સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘બાદલ’/સોળમી મોસમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

લીંબોળી એક એક ગોઠવીને એકલી હું છાનેરું ગણવાને બેઠી,
મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને સોળમી તે મોસમ સૈ, બેઠી!
અલ્લડતા વડલાની ડાળખીથી ફફડાવી
પાંખોને, ઊડી ક્યાંક ગઈ;
કાછોટો મારી હવે અવળી ગુલાંટ ખઈ
ક્યાં ડૂબકી દા’ રમવાની, સઈ?
ઓઢણું જરીક જ્યાં સરકે, ટોકે છે માડી : “ઓઢો સરખુંક જરા બેટી!”
મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને સોળમી તે મોસમ સૈ, બેઠી!
વારવા તે કેમ કરી ઘડીયે ને પલકે કૈં
તકતામાં તાકવાના ઓરતા,
આંખોમાં ઊગી ગ્યાં મહુડાનાં વન અને
ગુલમ્હોરો ગાલમાં શા મ્હોરતા!
લાજી મરાય એવાં શમણાંની વાત કહી વ્હોરવી ના સૈયર ફજેતી,
મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને સોળમી તે મોસમ સૈ, બેઠી!
રૂવાં યે સાવ રોયાં વીછીના ડંખ થઈ
ચટકે એવાં કે લાહ્ય ઊઠતી,
ભીતરના ભમ્મરિયાં પૂર ક્યાંક તાણી ગ્યાં
ચેનને હું બાવરી થઈ ખોળતી;
ઉડાડો, નફ્ફટ થઈ પોપટ ઠોલે છે મને કેસર કેરીની શાખ બેઠી,
મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને સોળમી તે મોસમ સૈ, બેઠી!