સમરાંગણ/૨૧ જોડી જડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧ જોડી જડી

વાતોના વાતાવરણમાં ચીરો પાડતો એક દેકારો નદીના શહેર નજીકના આરા પર બોલી ઊઠ્યો. કોઈ ઘમસાણ મચ્યું હોય તેવા કિકિયાટા અને ચેંચાટા સંભળાયા. આગળ ઊભેલો ‘પરદેશી’ નામે ઓળખાતો નાગડો કુંવર અજાજી તરફ ઊંચા હાથની નિશાની કરી શહેર નજીકના આરા પર દોટ કાઢતો ગયો. એની લાંબી લાંબી હરણફાળ નિહાળતા કુંવર અજાજી અને વૃદ્ધ વજીર પણ પાછળ દોડ્યા. ‘તમે નહિ’ એમ કહીને કુંવરે રોકવા માંડેલા વજીરે કશો જ જવાબ આપ્યા વગર સીધી હડી કાઢી. એ દોટના પ્રલય-વેગમાં જ ‘તમે નહિ’નો જવાબ હતો. બેઉ પહોંચ્યા તે પૂર્વે જ તેઓએ દૂરથી હાથી જોયો. મદછકેલો હાથી માવતને પછાડી નાખીને તૂટતા કાળ-વાદળા જેવો નદી પારથી ધસ્યો આવ્યો. નદીનાં પાણીમાં એણે પ્રલયકાર મચાવ્યો. એમાં પાણીની ભરેલી હેલ્ય માથા પર માંડીને એક જુવાન સ્ત્રી ગામ બાજુનો ચડાવ ચડતી હતી. એક હાથે એણે હેલ્યને ટેકો આપ્યો હતો, બીજે હાથે એણે ​ એક ખડાઈ મોટી પાડીના ગળાની રાશ ઝકડી હતી. હાથીને દેખતાંની વાર ખડાઈ પાડી ઠેકડા મારવા લાગી. હાથી દરવાજામાં દાખલ થાય તો લોકોની ભીડમાં મૃત્યુની લીલા મચી જાય એવો મામલો હતો. “હાથી ગાંડો છે, હાથી વકર્યો છે, બાઈ, ખસી જા.” એવા રીડિયા પડ્યા ત્યારે ગામમાં દાખલ થતી આ કન્યાએ પીઠ વાળીને નજર કરી. ગાંડા હાથીને એણે ધસ્યો આવતો દીઠો. નગર બાજુથી એણે કૈંક સ્ત્રીઓ અને નાનાં બાળકો આવતાં દીઠાં, બન્ને બાજુનાં દૃશ્યો દેખ્યા પછી ખડાઈની સાથે દરવાજામાં હેલ્ય સાથે હાથીનો રસ્તો રૂંધીને ઊભા રહેવાનો એણે નિશ્ચય કર્યો. એ નિશ્ચય જાહેર કરવાનો વખત ક્યાં રહ્યો હતો? લોકોએ એટલું જ જોયું કે ‘ભાગજે, બાઈ’ એ બોલના જવાબમાં બાઈ સામી છાતી કાઢીને ઊભી રહી. ન બાઈએ બેડું નાખી દીધું, કે ન એણે પાડીને છૂટી મૂકી દીધી. હાથીએ પણ પોતાના માર્ગને રૂંધનારી આ એક છોકરીને દેખી પોતાનું અસહ્ય અપમાન અનુભવ્યું. એ થંભ્યો, અને એક જ પળ પછી ભયાનક ધસારો કરવાને માટે એકદમ પાછો હઠ્યો, પણ સૂંઢ ઘુમાવવાનો પૂરતો પટ એને જડ્યો નહિ તેથી એ વધુ વિફર્યો. તે જ પળે એણે પોતાની પછવાડે કોઈ મોટું ઝાડ ભટકાયું હોય તેના જેવો હડસેલો અનુભવ્યો. એ પાછો ફરીને જોઈ શકે તે પહેલાં