સમુડી/અગિયાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અગિયાર

સમુડી કપડાં ધોવા બેસે ત્યારે ચણિયો ઢીંચણથીયે ઉપર ચડાવીને બેસે. પણ આજે એ બેય પગ ઢાંકીને બેઠી હતી! ડાબો હાથ સાબુવાળા પાણીમાં બોળતી નહોતી! જમણા હાથે કપડાં ડોલમાંથી કાઢતી ને ધોકા લગાવતી – ધબ્ ધબ્ ધબ્! ધોકો પછડાવાનો અવાજ અને લય રોજ કરતાં ખૂબ ધીમાં હતાં. થોડીવાર પછી આ અવાજ બંધ થઈ ગયો. ધોકો તો સમુડીના હાથમાં જ હતો ને ચોકડીમાં પથ્થર પર સાડલોય પડેલો. પણ સમુડી ક્યાંક ખોવાઈ ગયેલી! એનો ચહેરો નંખાઈ ગયેલો. આંખોની ચમક સાવ ભૂંસાઈ ગયેલી. પોપચાં સૂજી ગયેલાં. કીકીની આસપાસનો સફેદ આરસના જેવા ભોગ અત્યારે લાલચોળ થઈ ગયો હતો. આંખોમાં, રાતી ઝીણી નસો ઊપસી આવેલી. કાયા જાણે સાવ કરમાઈ ગયેલી. ડોક ડાબી બાજુએ ઝૂકી પડેલી… શાંતાફૈબા ક્યારનાં આ જોઈ રહેલાં. આ અગાઉ એમણે સમુડીનું આવું રૂપ ક્યારેય જોયું નહોતું. સતત બોલ બોલ બોલ કરનારી સમુડી આજે આવી ત્યારની એક અક્ષરેય બોલી નથી! જાણે પાંખો અને કંઠ ખોઈ બેઠેલું પંખી જ જોઈ લ્યો! શું થયું હશે? શરીર સારું નહિ હોય? કોઈ વઢયું હશે? કોઈએ લાગણી દૂભવી હશે? એના મર્મસ્થાને કોઈએ આઘાત પહોંચાડયો હશે? ના, ના, એવા કશા કારણથી કંઈ સમુડી આમ સાવ ભાંગી તો ન જ પડે. ‘સમુ,’ શાંતાફૈબાએ ધીરેથી પૂછયું, ‘શું થયું સ?’ જવાબમાં ડબકષ ડબકષ કરતાં આંસુઓ સરી પડયાં. ‘રૅવા દે, સમુ; અત્યાર કપડોં કોંય નથી ધોવોં. ઓંય આય નં બેસ મારી પાહે.’ સમુને છાતીએ વળગાડીને રડવા દીધી. ખૂ…બ રડી એ. શાંતાફૈબાનો બ્લાઉઝ ભીનો થઈ ગયેલો અને ડાબું સ્તન પણ. રડી રહ્યા પછી સમુ કંઈક હળવી થઈ. શાંતાફૈબા પાણીનો ગ્લાસ ભરી લાવ્યાં. સમુએ ઘૂંટડો પાણી પીધું. પરમ દિવસની સવાર તો કેવી સોના જેવી હતી! તેજાને મળવાનું થયું હતું અને હર્ષદ… થોડીકવાર સમુ એ ક્ષણોની સ્મૃતિમાં ખોવાઈ ગઈ. ગઈકાલે સવારે એ હર્ષદને ઉઠાડવા ગઈ ત્યારેય કેટલો શરમાતો હતો એ! પોતે ચાદર ખેંચી લે તે પહેલાં તો એ ચાદર ઓઢેલી રાખીને જ નીચે ચાલ્યો ગયેલો! પણ એ જ દિવસની સાંજ? – ‘સમુ,’ શાંતાફૈબાએ પીઠ પર હાથ ફેરવતાં ફરી પૂછયું, ‘શું થઈ ગયું સ તનં?’ પછી સમુએ આગલા દિવસની સાંજે જે બની ગયેલું એની બધીયે વાત કહી. સમુડી સીમની એક ઊંચી ટેકરી પર ચઢી રહી હતી. સૂર્યાસ્ત જોવા માટે સ્તો. અવારનવાર એ સૂર્યાસ્ત જોવા માટે આ ટેકરી પર આવતી. ચઢાણ એકદમ સીધું. આથી એના સિવાય કોઈ ફરકતું નહિ. હા, હર્ષદ પણ ઘણીવાર સૂર્યાસ્ત નિહાળવા આવતો. ચઢાણ ખૂબ અઘરું. બે હાથની મદદ પણ લેવી પડતી. ચંપલ કાઢી નાખવાં પડતાં. પગનાં તળિયાંને તો જમીન ગરમ લાગતી નહિ પણ હથેળીઓ જરી દાઝતી. વળી, સમુડીની ચામડીય પાતળી અને સ્નિગ્ધ હતી. ટેકરી પર જવા માટે કેડી તો હતી જ નહિ. નાના-મોટા પથરા, રોડાં, માટીનાં ઢેફાં ને ઊગી ગયેલા ઝાંખરાં જ ઠેર ઠેર દેખાતાં. ત્રણેક દિવસ પહેલાં જ માવઠું થયેલું. આથી ટેકરી પરના ખાડવાળા ભાગોમાં માટી ભીની, ચીકણી અને લપસણી થઈ ગયેલી. પગ લપસવાની પૂરી શક્યતા. માટીના ઢેફાં પર ભૂલથી યે પથ્થર સમજીને પગ મૂક્યો તો ખલાસ. માટીના એ ઢેફાની સાથે જ સીધા નીચે. જમીનમાં બરાબર દટાયેલા પથરા પર ધીરેથી પગ ટેકવવો પડતો. પછી સહેજ વજન દઈને ચકાસવું પડતું કે એ પથરો ખસતો નથી ને? બેય હાથ તો જમીન પર ટેકવેલા જ હોય. પછી બીજો પગ ટેકવવા માટે દટાયેલા પથ્થર કે ઊંડા મૂળવાળાં ઝાંખરાં શોધવા પડતા, ને એના પર બીજો પગ ટેકવી એક ડગલું ઊંચે ચઢાતું. ઉનાળામાં તો અહીં સાપ પણ નીકળતા ને અજગર પણ આવી ચડતા. કહે છે કે ટેકરી પાછળ આવેલા જંગલામાંથી ક્યારેક વાઘ પણ આવી ચડતો ને સીમ પાસેનાં ઘરોમાંથી ઢોર ઉપાડી જતો. ટેકરી પર જવા માટે ઢીલાપોચાનું તો કામ જ નહિ. સખત શ્રમ પછી સમુડી ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે લાલચોળ સૂરજ ધીરે ધીરે તડકો સમેટી રહ્યો હતો. વૃક્ષોના લીલા રંગ પરની નારંગી ઝાંય ધીરે ધીરે ભૂંસાતી હતી. અજવાળું ઘટતું જતું હોવાથી ટેકરી તથા જમીનનો રંગ વધુ ભૂખરો લાગતો. માથે ચારના ભારા ઊંચકીને સ્ત્રીઓ ખેતરેથી પાછી ફરી રહી હતી. એ દૃશ્ય છાયાચિત્ર જેવું દેખાતું. વગડાથી ગામ ભણી જતા રસ્તા પર પાછા ફરતા ઢોરઢાંખરના કારણે રેતી ઊડતી હતી. જેથી વાતાવરણમાં રેતકણોનું પાતળું આવરણ રચાઈ ગયેલું. જાણે ચશ્માંના કાચ પર ધૂળ બાઝી હોય અને જોતાં હોઈએ તેવાં આછાં ધૂંધળા દૃશ્યો દેખાતાં. જાતજાતના અવાજો કાઢીને ભરવાડો ઘેટાં-બકરાંને પાછાં વાળવા માટે બોલાવી રહ્યા હતા. ચોમેર પથરાયેલા ઘાસ પરનું આછું ધૂંધળું અજવાળું ધીરે ધીરે ભૂંસાતું હતું ને એની સાથે સાથે ઘાસનો