સમરાંગણ/અર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અર્પણ
પુત્ર મહેન્દ્રને

એક કલાસર્જક લેખે મેઘાણીની નવલકથાઓ પાછળ તેમની ચોક્કસ સમાજનિષ્ઠ અને ઊંડી નિસબત રહેલી છે. વ્યક્તિ અને સમાજજીવનના જે કોઈ પ્રશ્નો અને જે કોઈ પરિસ્થિતિઓ તેમણે આલેખ્યાં તેમાં તેમની અમુક સામાજિક, સાંસ્કૃતિક સંપ્રજ્ઞતા છતી થાય છે. જૂનીનવી પેઢીનાં માનવીઓના માનસભેદ અને તેમના મૂલ્યબોધનો સીધો વિનિયોગ તેમની પાત્રસૃષ્ટિમાં જોવા મળે છે. પરંપરાગત ગૃહજીવનની સંસ્કારિતાનું જે રીતે તેઓ મૂલ્ય સ્થાપવા ઝંખે છે તે ઘટનાનું આપણા સાહિત્યિક, સાંસ્કૃતિક જીવનમાં આગવું મહત્ત્વ છે. ગોવર્ધનરામની જેમ જ પણ સીમિત ફલક પર કુટુંબસંસ્થા અને તેનાં ધારકપોષક બળોની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેઓ મથી રહ્યા છે અને સામાજિક, આર્થિક વિષમતાનો જ્યાં સુધી પ્રશ્ન છે, દલિતપીડિતોનાં શોષણ, અન્યાય અને જુલ્મનો પ્રશ્ન છે, મેઘાણીની નવલકથાઓ આપણા સંસ્કારજીવનમાં નોંધપાત્ર દસ્તાવેજ સમી બની રહેશે. ગરીબો, દલિતો અને પીડિતો પ્રત્યેની ઊંડી અનુકંપા અને કરુણાદૃષ્ટિ જે રીતે તેમણે એ કથાઓમાં પ્રગટ કરી તેનુંય મોટું મૂલ્ય છે. તળ ધરતીનાં માનવીઓનાં આંતરવહેણો આલેખવામાં મેઘાણી અનન્ય કોઠાસૂઝ દાખવે છે. સોરઠની ધરતી અને સોરઠના લોકજીવનની ધબક ઝીલવામાં તેમની પ્રતિભાનો વિશેષ રહ્યો છે અને એમાં જ તેમની ચિરંતન પ્રભાવકતા રહી છે. પ્રમોદકુમાર પટેલ