કોઈક એના પૂછડાને ટિંગાઈ વળીને એના બરડાનાં જડમૂળને ઝંઝેડતું લાગ્યું. એણે મોં ઘુમાવ્યું એટલે કોઈક જડસુ જેવા હાથની એણે થપાટ ખાધી. એનાં જડબાં ઉપર એક લાકડી પછડાણી, બીજી લાકડી, ત્રીજી ગલોફાં ને ગાલ પર : ચોથી ગંડસ્થળ પર : છઠ્ઠી-સાતમી : હાથીને એ ફટકા ગણવાનો સમય નહોતો; એણે ઘુમાવેલી સૂંઢ પર બીજા ઉપરાછાપરી પંદર ફટકા એક જ લાકડીમાંથી મેહુલાની ધાર જેવા વરસ્યા, ને હાથીએ વિચાર કરવાનો પણ સમય માગ્યા વગર ત્યાંથી પલાયન કર્યું. “જઈ રહ્યા, ગજરાજ! જઈ રહ્યા.” એમ બોલતા એ ‘પરદેશી’ ​ યુવકે હાથીના પૂછડા પર ડંડા મારી ચક્કરચક્કર ફેરવ્યો. હાથી વાછરડી જેવો ગરીબડો બની ગયો. દરમિયાન કન્યા હજુ માથે હેલ્ય અને હાથમાં પાડીને પકડી રાખીને જ ઊભી હતી. એણે યુવકને હાથીની ઝીણી આંખો સામે ડંડો રાખીને જ ઊભેલો દીઠો. યુવકના મોં પર ઉકળાટ હતો, રોષ નહોતો. પરાજિત પશુરાજની નજીક જઈને પછી એણે હળવા હાથે સુંઢ પંપાળવા માંડી. ઘણી ઠઠ ભેગી થઈ ગઈ. વજીર અને અજોજી પણ આંબી ગયા. વજીરને આગળ વધતા દેખી ‘પરદેશી’ યુવાન પોતાની પીઠ ફેરવી ગયો. પીઠ ફરતાંની સાથે જ યુવાને દરવાજા વચ્ચોવચ્ચ એ હેલ્યવાળી પનિહારીને દીઠી. બન્નેએ પરસ્પરના મુખભાવ નીરખી લીધા. “શાબાશ તારાં માતપત્યાને.” એમ બોલતો વૃદ્ધ વજીર આગળ વધ્યો. એટલે ‘પરદેશી’ નામે ઓળખાતો નાગડો ઊંચે હાથે દૂરથી સૌને વારવા લાગ્યો. “આંહીં કોઈ આવશો મા,” કહી એણે મોં ફેરવી લીધું. “કોણ છે એ જુવાન!” વજીરે હાંફતાં હાંફતાં પૂછ્યું. “આપણો ફોજી છે. નવો ભરતી થયેલો પરદેશી રાજપૂત છે.” અજા કુંવરે ઓળખાણ આપી. બેઉ દરવાજે પહોંચીને જઈ ઊભા. થંભી ગયેલી કન્યાને પૂછ્યું : “કોણ છો, બાઈ? ગજબ હિંમત કરી!” હાથીને પરાજય આપનાર યુવાન પરથી નજર ઉખેડીને કન્યા સહેજ લજ્જિત નયને બોલી : “રજપૂત છયેં.” “આંહીંના નથી લાગતા.” “ના. જગત દીમનાં રયેં છૈયેં” ‘જગત’ તે વખતમાં દ્વારકાને ઓળખાવતો શબ્દ હતો. “કોનું ખોરડું?” “મોરીનું.” ​ “કોણ મોરી?” “ભૂચર મોરી.” “હાં, ત્યારે લોંઠકાઈની નવાઈ નહિ, દીકરી. જા તું તારે હવે.” “ઈ જણને લાગ્યું તો નહિ હોય?” કન્યાએ ચાલી નીકળવાની તૈયારી બતાવી નહિ. એના મસ્તક પર ટકી રહેલ પાણીનું બેડું હવે મોતનો મામલો પતી ગયા પછી કોણ જાણે શા કારણથી ડગમગ થવા