રંગ પણ બદલાતો જતો – પીળાશ પડતા લીલા રંગમાંથી નારંગી ઝાંયવાળો લીલો, પછી ઘેરો લીલો, પછી ભૂરાશ પડતો લીલો, પછી અંધકારના પાસવાળો લીલો… અને પછી તો ઘાસની ગંધવાળો અંધકારનો જ રંગ! જમીનમાં દર કરીને રહેનારાં કીટકો દરમાં ભરાઈ ગયાં હતાં. પવન પડી ગયેલો. સરુના વૃક્ષો તથા ઊંચું વધેલું ઘાસ જંપી ગયેલું. પતંગિયાં તો ક્યારનાય ક્યાંક અદૃશ્ય થઈ ગયેલાં. શિરીષના પાંદડાં બિડાઈ ચૂકેલાં. વૃક્ષોનાં પાનેપાન જાણે પાછાં ફરનારાં પંખીઓની રાહ જોતાં હતાં. બપોરનો તપેલો વગડો શીતળ બન્યો હતો. સાંધ્ય રંગના બેકષગ્રાઉન્ડમાં પંખીઓનાં કાળાં-ભૂખરાં ઝૂમખાં પસાર થતાં હતાં. ગભરુ હોલાંઓ તો ક્યારનાંયે માળામાં આવી ગયેલાં ને ‘પ્રભુ… તૂ’ ‘પ્રભુ… તૂ’ બોલતા હતાં. ક્યારેક ક્યારેક ક્યાંકથી બુલબુલ ટહુકી ઊઠતું. થોડી થોડી વારે પાછળના જ લીમડા પરથી દરજીડો કિલકિલાટ કરતો. લેલાં ટિટિયારો મચાવતાં પાછાં ફરતાં હતાં. દૂ…ર તાર નીચે રઘવાઈ રઘવાઈ ઊડતી, લાંબા પાતળા તિલકા જેવી દેખાતી એકાકી ટિટોડી, જાણે કોક એનાં ઈંડાં ઉપાડી જવા આવ્યું હોય તેમ, વારંવાર તીણા અવાજે જોરજોરથી ચીખતી હતી – વકષ તીતીતી… વકષ તીતીતી… અતિશય ઊંચાઈએ ઊડતી સમડીઓ હવે ઓછી ઊંચાઈએ ચકરાવા લેવા લાગી. ઘણીખરી સમડીઓ તો પાદરના વડલાની ટોચ પર આવીને ગોઠવાઈ ગયેલી. પણે પેલા તળાવકાંઠાના લીમડાની ટોચ પર બગલાઓનું ટોળું બેઠેલું. સફેદ ફૂલોનાં ઝૂમખાં જ જોઈ લો! બગલાનો સફેદ રંગ હવે સાવ આછો ભૂખરો દેખાતો હતો ને થોડી જ ક્ષણ પછી તો ઝાડના કાળા ધાબામાં ભળી ગયો. સૃિષ્ટ આખીય પર ફેલાયેલો તડકો હવે સમેટાઈ ગયો. દૂર દૂર છવાયેલા ઘાસનો રંગ પણ હવે તો અંધકાર જેવો જ થઈ ગયો. પણ હા, એ ઘાસની ગંધ કહી દેતી હતી કે ઘાસનો રંગ ઘેરો લીલો જ છે. પશ્ચિમ ક્ષિતિજ પરનું અજવાળું સંકોચાતું સંકોચાતું સૂરજમાં સમાતું જતું હતું. થોડી ક્ષણ પછી લગભગ આખું આકાશ અંધકારથી ઘેરાઈ ગયું. માત્ર સૂરજની આજુબાજુના થોડાક ભાગમાં અજવાળું વળગી રહેલું. સૂરજ સાવ ઝાંખો થઈ ગયેલો. આથી એની સામે ટીકી ટીકીને જોઈ શકાતું. નીચને કોર સહેજ ડૂબી. સાંધ્યરંગના પટાઓ અદૃશ્ય થઈ ગયા. પૂર્વ દિશામાં તો લગભગ ઘણુંખરું આકાશ અંધકારના સૈન્યે જીતી લીધેલું. સૂરજને ઘેરીને અંધકારનું સૈન્ય ઝડપભેર આગળ વધતું હતું. સૂરજની