો એક મહાન સંકલ્પ હતો. ગામેગામ એની શાખાઓ ખૂલી. સર્વ માટે એનાં દ્વાર ખુલ્લાં હતાં. ‘મનુષ્યની યોગ્યતા નાત-જાત પર નહિ, પણ એના ગુણ-સંસ્કારથી જ નક્કી થાય છે,’ એ એમનું મુખ્ય સૂત્રા હતું. પોતાના આ વિચારોને વહેતા કરવા એમણે પુસ્તકો લખીને રૂઢિ અને અંધશ્રદ્ધા સામે બગાવતનો ઝંડો ફરકાવ્યો. જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સામે બગાવત કરતાં કરતાં, આ મહાન જ્યોતિર્ધર જ્યોતિરાવ ફુલેએ ૧૮૯૦ની ૨૭મી નવેમ્બરે આ જગતમાંથી વિદાય લીધી.