લાગ્યું. મોટી પાડી એના હાથની રસીને ખેંચતી હતી તેના આંચકા હવે વિશેષ પ્રમાણમાં લાગતા હતા. “ઈ જણનું તો જતન કરવાવાળા અમે ઘણા બધા આંહીં છીએ હવે, બાઈ! તું તારે જા હવે. તેં આજ જીવને જોખમે બજારને બચાવી લીધી.” કુંવરે હસીને કહ્યું. “બાળકી બહુ પાણીદાર.” વજીર એ ચાલી જતી જોબનવાન કન્યાના મરોડદાર ગજાદાર દેહ સામે તાકી રહ્યા. “આપણે એના બાપને મળવું જોવે.” “અને આ બાઈને કાંઈક પહેરામણી કરીએ તો?” કુંવરે સલાહ પૂછી. “આંહીંનાં અજાણ્યા લાગે છે. ભૂચર મોરી નામનો કોઈ રાજપૂત ઓલાદનો આદમી આંહીં જાણ્યામાં નથી.” તપાસ કરાવી. ગામની ધર્મશાળામાં એ ખેડૂત રાજપૂત ઊતરેલો હોવાના ખબર મળ્યા. “રસ્તામાં જ છે. થતા જઈએ. તમારા આ જોદ્ધાને ય ભેળો લ્યો.” કહીને બુઢ્‌ઢાએ કુંવર સામે માર્મિક દૃષ્ટિ નોંધી. માવત આવી પહોંચ્યા હતા. હાથીનો કબજો કરી લીધો હતો. નદીમાં હાથ-મોં ધોઈને થાકેલો ‘પરદેશી’ નાગડો હજુ ય દૂર ઊભો હતો. કુંવરની ઈશારતે એ સારી પેઠે અંતર રાખતો પાછળ ચાલ્યો. ધર્મશાળામાં ગાયોને દોતોદોતો ભૂચર નામનો માલધારી રાજપૂત વજીરનો અને કુંવરનો બોલાવ્યો બહાર નીકળ્યો. એને નદીકાંઠે બનેલા બનાવની ખબર નહોતી. દીકરીએ બાપ પાસે આવીને કશી વાત કર્યા ​ વગર જ ભેંસોનાં પાડરું છોડી છોડી બાપને દોવામાં મદદ કરવા માંડી દીધી હતી. ધર્મશાળાના ફળિયામાં એક ગાડું હતું. ગાડામાં નાનો પટારો, ઘંટી, છાશની ગોળી, રવાઈ, થોડાંક ગોદડાંના ગાભા, એક માટીની કોઠી, ખાટલી, ખાટલો વગેરે થોડીક ઘરવખરી ભરેલી હતી. બળદો બેઠાબેઠા વાગોળતા હતા. ચારેક ભેંસો ઊભીઊભી પાડરુ પ્રત્યે હીંહોરા કરતી હતી. પૂછ્યું : “ક્યાંના છો?” “બે-ત્રણ પેઢીથી કચ્છના.” “આવો છો ક્યાંથી?” “ઓખામાંથી.” ‘ઉચાળા ફેરવતા લાગો છો.” “હા, નેસડો હતો તે મેલી દીધો છે.” “કેમ?” “જરીક વહેમાળું થઈ ગયું. એક બાવાએ જીવતી સમાધ લીધી. પછી આ બાળકીને એનું ચળીતર કષ્ટ દેતું હતું.” “જીવતી સમાધ લેનારો બાવો શું અવગત્યે ગયો?” વજીરે પ્રશ્ન કર્યો : “જીવતો દફ્ન થનાર તો પુણ્યશાળી સંતાત્મા હોવો જોઈએ.” “જીવતી સમાધ તો જોરાવરીથી લેવી પડેલી. એની સાથે એક જુવાન બાઈ હતી. એક દી એક બુઢ્‌ઢી ત્યાં આવી. બુઢ્‌ઢીને ને બાવાને લોહીલુહાણ ધીંગાણો થિયો. બુઢ્‌ઢી તો જખ્મી થઈને