નીચેનો ભાગ ડૂબ્યો. સૂરજના નારંગી ગોળાને ચીરતી સારસપંક્તિ પસાર થઈ ગઈ. સૂરજ વધારે ડૂબ્યો. એના નારંગી રંગની તીવ્રતા ઘટી. ત્યાં જ એક વાદળની કોર ખસતી ખસતી આવી. સૂર્યની નજીક આવતી ગઈ તેમ તેમ વાદળની કોર વધુ ને વધુ ચમકતી રૂપેરી થતી ગઈ. સૂરજ ઢંકાઈ ગયો. વાદળમાંથી ચળાઈને બહાર આવતા આછા નારંગી રંગના તેજલિસોટાય થોડીવારમાં ધીરે ધીરે ઝાંખા થઈને અદૃશ્ય થઈ ગયા. અંધારું વધી પડ્યું. સમુ સૂર્યાસ્ત જોવા માટે આ રીતે ઘણીયે વાર આવતી. પણ આજે કોણ જાણે કેમ એના હૃદયના કો’ક ખૂણે કશોક ભય સળવળ્યો. ભય દૂર કરવા વિચાર્યું. ‘મું તો ઓંય ઘણીયે વાર આવું સું. મારઅષ વળી બીક શની? મીં ચ્યોં એવા હોનાના દાગીના પેર્યા હ તે ચંત્યા?’ ‘પગમોં ચોંદીનો કડોં તો હ.’ એના મને સામે દલીલ કરી. ‘પણ અત્તાર ઓંય ટેકરી પર આબ્બા તે કુણ નવરું હોય?’ ‘વખત સ નં કોઈ ચોર-બોર હંતાવા આયો હોય તો?’ ‘તોય હું? મીં ચ્યો કોઈનું કોંય બગાડયું હ? અનં ઓંયથી ગોંમ ચ્યોં સેટું હ? ટેકરી પરથી ઊતરત લગીર વાર થાહે, પસ તો આ પોંચી ગઈ…’ સમુ આમ વિચારતી ટેકરી ઊતરતી હતી, ત્યાં જ એને લાગ્યું – પેલા લેમડા પાછળ કો’ત હંતાયું? વીજળીની જેમ આખાયે શરીરમાં ભય દોડી ગયો. અંદરથી ધ્રૈજી જવાયું. ચાલવાથી થતો નવા ચણિયાનો ફફડ ફફડ અવાજ પણ બિહામણો લાગ્યો. એ અવાજથીય ભડકી જવાતું. લોહી વધારે વેગથી દોડવા લાગ્યું. જીવ ઊંચો થઈ ગયો. છાતી ધડકવા લાગી. ત્યાં લીમડા પાછળ સંતાયેલી છાયા બહાર આવી. ‘આ તો દિયોર સોમલો! ચોર પીટયો. ગોંમનો ઉતાર. હાહરીનાએ મારી ઉપર નજર બગાડી?’ સોમલો. પડછંદ કાયા, ત્રણ-ચાર જણને તો એકલો પહોંચે. પથ્થર જેવો ચહેરો. શીતળાનાં ચાઠાં. પીધેલી આંખો. છ ફૂટથીયે લાંબો. ઘણીયે વાર જેલના રોટલા ખાઈ આવેલો. સમુ અંદરથી તો ખૂબ ગભરાઈ ગયેલી, મોં પર દેખાતા ગભરાટને છુપાવવાના પ્રયત્નો કરતી પોતાને જ મનોમન કહેવા લાગી – ‘તે સોમલો હ તે દિયોર હું થઈ જ્યું? એ ખાલી રખડવાય આવ્યો હોય. ક પસઅષ પોલીસથી હંતાવાય આવ્યો હોય. મારઅષ હું? એ ઈના રસ્તે નં મું મારા.’ પણ મનમાંની બીક ઓછી નહોતી થતી. સમુડીને આમ રુઆબભેર ચાલતી જોઈ પહેલાં તો સોમલા જેવાનીય હિંમત ન ચાલી. સોમલો ગામમાં ગુંડા તરીકે જ ઓળખાતો. પશા પટેલની વહુની છેડતી કરી ત્યારે તો પટેલિયાઓએ બરાબર ખોખરોય કરેલો. બીક છુપાવતી સમુડી અડગ પગલે સોમલા પાસેથી પસાર થઈ ગઈ. સોમલો ઊભો હતો ત્યાં જ ઊભો રહી ગયો. સમુડીએ કંઈક હા…શ અનુભવી. પણ હજી જીવ તો તાળવે જ ચોંટયો હતો. સમુએ ટેકરી પર જોયું તો આજુબાજુ કાળું ચકલુંય દેખાતું નહોતું. દૂ…ર પાદર પાસેના મહાદેવમાં થતી આરતીનો આછોપાતળો અવાજ વહી આવતો હતો. પોતે ચીસ પાડે તો કોઈ કહેતાં કોઈ સાંભળનારું ય નહોતું. આથી સમુની બીક વધી. ચાલવાની ઝડપ ખૂબ વધારી. એ લગભગ દોડતી હતી. સમુની ઝડપ વધેલી જોઈ સોમલામાં હિંમત આવી. સમુએ ગભરતાં ગભરાતાં પાછળ જોયું તો સોમલોય દોડતો હતો. ટેકરીનો સીધો ઢાળ આવી પહોંચ્યો. સમુને તો ઊતરવાનો મહાવરો હતો. એથી ઝટ ઝટ ઊતરવા લાગી. ઉતાવળમાં ને ઉતાવળમાં ચણિયાનો છેડો કૅડમાં ખોસેલો એ નીકળી ગયો. સોમલો પાછળ પડેલો હોવાથી છેડો ફરી કૅડમાં ખોસી, પગની પાની સુધી આવતો ચણિયો ઊંચો લેવામાં તો સમય બગાડાય જ કેમ? ‘જૂનો ચણિયો પેર્યો હોત તો હારું થાત. આ ચણિયોય એકાદવાર ધોયો હોત તો ચડી જ્યો હોત. પણ નખ્ખોદિયા રોમલા દરજીએય કાપડ પલાળ્યા વના જ સીવી નખ્યું નં આ મોંકોંણ મંડૉણી.’ ‘ટેકરી ઊતર્યા પસઅષ તો ગીચ ઝાડીઓમાંથી નેંકળતી કેડી પર પૂરપાટ દોડોય. નેંચી ડાળખીઓ આડી આવઅષ તાણુંં મોંથું નમાવવું પડઅષ. એટલું જ. અનં કેડી પૂરી થયા પસઅષ તો રોડ. રોડ પર તો કો’કનું કો’ક હશે એકઅષ (એટલે) રોડે પોંક્યા પસઅષ વોંધો નૈં. રોડે પોંક્યા પસઅષ તો પોતે વગડો આખયો ચીરઈ જાય એવી ચીસ પાડસે નં મા‘દેવની આરતીમોં આયેલોં બધોં ચીસ હોંભળીનં દોડી આવશી. નં પસઅષ તો હહરીના સોમલાનં ટીપી ટીપીનં રોટલો જ કરી નખશી.’ આમ વિચારતી સમુ ઊતરતી હતી ત્યાં જ ચણિયાની કિનારી પગમાં આવી. સમતોલન ગુમાવ્યું. ને છેક – ટેકરીની નીચે. થોડીવાર તો તમ્મર આવી ગયાં. જાણે પૃથ્વી ડગમગી ગઈ. આંખ પાસે લાલભૂરાં ધાબાં દેખાયાં ને પછી અંધારાં ઊમટી આવ્યાં. ભાન હમણાં ચાલી જશે એવું લાગ્યું. હથેળીને ઢીંચણ છોલાઈ ગયેલા. ખૂબ પીડા થઈ હતી. ઝટ ઊભું થવાય એમ નહોતું. નવો નક્કોર ચણિયો ઢીંણ પાસેથી ફાટયો હતો, માટીમાં રગદોળાયો હતો ને લોહીના ડાઘાય પડેલા. આંખે-અંધારા વળતાં બંધ થયાં. ને જોયું તો સોમલો ખીખીખી કરતો છેક આવી પહોંચ્યો. અચાનક જ સમુએ માટીનાં ઢેફાં બેય હાથમાં લઈ, મુઠ્ઠીમાં ભાંગીને માટી સોમલાના ચહેરા પર ફેંકી. અચાનક જ આમ માટી આંખમાં પડવાથી સોમલો ડઘાઈ ગયો. આંખો ચોળવા લાગ્યો. સમુડી ઢીંચણ પર થૂંક લગાવી, ઘા પર માટી દાબી વળી દોડવા લાગી. ખૂબ વાગ્યું હોવાથી દોડી શકાતું નહોતું. મનમાં થતું, ‘હે મેલડી! જેમ તેમ કરીનેય આ કેડી પૂરી થાય નં રોડ આવઅષ તો હારું.’ હતું એટલું બધુંય જોર એકઠું કરીને એ માંડ માંડ દોડતી, શરીરને આગળ ધકેલતી. પાછળ જોયું તો સોમલો પાંચેક ડગલાં જ દૂર! બધુંય બળ એકઠું કરીને એ દોડવા લાગી. મનમાં મેલડીમાનું રટણ તો ચાલુ જ હતું. પણ ઠેસ વાગતાં જ પડી ગઈ. જમણા અંગૂઠાનો આખો ય નખ ઊખડી ગયો. ઝટ ઝટ ઊભી થવા જાય એ પહેલાં તો સોમલો આવી પહોંચ્યો. ‘પોતાની પાહે એકાદ દાતેડું હોત તો હાહરીનાનાં એક ઝાટકે વાઢી નખત.’ આવો વિચાર આવી ગયો. તરત જ પગમાંથી ચાંદીનું કડું કાઢીને પોતાના પર ઝૂકેલા સોમલાના ડાચા પર ફટકાર્યું. પણ… પણ… આટલી વાત કહ્યા પછી આગળ સમુડી કશુંય બોલી ન શકી, અવાજ રૂંધાઈ ગયો. પણ બાકીની વાત એનાં આંંસુએ પૂરી કરી. પછી ચણિયો ઊંચો કરી છોલાયેલાં ઢીંચણ બતાવ્યા. છોલાઈ ગયેલી ડાબા હાથની હથેળી બતાવી. ‘બેટા, સમુ,’ શાંતાફૈબાએ પૂછયું, ‘આ વાત તીં કોઈનં કરી તો નથી નં?’ ‘ના.’ સમુએ જવાબ આપ્યો, ‘બાપાનં મીં એટલું જ કીધું ક મું ટેકરી પરથી પડી જઈ’તી.’ એ ઘટના પછી, ત્રણેક દિવસ પછી જ સીમના અવાવરુ કૂવામાંથી નાક ફાટી જાય એવી વાસ આવવા લાગી. કૂવામાં કોક લાશ ઊંધી તરતી હતી! બપોરના તડકામાં કૂવાનું લીલ બાઝેલું પાણી કાળાશ પડતા લાલ ડાઘાવાળા દેખાતું હતું. ઊભા રહી ન શકાય એટલી ગંધ મારતી હવડ કૂવાની અને કોહવાયેલી લાશની. આકાશમાં ચકરાવા લેતાં ગીધડાં લાશ બહાર નીકળે એની વાટ જોવા લાગ્યાં. લાશ બહાર કાઢવામાં આવી. લાશ ઓળખાય એવી નહોતી રહી. કોઈએ એનો ચહેરો જ છૂંદી નાખેલો! ગળામાં સોનાનો દોરો ચળકતો હતો. એ દોરાના ચકતામાં નામ લખેલું ન હોત તો એ લાશ ઓળખી જ ન શકાત. સમુડીએ જેની સાથે વિવાહ તોડી નાખેલો એ યુવાન જીવાએ લાશ ઓળખી બતાવેલી તો – સોમલો. સોમલા સાથે તો ઘણાયને વેર હતું! સોમલાને કોણે માર્યો હશે? શા માટે માર્યો હશે? શું થયું હશે? આ બધા જ પ્રશ્નો અનુત્તર રહેવા જ સર્જાયા હતા. પોલીસને ય કોઈ જ પગેરું ન મળ્યું. ગામલોકના મનમાં પ્રશ્ન રહી ગયો – શું થયું હશે?!