સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મીનપિયાસી’/તડકો વાદળિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ તડકો જો વાદળિયો.
શોભે કેવો, પુરુષ જાણે કેડયેથી પાતળિયો!
આ તડકો જો વાદળિયો…

અહીં પડી આ ધીંગી ધરતી, ત્યાં ઘૂઘવે છે દરિયો,
કાજળકાળા કચરા-ઢગ શો, છાંયો છે પાથરિયો,
શત શત કિરણે વાળે સોનલ સાવરણાની સળીઓ.
આ તડકો જો વાદળિયો…

મેલાં થઈને સાવ મસોતાં વાદળ નભને લૂછે,
સાફ થયું કે? ડોકું કાઢી સૂરજ સહુને પૂછે;
થાકી ત્યારે હાશ કરીને ધરતી-હૈયે ઢળિયો.
આ તડકો જો વાદળિયો…

વિશ્વાત્માના વદન ઉપર કોઈ વિષાદ આવી વસિયો,
એમાં જાણે હોય અચાનક હૈયું ખોલી હસિયો;
પ્રસન્નમૂર્તિ પ્રકાશ એવો પૃથ્વી પર ફરી વળિયો.
આ તડકો જો વાદળિયો…