મરવા જેવી પડી. પણ આ મારી છોકરી ત્યાં ભેંસો લઈને નીકળી. એ દોટ કાઢીને બાવાને માથે ત્રાટકી. બાવાના કાનની વાળી ખેંચીને કાનની બૂટ તોડી નાખેલી. એ જ ટાણામાં જોગીઓની એક મોટી જમાત નીકળી. બાવો હતો ગોરખપંથનો, કાન ફાટી ગયો એટલે જીવતાં સમાધિમાં બેસવું જ જોવે એવો જમાતે ઠરાવ કર્યો ને બાવાને તાબડતોબ ગારદ કર્યો. પછી બુઢ્‌ઢીને ઝોળીમાં નાખીને ઉપાડી. જુવાન બાઈને પણ ભેગા લઈ ચાલ્યા. અમારો નેસ ધીમેધીમે ભાંગી ગિયો. હું ને ડીકરી, બે જ રિયાં. ગોઠ્યું નહિ. નેસ મેલી દીધો.” ​ “હવે ક્યાં વાસ કરવો છે?” “ધ્રોળમાં. ઉવાં અમારા જાઈભાઈ છે. બે ઝાળાં ખેતરનાં દેશે તો ખેડી ખાશું.” “આંહીં ન રહો?” “અંજળ ધ્રોળની ધરતીનાં છે, એટલે દિલ બીજે ઠરતું નથી.” “દીકરીનો વીવા કર્યો છે?” “નથી કીધો.” “કેમ?” “પોતે બળુકી બહુ છે, વસમી છે; કોઈ ધિયાનમાં ઊતરનારો જોરાવર જણ મળવો જોવે ને, બાપા!” “શાબાશ. સમજદાર બાપ એનું નામ.” ભૂચરાની કન્યા એ વખતે ધર્મશાળાના એકઢાળિયામાં પાડીઓને ભેંસોનું દૂધ પાતી પાતી ઊભી હતી. જાળિયું બહાર પડતું હતું. બહાર રસ્તા પર એ હાથીને હંફાવનારો ‘પરદેશી’ જુવાન ઊભો હતો. એના હાથની આંગળીઓ મૂછોના ઝીણા આંકડા વણતી હતી. એનું ધ્યાન જાળિયા તરફ નહોતું. “કઈ વડી શૂરવીરાઈ કરી નાખી, તે મૂછોના આંકડા ચડાવતો હશે રિયો!” જાળિયામાંથી કન્યા નાગડાને સંભળાવતી હતી. નાગડાને કાને આ ટોંણો પડ્યો. એની આંગળીઓએ મૂછો છોડી દીધી. એને ભોંઠામણ આવ્યું. એને લાગ્યું કે અંદર કોઈક બે જણાં પોતાને વિષે જ વાતો કરતાં લાગે છે. ફરી વાર અંદરથી બોલાસ સંભળાયો : “મનમાં ગરવ હશે કે પોતે ન ધ્રોડી આવ્યો હોત તો હાય જાણે હાથી મારા ફોદા કાઢી નાખત.” નાગડાએ આ વખતે તો જાળિયા સામે સીધી આંખો માંડી. “આંહીં શીદ ટરપરટોયાં મારી રિયોછ? ઘર ભેળો થઈ જા ઝટ ઘર ભેળો. મા વાટ જોઈ રે’શે તારી.” ​ આ શબ્દો બોલબોલતે પણ બાઈ સામે નહોતી જોતી, પાડીને જ થપાટો મારતી હતી. વળી કહેતી હતી : “જેવા આ ગામના હાથીડા, તેવા જ લાગે છે માનવીઓ. મરછકેલા ને બાયડિયું માથે શૂરા. મૂછ્યું જ ખચકાવી કાઢવી જોવે. ધીંગાણે કેવાક નીવડે છે એની હજી કિને ખબર!” “રાજુબાઈ,” સાદ પડ્યો : “આવ તો, બેટા!” બાપે બોલાવી. તોફાની રાજુ એકઢાળિયાના જાળિયા પરનાં