સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/વેણુ વગાડીએ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

[‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમીને ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમના શેર સરળ વાણીમાં માર્મિક વાત કહે છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રો સાચકલી કવિતાના સર્જક છે. — હેમન્ત દેસાઈ]
આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતાં નથી તેયે નભાવી જાય છે.


એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.


એણે આપી તો ક્ષમા એ રીતે —
કંઈ જ સૂઝી નહિ સજા જાણે.


એનાથી તો સરસ તારી અવહેલના હતી —
આ તારી આંખમાં જે ગલત આવકાર છે.


એવી તો બેદિલીથી મને માફ ના કરો —
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ!


એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો,
જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં


કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.


કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી —
કેવી વિચિત્રા પ્રેમની કોરી કિતાબ છે!


કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ —
પોતે ન દે, બીજા કને માગવા ન દે.


ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે —
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને.


ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને
મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.


જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.


જિંદગીના રસની પીવામાં કરો જલદી, ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.


જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ,
બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું.


ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો છે ખયાલ કે પાર ઊતરી ગઈ.


રાધા કોઈ મળે ન મળે, ના મળે ભલે;
એ આપણી ફરજ છે કે વેણુ વગાડીએ.

[‘ગીત એક ગાયું ને વાયરે વાવ્યું...’ પુસ્તક]