આ તમામ તોફાન શમાવી દઈને ડાહીડમરી થઈ પિતા પાસે જઈ ઊભી. “આ કુંવરબાપુ ને વજીરબાપા તને પે’રામણી બક્ષે છે, રાજુ.” બાપે સમજ પાડી. દીકરી શરમાઈને નીચે જોઈ ગઈ. એના હાથમાં નગરની બાંધણીની એક ચૂંદડી અને થોડાક રૂપિયા મૂકીને વજીરે તારીફ કરી : “જીવતી રહે, બેટા. ને જોધારમલોની મા થા. હાથીનાં હાડ ભાંગનારા પાકજો તારે ખોળે, બાઈ.” કન્યા આ આશિષોને ભારે વધુ નીચે ઢળી. ધર્મશાળામાંથી પાછા ફરતાં વજીર અને અજાજી વચ્ચે ધીરી ધીરી વાતો થઈ. “આ છોકરીના પેટમાં કેવા પાકે! નગરની કુળવહુવારુ બને તો તો રંગ રહી જાય.” “આ મારો રજપૂત માને તો તો મેળ મળી જાય.” “નજર તો એની પણ એ જ વાત કહેતી હતી.” “ક્યારે?” “નદી-કિનારે. બેય સામસામાં તાકવા લાગેલાં.” “ધ્રોળ તો ઢૂંકડું જ છે, તપાસ કરાવશું.” “છોકરો કેમ આઘેરો આઘેરો જ ચાલે છે?” “અદબ પાળે છે.” “મને એવો વહેમ આવે છે કે જાણે મારી સામો કતરાઈ રહે છે. મારાથી મોં ફેરવતો હોય તેવું ભાસે છે. હું તે એનો કયા ભવનો દુશ્મન હઈશ?” ​ “એવું હોય નહિ. જરા એકલસૂરા સ્વભાવનો તો છે જ. બહુ બોલવાની ટેવ નથી. અજાણ્યું પણ લાગે તો ખરું જ ને? આપની બાહ્યલી કિરડાઈ અંદરની કુમાશને એકદમ કોઈનો સ્પર્શ પામવા દેતી જ નથી.” “હવે તો ભગવાન નવો જનમ દિયે તે વગર કરડાઈ થોડી ઊતરવાની છે? મીઠાશથી બોલવાની મહેનત તો ઘણી કરું છું, પણ નવી વિદ્યા ચડતી જ નથી ને!” “જુવાનને કાંઈક બદલો દેશું?” “દફેદારી આપીએ તો ઠીક, પણ થોડા દિવસ વાટ જોઈ જોવી. એકલું બળ હશે તો છકી જઈને બહાર પડી જશે. પરાક્રમને જીરવી જાણનારો છે એમ માલૂમ પડે, બડાઈખાં ન બનતો લાગે તો જ દેજો દફેદારી.” “આપની વાત બરાબર છે.” “જરા કડકાઈથી કસોટીએ ચડાવજો. સોનું હશે તો જેમ તપશે તેમ વધુ ચળકાટ દેશે. જલદીજલદી આફરીન ન બની બેસવું, બાપા! આ તો માણસો ઘડવાનો કસબ છે. ચતુરાઈનું કામ છે. આપણે બેઠેલા ત્યાં છોકરીને જોવા માટે ય એ જુવાન આવ્યો નહિ એથી જ મને એનામાં માણસાઈની આશા પ્રગટી છે. શીલ વગરના, શિસ્ત વગરના, સંસ્કાર વગરના શૂરાઓને શું ગૂડવા છે!” બેઉ જણા પરબારા મશાલ-કચેરીમાં ગયા. અને ઢાલ-તલવારધારી પરદેશી ‘નાગડો’ પોતાની મુકરર જગ્યાએ ઊભો ઊભો ઊંડા આત્મવલોવણમાં પડ્યો. આ સ્ત્રી! આ સોરઠિયાણી! સ્ત્રીને કોઈ દી પૂરી જોઈ નહોતી. સ્ત્રીથી તરીને જ સદા દૂર ચાલતો આવ્યો છું. આજ નારીને નીરખી નીરખીને ધરાતો કેમ નથી? ફરી વાર કેમ એની ગાળો ખાવા જવાનું દિલ થાય છે? કોણ હતી એ? જાડેજી ભાષાની ઘંટડીઓ કેવી એના કંઠમાં વગડતી હતી! મેં એનું શું બગાડ્યું છે કે એ મને ઠપકો દેતી હતી? એના મોં પર એક તમાચો લગાવી દીધો હોય તો? તો આંગળાંના ​ વેઢા ઊઠી આવે કે નહિ? એના ગાલ એટલા લીસા હશે કે નહિ? એને ઊંચે ઉછાળીને પાછી ઝીલી હોય તો? એને કૂવામાં ધક્કો દઈને પછી અધ્ધરથી જ પકડી લીધી હોય તો? એને મારા હાથની હથેળી ઉપર અધ્ધરપધ્ધર ઊભી કરીને પછી હડી કાઢી હોય તો કેટલેક સુધી સમતોલપણું ટકાવી રાખે? એનાં બે બાવડાં ઝાલીને ફેરફુદરડી ફેરવીને પછી નીચે મૂકી દીધી હોય તો ચક્કર ખાઈને પડે કે ન પડે? એને એક હાથે કમ્મરથી ઝાલીને બીજે હાથે દરિયો તરવાનો હોય તો સામે કાંઠે કચ્છની ભોમ સુધી પહોંચી શકાય કે નહિ? વાજોવાજ દોડતે ઘોડે એને રસ્તામાંથી ઉઠાવી લેવી હોય તો કેટલી વાર લાગે? પછી બેલાડે (પછવાડે) બેસારીને ઘોડો દોટાવું તો એ બીકની મારી મારા બદન ફરતા ભુજ ભીડી લ્યે કે નહિ? ન ભીડે કેમ? ન ભીડે તો પડે મોંભરિયાં, ને ફોદેફોદા નીકળી જાય. હું કાંઈ ઘોડો ઊભો ન રાખું! પાછળ મને પકડવા વાર ચડી હોય ને હું શું ઘોડો થોભાવું? એ હાથ મેલી દે તો મને બીજી કળા નથી આવડતી? હું એને બેલાડેથી ઉઠાવી લઈને ખોળામાં જ ન બેસારી લઉં! પછી તો પડવાની ધાસ્તી જ નહિ. પછી તો લગામ છૂટી જ મૂકી દેવાય, રેવત આભને ફાળ ભરતો જાય, મુલક પાર કરી જાય અને વંકા, લીલા, વાદળિયા પહાડોનાં કોઈ પ્રદેશમાં એને કંઈ જઈને કહું કે લે, તાકાત હોય તો ખચકાવી કાઢ આ મારી મૂછો. મારે હવે મૂછોની જરૂર નથી. મા જે વાત મને કહેવાની હતી તે વાત મેં જાણી લીધી છે, હવે એ વાતનો હિસાબ પતાવવા જ પાછો વળવાનો છું. મારે મૂછોની જરૂર નથી. ખેંચી લે કેમ ખેંચતી નથી? ભૂલી ગઈ? વાંક કબૂલ? દઈશ કદી ગાળ? બસ તયેં, હાલ હવે મા કને, માની આશિષો માગી લઈએ. એક રાત રહી લઈએ, પ્રભાતે તો...” પોતે ઝબકી ગયો. આ હું શું કરી રહ્યો છું? મેં લીલાગર તો પીધી નથી, ત્યારે કઈ અજાણી કલ્પનાભોમમાં ઊતરી પડ્યો છું! વિચારોના વહેતા ધોરિયાને ભાંગી નાખવા માટે એણે લમણાં મસળ્યાં ને પછી એ કુંવરને મૂકવા ચાલ્યો ગયો.